કચ્છની વધુ ૧૦ ગ્રામ પંચાયતોએ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કર્યું

ભુજ : જિલ્લામાં સંક્રમણ વધતા ગામડાઓ હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે વધુ ૧૦ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન રૂપી પ્રવેશબંધી લગાવાઈ છે. નખત્રાણા તાલુકાના નિરોણા ગ્રામ પંચાયતે નિર્ણયો લીધો છે કે નિરોણા તેમજ ઓરીરા, મેડીસર ગામમાં બપોરે ર થી ૭ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. માંડવી તાલુકાના ગોધરા ગામમાં ૩૦ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે. ગુંદિયાળી ગામમાં ૩૦ એપ્રિલ સુધી બપોરે ૧ થી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે. બિદડામાં સવારે ૭ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી દુકાનો ખૂલ્લી રહ્યા બાદ કફ્ર્યુનો અમલ કરાશે. નાની ખાખર ગામે બપોરે ર વાગ્યાથી બીજા દિવસે સવારે ૭ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. જખણિયા ગામે પણ બપોરે ૧ વાગ્યાથી સવાર સુધી સંચારબંધી લગાવાઈ છે. વિભાપર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા વિભાપર, ગંગોણ પૂર્વ અને ગંગોણ પશ્ચિમ ગામમાં પણ રહેવાસીઓને બપોર બાદ કફ્ર્યુનો સ્વયંભૂ અમલ કરવા જણાવાયું છે. અંજાર તાલુકાના દેવળિયા ગામે સવારે ૬ થી ૧૧ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી દુકાન ખોલવાનો નિર્ણય કરાયો છે. લખપત તાલુકાના પાન્ધ્રો ગામે પણ વ્યાપારીઓ સ્વૈચ્છિક બંધ પાડશે. ગ્રામ પંચાયત હસ્તક આવતા સોનલનગર, વર્માનગર, પાન્ધ્રો, એકતાનગર, નવાનગર સહિતના વેપારીઓના ગ્રામ પંચાયતની મિટીંગમાં હાજર રહ્યા હતા, જેમાં બપોરે ર વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભુજ તાલુકામાં રેહા મોટા જૂથ ગ્રામ પંચાયતે પણ મોટા રેહા અને નાના રેહા ગામમાં ૧ર વાગ્યા બાદ સ્વયંભૂ લોકડાઉન પાડવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ગામોમાં જે-તે ગ્રામ પંચાયતો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન – કફ્ર્યુના નિયમો લાગુ કરાયા છે, જે ૩૦મી એપ્રિલ સુધી અમલમાં રહેશે.