કચ્છનું ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સજ્જડ બંધ

શહેર કોંગ્રેસ દ્વારા યોજાઈ રેલી : શાળાઓ રહી બંધ : તમામ પેટ્રોલ પંપો પર ખડકાયો ચુસ્ત બંદોબસ્ત : ર૦ જેટલા કાર્યકરોની પોલીસે કરી અટક

ગાંધીધામ : દેશના મહાબંદરોમાં અગ્ર હરોળનું સ્થાન ધરાવતા દિન દયાલ પોર્ટ તેમજ અન્ય ઉદ્યોગો ધંધાના લીધે ગાંધીધામ એ કચ્છ જિલ્લાનું ઔદ્યોગિક પાટનગર તરીકે પ્રસ્થાપિત થયું છે. મેટ્રો સિટીની માફક અહીં પણ ર૪ કલાક અને ૩૬પ દિવસ વેપાર – ધંધાનો સતત ધમધમાટ જોવા મળે છે. જો કે, આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પગલે ગાંધીધામ સજ્જડ બંધ રહ્યું હતું.
પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં રોજિંદી આગઝરતી તેજી, રૂપિયાનું મુલ્ય તળિયે પહોંચવા ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમત પણ બેકાબુ બનતા સામાન્ય લોકોને કુટુંબના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. લોકો સતત મોંઘવારીથી પિસાઈ રહ્યા હોઈ દેશની પ્રજાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવા કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે ગાંધીધામમાં તેની પ્રચંડ અસર જોવા મળી હતી. શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી માર્કેટથી રેલી શરૂ કરાઈ હતી જે શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ પરત ગાંધી માર્કેટ પહોંચી હતી. કોંગ્રેસના એલાનને ગાંધીધામના વેપારીઓે સ્વયંભુ સમર્થન આપતા બજારો સુમસામ ભાસી હતી. આ એલાનના પગલે કયાંય અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પેટ્રોલ પંપો પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન જોવા મળી હતી. શાળાઓ પણ બંધ રહી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના ર૦ જેટલા આગેવાનોની અટક પણ કરાઈ હતી. ડીવાયએસપી શ્રી વાઘેલા, એ ડિવિઝન પી.આઈ. શ્રી સુથાર, એલસીબી પી.આઈ. શ્રી જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.