કચ્છનું કાશ્મીર ૧ર.૭ ડિગ્રી સાથે ફરી રાજ્યમાં પ્રથમ

ગઈકાલથી જિલ્લાભરના વાતાવરણમાં આવ્યું પરિવર્તન : લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું : તાપમાનનો પારો ફરી નીચે સરકે તેવી સંભાવનાઓ

 

ભુજ : તમિલનાડુ અને કેરળને ધમરોવ્યા બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોઈ તેની અસર કચ્છ જિલ્લામાં પણ જાવા મળી રહી છે. ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે જે આજે પણ જાવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્વત્ર ફરી ટાઢોડુ છવાઈ ગયું હતું. તો કચ્છનું કાશ્મીર નલિયા ૧ર.૭ ડિગ્રી સાથે રાજ્યમાં પ્રથમ નંબરનું ઠંડુ મથક રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને પગલે કચ્છમાં છવાયેલ ટાઢોડુ પવનની ઝડપ ઘટવાની સાથે જ હળવું થતા ફરી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે
ગુજરાત તરફ આગળ વધી રહેલા ઓખી વાવાઝોડાની અસરના પગલે ફરી કચ્છના વાતાવરણમાં પરિવર્તન આવી ગયું છે. જિલ્લાભરમાં છવાયેલ વાદળછાયા વાતાવરણના પગલે લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકયો છે. જોકે તાપમાનના ઘટાડાની તલનાએ ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. નલિયા મધ્યે આજે લઘુત્તમ તાપમાનનો પારો ૧ર.૭ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના લીધે ફરી કચ્છનું આ મથક રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે. તો જિલ્લા મથક ભુજ મધ્યે ૧૪.૮ ડિગ્રી, જ્યારે ન્યુ કંડલા મધ્યે ૧૭.૬ અને કંડલા એરપોર્ટ મધ્યે ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઓખી વાવાઝોડાની અસરના પગલે જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો હજુ નીચે સરકવાની સંભાવનાઓ હોઈ ઠંડીનું જાર વધવાની પૂરેપૂરી શકયતાઓ છે.