કચ્છનું આરોગ્ય તંત્ર એલર્ટ : આઈસીયુ – ઓક્સિજન બેડની સંખ્યામાં બે ગણો વધારો

  • ત્રીજી લહેરના આગમન પહેલા આગોતરી તૈયારી

આઈસીયુ બેડની સંખ્યા ર૦૪ થી વધારી ૪૧૦ કરી દેવાઈ : ઓક્સિજન બેડની સંખ્યા ૧૮ર૧ માંથી વધારી ર૪રર કરાઈ : તમામ પીએચસી – સીએચસીમાં મુકાયા ઓક્સિજનના સિલીન્ડરો : નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓની સંખ્યામાં પણ ઉમેરો

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની ત્રીજી લહેર આપવાની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને સ્વજનો પણ ખોયા છે આજ સ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે કચ્છ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના સિલિન્ડરો મુકી દેવામાં આવ્યા છે. તો તેની સાથોસાથ આઈસીયુ તેમજ ઓક્સિજન બેડની સંખ્યામાં પણ બે ગણો વધારો કરાયો છે.આ અંગેની વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ શાંત પડી ગઈ છે. જો કે, આગામી સમયમાં ત્રીજી લહેર ત્રાટકવાની નિષ્ણાંતો દ્વારા આગાહી વ્યકત કરાઈ છે. તે વચ્ચે એકાદ પખવાડીયાથી છુટાછવાયા પોઝીટીવ કેસો પણ નોંધાઈ રહ્યા છે ત્યારે જો ત્રીજી લહેર ત્રાટકે તો બીજી લહેર વેળાએ સર્જાયેલી સમસ્યાનો દર્દીઓ તેમજ તંત્રને પુનઃ સામનો કરવો ન પડે તે માટે અત્યારથી જ કચ્છના આરોગ્ય સહિતનું તંત્ર સજ્જ બન્યું છે. બીજી લહેર વેળાએ જિલ્લામાં ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સુવિધાઓની પ્રારંભે ભારે ઘટ જોવા મળી હતી. જેના પગલે દર્દીઓને સારવાર મેળવવા માટે રીતસરની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાનગી હોસ્પિટલોમાં પણ મોં માંગ્યા પૈસા ચુકવવાની તૈયારી હોવા છતાં પણ દર્દીઓને પુરતી સારવાર મળી રહી ન હતી, ત્યારે સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લાના આરોગ્ય તંત્રએ અત્યારથી જ હથિયારો સજાવી લીધા છે.આ બાબતે આરોગ્ય તંત્રના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જિલ્લાની તમામ પીએચસી – સીએચસીમાં ઓક્સિજનની બોટલો મુકી દેવામાં આવી છે. તેની સાથોસાથ આઈસીયુ તેમજ ઓક્સિજન બેડની સંખ્યામાં પણ જિલ્લામાં વધારો થઈ ગયો છે. જિલ્લામાં અગાઉ આઈસીયુ બેડની સંખ્યા ર૦૪ હતી, જે હવે વધીને ૪૧૦ થઈ ગઈ છે. ઓક્સિજન બેડની સંખ્યા ૧૮ર૧ હતી જે વધારીને ર૪રર કરી દેવામાં આવી છે. નર્સિંગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓની સંખ્યામાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જિલ્લામાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત, સમરસ, ડીપીટી, લીલાશા, અંજાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ સહિતના સ્થળોએ પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

પ્રાણવાયુની વ્યવસ્થા રહેશે

હાલ ભલે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન કિટ ફાળવવામાં આવી હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવે કે ન આવે, આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની સુવિધા યથાવત રાખવામાં આવશે. જેના કારણે દર્દીઓને કોરોના સિવાય અન્ય બીમારીઓમાં પણ ઓક્સિજનની જરૂર પડશે તો પીએચસી ખાતે સારવાર મળી રહેશે.