કચ્છને નર્મદાજળ મુદ્દે અન્યાય : દેર સે આયે દુરસ્ત આયે… પરંતુ…રાજકીય સુરજ મધ્યાહ્નને હતો, ત્યારે કેમ ચૂપ રહ્યા?

  • કચ્છના સજજન મોભી પુષ્પદાનજી-તારાચંદભાઈને પ્રજાજનોનો સવાલ!

ગુજરાત સરકારને કચ્છના નર્મદાજળના પ્રશ્નોને લઈને પ્રથમ તારાચંદભાઈએ કરી દેખાડી હતી

ધારદાર રજુઆતો તે બાદ તાજેતરમા જ પુષ્પદાનભાઈ ગઢવીએ પણ સરકારને ધરેલી લાલબત્તી વખતે સુચક ઈસારો : બન્ને મોભીઓ ધુરંધર હતા અને છે, બન્નેનું સરકારમાં ખુબ ઉપજતું હતુ, જે કહે તે કામો મંજુર કરાવી શકતા હતા, તો તે વખતે કેમ નર્મદાજળના પ્રશ્ન બાબતે ન કરી દેખાડી ધારદાર રજુઆતો..? : પુષ્પદાનભાઈના સમયમાં તો નર્મદાજળને લઈને કચ્છમાં કિસાન સંઘે ઐતિહાસીક કહી શકાય તેવી રેલી નીકળી હતી, જો તે વખતે કિસાનસંઘની વાત સરકાર તબક્કે પહોંચાડી હોત તો આજે કચ્છ નર્મદાજળથી નંદનવન બની ગયુ હોત : તેવી જ રીતે તારાચંદભાઈ આનંદીબેન પટેલની સરકારમાં રાજયમંત્રી પદે રહી ચુકયા હતા સેવારત : ધાર્યા કામો કચ્છના હિતમાં થતા હતા તો નર્મદા જળ તેમના માટે શુ મોટી વાત હતી?

હજી પણ આ બન્ને નેતા અને જી.પ્રમુખ, એમપી, ધારાસભ્યો, સાથે મળીને કડક રજુઆત કરે તો જે નર્મદા મૈયામાં કચ્છને થયેલ અન્યાય દુર કરી શકાય, પરંતુ એવું તો નથી કે, દુઃખે છે પેટને કુટે છે માથું ! ખરેખર રહી રહીને કચ્છને થયેલ અન્યાય બાબતે ચીંતા થઈ હોય તો કચ્છ રાજકારણી એક સાથે ફકત ગાંધીનગર જઈને રજુઆત કરે અને તે વખતે મીડીયામાં બ્વધુ વિગતવાર અહેવાલની નોંધ આપે તો બધું ઠીક થઈ શકે

ગાંધીધામ : કચ્છને નર્મદાજળ મુદે થઈ રહેલા અન્યાયના વિષયને લઈને ભાજપની સરકારની સામે જ ભાજપના દિગ્ગજ અને સનિષ્ઠ શકિતશાળી મોભીઓ એક પછી એક હિંમતભેર રજુઆતો કરી રહ્યા છે. પ્રથમ તારાચંદભાઈ છેડાએ આ બાબતે ધારદાર રજુઆતો કરી હતી તો વળી હવે પુષ્પદાનભાઈ ગઢવીએ પણ સરકારને આ વિષયને લઈને લાલબત્તી ધરતી રજુઆત કચ્છના મોટા જનસમુદાયના હિતમાં કરી દેખાડી છે. તો વળી બીજીતરફ કચ્છના આ બન્ને સજજન મોભીઓને જિલ્લાના પ્રજાજનો દ્વારા પણ કેટલાક સવાલો પૂછાઈ રહયા હોવાનો વર્તારો ઉભો થયો છે.આ બાબતે જિલ્લાના પ્રબુદ્વવર્ગમાં જે ચર્ચાઓ થવા પામી રહી છે તે અનુસાર કચ્છને નર્મદાજળ મુદ્દે અન્યાય થઈ રહ્યો છે, કચ્છ જોતુ જ રહે છે અને કચ્છના હિતનું પાણી અન્યત્ર જાય છે, સરકાર આ બાબતે જાગૃત બને નહી તો આગામી સમયમાં સરકારને અને પક્ષને ભોગવવાનુ આવી શકે છે તેવી ભીતી હાલમાં કચ્છ ભાજપના દિગ્ગજ, શિરોમાન્ય અને સિનિયર આગેવાનો એવા તારાચંદભાઈ છેડા તે બાદ હવે પુષ્પદાનભાઈ ગઢવીએ પણ કચ્છના વિશાળ જનહિતને ધ્યાને રાખીને રજુ કરી છે. સામા પ્રવાહે તરવા સમાન હિમંતભર્યા નિવેદનો પુષ્પદાનભાઈ ગઢવી અને તારાચંદભાઈએ નર્મદા જળ મુદ્દે કચ્છને થઈ રહેલા અન્યાય મામલે હાલમાં રજુઆતો સાથે કહી રહ્યા છે તેમા બે મત નથી. બન્ને મોભીઓ સજજન-સનિષ્ઠ-પ્રજાહિતને વરેલા છે તેમાં પણ કોઈ જ શંકા થઈ શકે તેમ નથી. ભાજપના વ્યાપક વિકાસમાં બન્ને આગેવાનોની મોટી ભૂમિકા રહેલી છે. તારાચંદભાઈ તો મુંદરા જેવા વિસ્તારના નાનકડા ગામમાથી રહીને પણ કચ્છ આખાયની સેવા કરવી, નાણાભીડ વચ્ચે પણ કચ્છને માટે કઈક કરી છુટવાની તેમની ખેવનાએ જ આજે ભાજપને ક્ચ્છવ્યાપી વિસ્તાર આપ્યો છે. તારાચંદભાઈની જીવદયાની ભાવનાથી કદાચ જ કોઈ અજાણ હશે એવી જ રીતે કચ્છમાં ત્રણ ત્રણ ટર્મ સુધી સાંસદ પદે રહેલા અને કચ્છ આખાયમાં સાસંદ અને ધારાસભ્ય બન્ને પદે રહી કચ્છની સેવા કરવાનો પણ યશ જો કોઈ એકને જતો હોય તો તે કદાચ પુષ્પદાનભાઈને ફાળે જ જતો હશે. આવા બન્ને સિનિયર આગેવાનો છે, લાંબા સમય સુધી તેઓ સત્તામાં પણ રહી ચૂકયા છે જયારે હવે બન્ને સિનિયર આગેવાનો સીધી રીતે સત્તામાં કે સંગઠનમાં સક્રીય નથી રહ્યા તેવા સમયે નર્મદાજળ અને કચ્છને લઈને સરકાર સમક્ષ સચોટ રજુઆતો કરી રહ્યા છે તે સરાહનીય અને આવકારદાયક વાત જ કહી શકાય તેમ છે. પરંતુ બીજીતરફ કચ્છના આંતરીક વર્ગમાં ચર્ચાઓ એવી પણ થઈ રહી છે અને બન્ને મોભીઓને સવાલ પણ પુછાઈ રહ્યા છે કે, હાલમાં રજુઆતો કરી છે તે સારી જ વાત છે પણ આપ ખુદ જયારે સરકારમાં સક્રીય હતા, ધારાસભ્ય, સાંસદ અને મંત્રીપદે રહી ચૂકયા છો તો એ વખતે આપે આ વિષયો મામલે કેમ અવાજ ન ઉઠાવ્યો? તેમા પણ બન્ને ખુદના સક્રીય રાજકીય-જાહેરજીવનના કાળ વખતે શકિતશાળી અને સજજન નેતાની છબી ધરાવનારા જ હતા. બન્નેનો સુરજ મધ્યાહને જયારે તપતો હતો, સરકારમા જે રજુઆતો કરે તે ધડાધડ મંજુર થઈ જતી હતી, તેમ છતા નર્મદા જળ જેવા વિષયને લઈને તે વખતે કેમ આવી સચોટ અને ધારદાર રજુઆતો કરતા ન દેખાયા? પુષ્પદાનભાઈ ગઢવીના સમયકાળ વખતે તો નર્મદા જળને લઈને કિસાન સંઘ દ્વારા તે વખતે વિશાળ અને એતિહાસીક કહી શકાય તેટલી મોટી રેલી નીકળી હતી. જો કીસાન સંઘની વાત કદાચ તે વખતે જ પુષ્પદાનભાઈએ સરકાર તબક્કે સચોટતાથી રજુ કરી હોત તો નર્મદા જળ થી આજે કચ્છ નંદનવન બની જવા પામી ગયુ હોત. ઉપરાંત તે વખતે રાજકીય રીતે પણ કચ્છનુ રાજયમાં ભારે વર્ચસ્વ હતુ. એકતરફ પુષ્પદાનભાઈ ગઢવી, રાજયના સીએમ તે વખતે માંડવીના સપુત સુરેશભાઈ મહેતા, તેમની સાથોસાથ જોડીદાર તરીકે અનંતભાઈ દવે પણ કચ્છના પ્રશ્નોને રાજયકક્ષામાં ગજવતા હતા. આટઆટલુ સબળ નેતૃત્વ તે વખતે કચ્છને મળેલુ હતુ. જો તે વખતે સચોટ રજુઆતો કરી હોત તો નર્મદાજળ તો મળે કે ન મળે પણ ભુજ-માંડવી વચ્ચેના રસ્તાના પુલીયાના કામો તો થવા પામી શકયા હોત..! આવીને આવી જ રીતે તારાચંદભાઈ છેડા પણ વિધાનસભામા કચ્છનુ અનેકવાર કરી ચૂકયા છે પ્રતિનિધિત્વ. એથીય વિશેષ તેઓ ખુદ આનંદીબેન પટેલની સરકારમાં રાજયમંત્રી તરીકે પણ સ્થાન પામ્યા હતા. એ વખતે તારાચંદભાઈ જેમ કહેતા તેમ થઈ જતુ હતુ, તો તેઓને પણ નર્મદા જળનો વિષય તેઓના ખુદના મંત્રીકાળ વખતે કેમ યાદ ન આવ્યો? ખેર, બન્નેને મોડેમોડથી આ વિષય યાદ આવયો પણ કચ્છ તે માટે પણ ભાગ્યશાળી કહેવાય કે, એક સમયના આવા શકિતશાળી નેતાઓએ કચ્છના વિશાળ હિતને સ્પર્શતા પ્રશ્નોની ચિંતા કરી તો ખરી? પરંતુ તેઓના કાળમાં આ વિષયો પર જોઈએ તેટલી કવાયત-મહેનત ન થઈ હોવાથી હવે લોકો તરેહ તરેહની વાતો કરી રહ્યા છે. જો તે જ વખતે આ પ્રશ્નો ઉપાડી નિવેડો લાવી દીધો હોત તો આજે આ વાતો કદાચ થવા પામી ન હોત તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય. ડો. મહેતાને જોઈ લ્યો, તેઓ પર કોઈને જરા સહેજ પણ સવાલો ઉભા કરવાનુ નથી થતુ. તેઓએ તેમના સમયમા મહેનત જ એટલી બધી કરી દેખાડી હતી. લોકો હવે પુછી એજ રહ્યા છે કે, એકાએક જ આપણે કચ્છને નર્મદાજળ વિષય મુદ્દે અન્યાય થયાના સ્વપ્નો આવ્યા જ કયાંથી? અને કેવી રીતે? ખેર આ પ્રકારના ઉઠી રહેલા સવાલો અને પ્રશ્નોના મારાથી વર્તમાન ભાજપના નેતાઓ અને કચ્છના રાજકારણીઓ બોધપાઠ મેળવે કે તેમની પાસે હજુય સમય છે, શકિત અને તાકાતને અન્યત્ર ખેાટી રીતે વેડફવાના બદલે પ્રજા હિતાર્થે ઉપયોગ કરે, નર્મદાજળ કોઈ એટલો મોટો અને જટીલ પ્રશ્ન નથી, સૌ એક બને, સાચી ઈચ્છાશકિત દેખાડે, તો સત્તાથી વિમુખ થઈ ગયા બાદ અથવા તો સત્તામાં ન રહ્યા પછી પ્રશ્નો ઉપાડતી વખતે પ્રજાજનોના સવાલોના જવાબો આપવાનો વારો નહી આવે તે સમજ કેળવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.