કચ્છમં યોજાયેલ લોક અદાલતમાં ૬૪૩૬ કેસોનો થયો નિકાલ

સમાધાન લાયક ૮૯૯, સ્પેશિયલ મેજિસ્ટેરીયલ સીટીંગના ૫૧૪૭ અને પ્રિ-લીટીગેશનના ૩૯૦ કેસોનો નિકાલ કરાયો : કુલ ૧૧.૪૬ કરોડના એવોર્ડ થયા

ભુજ : કચ્છના દસેય તાલુકાઓની કોર્ટમાં યોજાયેલી લોક અદાલતને સફળતા મળી હતી, જેમાં ૬૪૩૬ જેટલા કેસોનો નિકાલ કરી ૯પ ટકા કામગીરી કરાઈ હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી (નાલસા) અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની અનુશ્રામાં, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભૂજ-કચ્છના અધ્યક્ષ એમ.એમ.પટેલની રાહબરી હેઠળ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને તમામ દસ તાલુકામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં આ લોક-અદાલતતનું વર્ચુઅલી નિરીક્ષણ સુપ્રિમ કોર્ટના ઓફ ઈન્ડિયાના ન્યાયમૂર્તિ અને નાલસાના એક્ઝિક્યુટીવ ચેરમેન શ્રી યુ. યુ. લલીત તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી મેમ્બર એચ.એસ.મુલીયા દ્વારા કરાયું હતું.
આ લોક અદાલતને સફળ બનાવવા કચ્છ જિલ્લ્લાના તમામ ન્યાયાધિશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દિવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા, દરખાસ્તો, સમાધાનની શકયતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો ફાઈન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરવામા આવી હતી. આ લોક અદાલતમાં સમાધાન લાયક ૮૯૯, સ્પેશિયલ મેજિસ્ટેરીયલ સીટીંગના ૫૧૪૭ અને અદાલતમાં ન થયેલા પ્રિ-લીટીગેશનના ૩૯૦ કેસો મળી કુલ ૬૪૩૬ કેસોનો નિકાલ કરાયો હતો અને ૧૧.૪૬ કરોડના એવોર્ડ થયા હતા.
આ લોક અદાલતને સફળ બનાવવામાં તમામ ન્યાયાધિશો, કલેકટર, નિવાસી અધિક કલેકટર, તમામ તાલુકા બાર એસોસીએશનના હોદ્દેદારો, સભ્યો, પેનલ એડવોકેટ્‌સ, જિલ્લા સરકારી વકિલ, મદદનીશ સરકારી વકિલો, અદાલતના તમામ કર્મચારીઓ, પીજીવીસીએલ, બેંકના અધિકારીઓ, ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અનેપશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાનો સહકાર મળ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજના સચિવ બી.એન.પટેલ તમામ સ્ટેક હોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.