કચ્છની હોસ્પિટલો – શાળા – ટ્યુશન કલાસીસોની અગાસી પરના ડોમ કરાવાશે દૂર : તંત્ર એક્શન મોડમાં

  • આગની ઘટના સમય જાનમાલની નુકશાનીનું જોખમ ઘટાડવા

એક્ટિઝ ગેટ માટે અગાસી ખુલ્લી રાખવાના નિયમનું કરાવાશે ચુસ્ત પાલન : તમામ ચીફ ઓફિસરને પત્ર લખી કાર્યવાહી કરવા જણાવાયું છે : શ્રી ખેર (રીજીયોનલ ફાયર ઓફિસર)

(બ્યુરો દ્વારા)ભુજ : સુરતના તક્ષશીલા એપાર્ટમેન્ટના ટ્યુશન કલાસીસમાં તેમજ રાજકોટના ઉદય શીવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકાર એકશન મોડમાં આવી હતી. હોસ્પિટલો, શાળાઓ, રેસ્ટોરેન્ટ, હોસ્ટેલો, ટ્યુશન કલાસીસો સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી ફાયર સેફટીના સાધનોની સ્થિતિ જાણવા ફાયર વિભાગને આદેશો કરાયા હતા. રાજયકક્ષાએથી વછૂટેલા આદેશો બાદ કચ્છમાં સંયુકત ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. ફાયરના સાધનો ન ધરાવતી તેમજ ફાયર એનઓસી વીનાની સંસ્થાઓને નોટીસો પણ ફટકારાઈ હતી. આગની ઘટના સમય જાનમાલની નુકશાનીનું જોખમ ઘટાડવા કચ્છની શાળા – હોસ્પિટલો – ટ્યુશન કલાસીસોની અગાસી પરના ડોમ દૂર કરાવવા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.આ અંગેની વિગતો મુજબ સુરતના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં કાર્યરત ટ્યુશન કલાસીસના લાગેલી આગની ઘટનામાં નાના ભૂલકાઓ જીવતા ભુંજાઈ ગયા હતા. તો કેટલાકને ભારે ઈજાઓ પણ પહોંચી હતી. આ ઘટનાના પડઘા દેશભરમાં પડયા હતા. સુરતની ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળોએ પણ આવા આગના છમકલા બન્યા હતા. કોરોના કહેર વચ્ચે પોઝિટીવ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં એડમીટ થયા હતા ત્યારે રાજકોટની ઉદય શીવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં આગ લાગતા છ જેટલી માનવ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. આવી તો અનેક ઘટનાઓ રાજ્યભરમાં છાશવારે બની ચુકી છે. હોસ્પિટલ સહિતના સ્થળોએ અવારનવાર બની રહેલી આગની ઘટનાઓને પગલે રાજ્ય સરકાર દ્વારા નવી ફાયર પોલિસી તૈયાર કરી અમલવારી પણ શરૂ કરાવાઈ છે. શાળા, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલોની અગાસી પર બનાવવામાં આવેલા ડોમ દૂર કરી એક્ઝિટ માર્ગ ખુલો કરાવવાના આદેશો જારી કરાયા હોઈ રાજયના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ આ અંગે તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે રીજીયોનલ ફાયર ઓફિસર શ્રી ખેરે વિગતો આપતા જણાવ્યું કે, આગની દુર્ઘટના સર્જાય ત્યારે બહાર નિકળવાનો એકમાત્ર રસ્તો અગાસી હોય છે. અગાસી પર ડોમ બનાવેલા હોય તો આગનું જોખમ વધી જાય છે અને બહાર નિકળવાનો રસ્તો બંધ થઈ જતો હોઈ મોટી જાનહાની સર્જાવવાનો ભય પણ ઝળુંબતો રહે છે. સ્કુલ, હોસ્પિટલ અને ટ્યુશન કલાસીસોની અગાસી પર બનેલા ડોમ દુર કરાવવા માટે જિલ્લાના તમામ ચીફ ઓફિસરોને પત્ર લખવામાં આવ્યો છે. જૂની પરવાનગી હોય તો પણ ડોમને તાત્કાલિક અસરથી દૂર કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ સિસ્મીક ઝોન – પ માં આવતું હોઈ બાંધકામ માટેની મંજૂરી જોખી જોખીને અપાતી હોઈ વધુ જગ્યાનો ઉપયોગ થઈ શકે તે માટે શાળા, હોસ્પિટલો, ટ્યુશન કલાસીસોની અગાસી પર ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના ડોમ બનાવી તેનો ઉપયોગ કરાતો હોય છે. ત્યારે હવે આવા ડોમ દૂર કરવા માટે તંત્ર એકશન મોડમાં આવ્યું હોઈ અનેક લોકો તેની ઝપટે ચડશે.