કચ્છમાં અકસ્માત વીમા યોજનામાં ૧૪૬ ખેડૂત વારસદારોને ર.૮ર કરોડની ચુકવણી

યોજના અંતર્ગત શારીરિક અપંગતાના કેસમાં એક લાખ, મૃત્યુના કિસ્સામાં બે લાખની સહાય અપાઈ : બે વર્ષના સમયગાળામાં થયેલી ર૦૪ અરજીઓ પૈકી રપ અરજીઓ હાલ પ્રગતિ હેઠળ છે તો ૩૩ અરજીઓ કરાઈ નામંજૂર

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ બે વર્ષમાં ૧૪૬ ખેડૂત ખાતેદારો – વારસદારોને રૂા. ર.૮ર કરોડની સહાય મંજુર કરવામાં આવી છે. બે વર્ષના સમયગાળામાં કુલ્લ ર૦૪ અરજીઓ કરવામાં આવી હતી. જે પૈકી રપ અરજીઓ પ્રગતિમાં છે જ્યારે ૩૩ અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના હેઠળની અપંગતાની ઘટનામાં વીમા રક્ષણમાં અગાઉ મૃત્યુ સહાયમાં એક લાખ અને કાયમી અપંગતામાં પ૦ હજારની સહાય આપવામાં આવતી હતી. જેમાં બે વર્ષ અગાઉ ર૦૧૮માં વધારો કરાયો હતો. જે અંતર્ગત અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા લેખે રૂા. બે લાખ, બે આંખ કે અંગ ગુમાવવાના કિસ્સામાં પણ રૂા. ર લાખ અને અકસ્માતમાં એક આંખ કે એક અંગ ગુમાવવાના કિસ્સામાં પ૦ ટકા લેખે રૂા. ૧ લાખ સહાય આપવામાં આવે છે.ઉપરાંત યોજનામાં ખેડૂતના કોઈ પણ સંતાનનો સમાવેશ કરાયો છે. જો કે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદારો ખેડૂતો એટલે કે, મહેસુલી રેકર્ડ મુજબ ૭-૧ર અને ૮ અ તેમજ ગામના નમુના નંબર ૬ માં
અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા ખાતેદાર ખેડૂતોને લાભ મળવાપાત્ર હોવાનું ઠરાવાયું છે. મંજૂર અરજીના નાણા જે તે મૃતક વારસદારોને બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે.
કચ્છ જિલ્લાની વાત કરીએ વર્ષ ર૦૧૯-ર૦માં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં કુલ્લ ૧૧૦ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી ૭૯ અરજીઓ મંજૂર કરાઈ હતી, જે અંગર્ગત ૧,પ૧,પ૦,૦૦૦/-ની રકમ ચુકવાઈ છે. જ્યારે ર૪ અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી છે. તો ૭ અરજીઓ હાલ પ્રગતિમાં છે. વર્ષ ર૦ર૦-ર૧માં થયેલી કુલ્લ ૯૪ અરજીઓ પૈકી ૬૭ અરજીઓ મંજૂર કરી ૧,૩૧,૦૦,૦૦૦ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. તો ૧૮ અરજીઓ હાલ પ્રગતિ હેઠળ છે તો ૯ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ર૦૧૯ થી ર૦ર૧ સુધી કુલ્લ ર૦૪ અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી ૧૪૬ને મંજૂર કરી ખેડૂત અકસ્માત વીમા યોજના થકી રૂા. ર,૮ર,પ૦,૦૦૦/-ની કુલ્લ રકમ ચુકવવામાં આવી છે.