• જુના સોના-દાગીનાની સામે નવા ખરીદવાનો ટ્રેન્ડ યથાવત

કોરોના હળવો થયો છતાં લોકોની નાણાભીડ દુર થઈ નથી : રોકડા નાણાં આપીને ખરીદી કરવાના બદલે સરેરાશ ર૦ થી રપ ટકા લોકો સોનું વેચીને ‘રોકડા’ નાણાં જ લઈ જતા હોવાનો નિર્દેશ : જુના દાગીનાનું વેચાણ ધીમુ પડ્યું છતાં અટક્યું નથી, આરોગ્યના ખર્ચા, સ્કૂલ ફીથી માંડીને અનેકવિધ ખર્ચને પહોંચી વળવા ગરીબ અને મધ્યમવર્ગ સોનું વેચવા મજબુર બન્યો

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાનો કહેર શાંત પડી જવાને પગલે લોકોની આર્થિક હાલત પણ ફરી સ્થિર કે સારી થઈ જવાની ગણતરી ભૂલ ભરેલી માલુમ પડી રહી છે. મહામારીનો ડર દુર થવા છતાં અનેકવિધ ખર્ચ બોજથી ઝઝુમતા આમ આદમી – મધ્યમ વર્ગમાં હજુ જુનું સોનું વેચવાનો ટ્રેન્ડ યથાવત હોવાના નિર્દેશ છે તેના પરથી લોકોની નાણાભીડ દુર નહી થયાના સંકેત ઉપસી રહ્યા છે. હજુ પણ ધંધા – રોજગાર રાબેતા મુજબની રફતાર પકડી રહ્યા ન હોઈ દરેક વર્ગ ખોટા ખર્ચાથી દૂર ભાગી રહ્યો છે, પણ જે ખર્ચા કરવા પડે તેના માટે સોનુુ – ચાંદી ગીરવે મુકીને વ્યવહાર નિભાવાઈ રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ કોઈપણ કપરા કાળમાં લોકોની આર્થિક હાલતનો ઘણો ખરો અંદાજ સોનબજાર તથા બેંકોમાં જમા થાપણો પરથી ઉપસતો હોય છે. સોનીબજારના સુત્રોએ જણાવ્યું કે કોરોના કાળમાં છેલ્લા થોડા મહિનાઓથી જુનુ સોનું આપીને નવા દાગીના ખરીદવાનો કે સોનાના બદલામાં રોકડ નાણા મેળવવાનો ટ્રેન્ડ છે. છેલ્લા કેટલાંક દિવસોથી તે ધીમો પડ્યો છતાં અટકયો નથી. તેના પરથી એવું માની શકાય કે લોકો હજુ નાણા ભીડમાં જ છે. કોરોનાથી લાગેલો આર્થિક ફટકો સરભર થઈ શકયો નથી. જુદા-જુદા ક્ષેત્રોમાં ખર્ચ બોજ વધતો હોવાની નાણાંકીય જરૂરીયાત બે છેડા ભેગા કરવા મજબુરીથી સોનુ વેચી રહ્યા છે. દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેની સીધી અસર લોકોના ઘરના બજેટ પર પડી રહી છે.જવેલર્સોના કહેવા પ્રમાણે લગ્ન કે અન્ય પ્રસંગોપાત થતી સોનાના દાગીનાની ખરીદીમાં પણ જુના દાગીના આપીને નવાની અદલાબદલી થતી રહી છે હવે તો લગ્નગાળો નથી એટલે તેને લગતી ખરીદીને આવક નથી. વાર-તહેવારની ખરીદી સાવ સામાન્ય હોય છે અને તેમાં પણ મોટો હિસ્સો અદલા બદલીનો રહે છે એટલું જ નહિ સોનુ વેચી કે પાછું આપતા રપ ટકા લોકો નવા સોનાને બદલે રોકડ નાણાની જ માંગ કરતા રહ્યા છે. જો કે ધીમે ધીમે હવે ચોક્કસ વર્ગ રોકડેથી ખરીદી કરવા લાગ્યો છે. તે જુદી વાત છે. પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારાથી ભડકેલી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા ઉપરાંત આરોગ્ય, સ્કુલ ફી, વેપાર ધંધાના ખર્ચ, મકાન ભાડા વગેરેના બોજ છે. કોરોના કાળમાં મોટાભાગના ધંધા મંદ હતા સરકારી સિવાયના નોકરીયાતોને પણ પગાર કાપ કે અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો એટલે નાણાભીડમાંથી મુક્ત થવાનું મુશ્કેલ છે. મોટા ભાગના વર્ગમાં આવક ઝીરો હતી તો તેની સામે જાવકનું પ્રમાણ વધારે હતું.માત્ર કચ્છ કે ગુજરાત જ નહિ દેશભરના મહાનગરોની સોની બજારોમાં સમાન હાલત છે. એક વર્ગ એવો છે કે જેણે નોટબંધી આસપાસના સમયમાં ૩૦,૦૦૦ ના ભાવે સોનું લીધુ હોય હવે પ૦,૦૦૦ ના ભાવ છે એટલે કે વેચીને ખર્ચ કાઢી રહ્યા છે. જયારે નાના કે મધ્યમ વર્ગ પાસે ખર્ચ કરવા દાગીના વેચવાની મજબુરી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી જુનુ સોનું કે દાગીના વેચવાનો ટ્રેન્ડ છે તે હજી યથાવત જ છે. દેશમાં પ્રથમ લહેર કરતાં કોરોનાની બીજી લહેરમાં વધુ લોકો સપડાયા હતા. હોસ્પિટલમાં દાખલ થવાથી માંડીને જંગી ખર્ચ કરવા પડ્યા હતા. ગત વર્ષની સરખામણીએ જુના સોનાનું વેચાણ ૬૦ થી ૭૦ ટકા વધુ છે.ઝવેરીઓ એવો પણ નિર્દેશ કરે છે કે અમુક વર્ગ ખર્ચને પહોંચી વળવા પ્રથમ તબક્કે તો બેંક કે અન્ય ધીરાણનો જ માર્ગ અપનાવ્યો હતો પરંતુ તે ખતમ થતા વધુ બોજ કરવાને બદલે સોનાના વેચાણનો વિકલ્પ અજમાવ્યો હોવાનું માનાય છે. જુના સોનાના વેચાણમાં વધારો અસાધારણ ન હોવા છતાં હજુ અટકયો નથી.