કચ્છની મુલાકાતે આવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા તારાચંદ છેડા

ભુજ : કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ વણસી છે ત્યારે પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવતીકાલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવાના છે. તેઓનો પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જિલ્લામાં બીમારીનો કહેર અને મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોને ઈન્જેક્શન, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતનો પૂરતો જથ્થો આપવામાં આવે. સામાન્ય દવાઓનો જથ્થો પણ હોસ્પિટલના સંચાલકોને બહાર ખરીદવાની ફરજ પડે છે ત્યારે મહામારીનો વ્યાપક અટકાવવા યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવે તે માટેની અપીલ તારાચંદ છેડાએ કરી હતી. એન્કરવાલા કોવિડ હોસ્પિટલનું સંચાલન કરતા તારાચંદ છેડાએ જણાવ્યું કે, જૈન સાધુ-સાધ્વીઓ પણ બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે આ બીમારીથી થતાં મૃત્યુ અટકે તે માટે સરકાર ત્વરીત પગલાં ભરે તે જરૂરી છે. નોંધનીય છે કે, કચ્છમાં કંટ્રોલ બહાર થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા તારાચંદભાઈ છેડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તેઓ આવતીકાલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવાના છે.