• કાર્યદક્ષ જિલ્લા વિકાસ અધિકારીભણી આશભર્યા મીટ

જિલ્લા પંચાયતની શાખાઓમાં બદલી નાબૂદ પ્રથાને જળમુળથી બદલવી જરૂરી : અરજદારોની સૂચક ટકોર

કેટલાય અધિકારી અને કર્મચારી વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહ્યાં છે : તલાટીઓ સહિત અમુક વિભાગ જ બદલીમાં વારંવાર નજરે ચડે છે, બાકીની જનરલ બદલીની પ્રથા બંધ : શાસક ભાજપને પણ વહીવટ સુધારવામાં રસ નથી

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લા પંચાયતમાં યુવાન, નોન કરપ્ટેડ અને કાર્યશીલ જિલ્લા વિકાસ અધિકારી પદે ભવ્ય વર્મા આવતા જિલ્લા પંચાયતની ટોપ ટુ બોટમ વહીવટી શાખાઓમાં અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો લાવવામાં ગતિ આવી છે. સંવેદનશીલ ગુજરાત સરકારના ગતિશીલ અધિકારી ભવ્ય વર્મા કોઈપણ રાજકીય કે ચમરબંધીની સેહ શરમ વીના વહીવટી કાર્યને આગળ ધપાવી રહ્યા છે. જો કે, કોરોનાના કેસો ઘટતા હવે સરકારી કચેરીઓ પણ ધીમે ધીમે ધમધમવા લાગી છે અને અરજદારો પણ પોતાના કામકાજ માટે સરકારી કચેરીઓમાં જતા હોઈ સરકારી વિભાગોમાં ધસારો જોવા મળે છે. કચેરીએ આવનાર અરજદારો એક સુચક ટકોર કરતા દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ચીટકેલા સરકારી બાબુઓ પોતાની મનમાની કરતા થઈ જતા હોય છે. બદલીની આ નાબૂદ પ્રથા દૂર થાય તો નવા બાબુઓ અરજદારોની સમસ્યાઓનું પણ ત્વરીત નિરાકરણ લાવે તેવું દેખાઈ રહ્યું છે. કાર્યશીલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતની શાખાઓમાં બદલી નાબૂદ પ્રથામાં જળમુળથી બદલાવ લાવે તો સોનામાં સુગંધ ભળે તેમ છે.આ અંગેની વિગતો મુજબ વહીવટી તંત્રને ચેતનવંતુ રાખવા માટે જનરલ બદલીઓની પ્રથાને તો છેલ્લા કેટલાય વર્ષોથી નેવે મુકી દેવાઈ છે, પરંતુ વર્ષોથી એક જ જગ્યાએ ચીટકીને બેઠેલા વહીવટી શાખાઓના અધિકારી – કર્મચારીઓની એકલ – દોકલ પણ બદલી ભાગ્યે જ થતી હોય છે. એક જ જગ્યાએ ચીટકીને બેઠેલા આવા અધિકારીઓ પેંધી ગયા હોવાથી પોતાનું ધાર્યું કરે છે અને અરજદારોને નાછૂટકે પોતાના કામકાજ નિપટાવવા પ્રસાદી પણ ધરવી પડે છે. શાસક ભાજપના હોદેદારોને પણ જિલ્લા પંચાયતના વહીવટી શાખાઓને પારદર્શી બનાવવામાં કોઈ રસ નથી તેવું પૂરવાર થઈ રહ્યું છે. જિલ્લા પંચાયતમાં તલાટીઓ સહિત અમુક વિભાગની બદલીઓ નજરે પડે છે બાકી વિભાગ તરફ કોઈ નજર ન જતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.સુત્રોના જણાવ્યા અનુસાર સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટીતંત્રને સતત સક્રિય રાખવા માટે કોઈ અધિકારી – કર્મચારીને ૩ વર્ષ પહેલાં બદલવા નહી અને પાંચ વર્ષ પછી તેમને એકની જગ્યાએ રાખવા નહિ તેવો નિયમ છે. આ નિયમનું રાજય સરકારમાં સુંદર રીતે પાલન કરવામાં આવે છે અને સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓને પણ ૩-૪ વર્ષથી વધુ સમય એકની એક જગ્યાએ રહેવામાં રસ હોતો નથી તેના કારણો અલગ-અલગ હોઈ શકે છે. જિલ્લા પંચાયતની વહીવટ શાખાઓમાં વર્ષો અગાઉ જનરલ બદલીઓની પ્રથા ચાલી આવતી હતી. સૌથી મહત્વની બાબત એ હતી કે, આ બદલી સાગમટે એટલે કે એકસામટી અરસપરસ બદલી કરવામાં આવતી હતી. તેનાથી દરેક વિભાગના કર્મચારી કે અધિકારી વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહીને હિત ધરાવતા તત્વ બનતા અટકતા હતા. તેમજ અન્ય જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓને પણ નવી જગ્યાની કામગીરી તથા પડકાર સમસ્યાઓ વગેરેની જાણકારી અને અનુભવ મળતા હતા.છેલ્લે આવી જનરલ બદલીઓ કયારે થઈ હતી તે બાબતે તપાસ કરતાં અને અધિકારીઓ – કર્મચારીઓને પુછતાં મોટાભાગનાઓને વર્ષો થઈ ગયા તેવો જવાબ આપ્યો હતો. અમુક અરજદારો કોરોના કાળના દોઢ વર્ષ બાદ સરકારી કચેરીઓમાં જાય ત્યારે પણ અગાઉના અધિકારીઓને જોઈ સાહેબ, તમે અહીંયા જ છો..ત્યારે સાહેબ પણ હળવી લાક્ષણીકતામાં જવાબ આપતા હોય છે. આપણે કયાં જવાનું ? અહીંયા જ હોઈએ ને ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ જિલ્લા પંચાયતમાં હોદાઓ બદલાયા, બોડી બદલાઈ પણ વહીવટી શાખાના અધિકારીઓ તો અગાઉના જ દ્રશ્યમાન થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની વહીવટી શાખાઓમાં જનરલ બદલીઓ કરવાને બદલે હવે કોઈકના દબાણથી અથવા કોઈક સામેની ફરિયાદ હોય તો અથવા મનગમતાને પસંદીગીની જગ્યાએ મુકવા માટે છુટીછવાઈ બદલી કરવામાં આવે છે. તો બીજી બાજુ શાસક ભાજપના અગાઉનાં જાણકાર અને અનુભવી હોદેદારોને વહીવટીતંત્રમાં સુધારા કરવાને બદલે આંતરિક ઝઘડા તથા પોતપોતાના કામો કરવામાં વધુ રસ હતો, જયારે વર્તમાન હોદેદારો તો નવા નિશાળીયા હોવાથી તેમને તો જનરલ બદલી જેવા શબ્દની જ ખબર નથી. તંત્રનો વહીવટ કઈ દિશામાં જઈ રહ્યો છે અને તેને ચેતનવંતો કરવા માટે શું કરવું જોઈએ તે બાબતે કોઈને કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે.

અમે પણ પાંચ વર્ષે ચુંટાઈને આવી છીએ : પદાધિકારીની સુચક ટકોર
આ બાબતે ચુંટાયેલા જિલ્લા પંચાયતના એક અગ્રણીએ સુચક ટકોર કરતા કહ્યું હતું કે, અમારી દર પાંચ વર્ષે ચુંટણી થાય તેમા ચુંટાઈને આવીએ છીએ. જેમાં અમુક નવા તો કેટલાક જુના પદાધિકારી હોય છે. પરંતુ સરકારી કચેરીમાં અમુક કર્મચારી તો કેટલાક વર્ષોથી એક જ જગ્યાએ બેઠા છે તેને સરકારી કાયદો લાગુ જ પડતો ન હોવાનું ટકોર કરી હતી.