કચ્છમાં અઠવાડિયા સુધી વરસાદના કોઈ એંધાણ નહીં

જિલ્લાના જળાશયોમાં પણ માત્ર ૧૨.૬૬ ટકા જ પાણી

ભુજ : શ્રાવણની શરૂઆતમાં મેઘરાજાએ હેમ વરસાવતા એવું લાગ્યું હતું કે, અષાઢે નિરાશ કર્યા બાદ શ્રાવણ સુધરશે. પરંતુ શ્રાવણી મેહ એકવાર વરસ્યા બાદ મોટાભાગનો મહિનો કોરોકટ જવાની ભીંતિ છે. આગામી એકાદ સપ્તાહ સુધી કચ્છમાં વરસાદનાં કોઈ સંજોગ જોવા મળતા નથી તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.
કચ્છ જિલ્લા સરેરાશ કરતા પણ માત્ર ૨૫ ટકાનો વરસાદ થયો છે. તે પણ છુટો છવાયો વરસાદ થવાને કારણે જળાશયોમાં પાણી સંગ્રહ થઈ શક્યું નથી. ગત વર્ષે પણ અપૂરતો વરસાદ થયો હતો. અને આ વર્ષે પણ નહિવત વરસાદ થવાથી દિનપ્રતિદિન સ્થિતિ કપરી થતી જાય છે. તેવામાં છેલ્લા બે દિવસથી તો ધોમધખતો તાપ નીકળી આવ્યો છે. તેવામાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી એકાદ સપ્તાહ સુધી કચ્છમાં વરસાદ થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી. કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ ડેવલોપ થઈ નથી કે તેનાથી વરસાદ થઈ શકે. વધુમાં હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે, એકાદ સપ્તાહ સુધી કયારેક કયારેક વાતાવરણ વાદળછાયું જોવા મળશે. અને ઝાપટું થઈ શકે છે. બાકી વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેવામાં શ્રાવણ માસે પણ લોકોને નિરાશ કર્યા છે. શરૂઆતમાં એક રાઉન્ડ વરસાદ થયા બાદ આખો મહિનો કોરોકટ જાય છે. ત્યારે હવે ભાદરવાના ભૂસાકા કેવા થાય છે તે જોવાનું રહ્યું.
એકતરફ વરસાદનો કોઈ પત્તો નથી અને બીજી તરફ જિલ્લાના જળાશયો ખાલી ખમ છે. કચ્છના મધ્યમ સિંચાઈના મહત્વનાં ૨૦ ડેમોમાં માત્ર ૧૨.૬૬ ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છના જળાશયોની પાણી સંગ્રહ ક્ષમતા ૩૩૨.૨૮ મીલિયન કયુબિક મીટર છે. જેની સામે હાલ માત્ર ૪૨.૦૭ મીલિયન કયુબિક મીટર પાણી સંગ્રહાયેલુ છે.