કચ્છની બેંકો માંગણી કરે તેથી માત્ર ૧૦ ટકા જ નોટો મળે છે

લોકો બેંકમાંથી પોતાના જ નાણા ઉપાડી ન શકતા નારાજગી : જો કે ધંધા રોજગારને અસર નહિં હોવાનું વેપારીઓનું કથન

એપીએમસીમાં નોટોની આંશિક અસર વર્તાઈ
ભુજ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજમાં નોટની અછતની આંશિક અસર વર્તાઈ હોવાનું એપીએમસીના ડાયરેકટર અને વેપારી અગ્રણી એવા નવીનભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું. એપીએમસીમાં ધંધા રોજગારને ખાસ અસર વર્તાઈ નથી. પરંતુ કેટલા વેપારીઓ નોટોની અછત હોવાની ફરિયાદો કરી રહ્યા છે. બેંકમાંથી પણ પુરતા પ્રમાણમાં નાણા નહીં મળવાને કારણે વેપારીઓને ચુકવણું કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. ખેડૂતોને મોટા ભાગે ટુકડે ટુકડે રોકડ રકમ ચુકવવી પડે છે. જ્યારે વેપારીઓ ઉપર માલ મોકલે છે ત્યારે મોટે ભાગે મોટી રકમના ચેક આવતા હોય છે ત્યારે એપીએમસીમાં નોટની અછતની અસર કહી શકાય.

 

જથ્થાબંધ બજારમાં વ્યવહારોને અસર નહીં : મેહુલ ઠક્કર
ભુજ : નોટની અછત વચ્ચે ભુજ જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ મેહુલ ઠક્કરનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઉમેર્યું હતું કે, હજુ સુધી અમને નોટની અછત વર્તાઈ નથી. બીજું કે, જથ્થાબંધ બજારમાં હોલસેલના વેપારમાં ચેકથી પેમેન્ટ વધુ પ્રમાણમાં થતું હોવાથી કદાચ ધંધા રોજગારને અસર નહીં વર્તાઈ હોય. વેપારીઓ પણ પોતાના ડીલરોને મોટે ભાગે ચેક દ્વારા જ પેમેન્ટ કરતા હોય છે ત્યારે હાલ તો ધંધા રોજગારને કોઈ અસર હોય તેવું ધ્યાને આવ્યું ન હોવાનું મેહુલ ઠક્કરે ઉમેર્યું હતું.

 

ભુજ : ગુજરાતભરમાં બેંકોની અંદર રોકડની અછતને લઈને લોકોમાં નારાજગી છે. બેંકો દ્વારા મોટી નોટો આપવામાં જ આવતી નથી. ૧૦ થી ૧૦૦ રૂપિયા સુધીની નોટો જ ફર્યા કરે છે. જ્યારે પ૦૦ અને ર૦૦૦ની નોટો બેંકો આપતી નથી. પરિણામે લોકોમાં રોષ ફેલાયો છે.
બેંકોમાં નોટની અછતને કારણે લોકોને પુરતા પ્રમાણમાં રોકડ રકમ ન મળતા નાણાકીય વ્યવહારો પર જાણે રોક લાગી ગઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં ધંધાને પણ વ્યાપક અસર પહોંચી છે. માર્કેટ યાર્ડોમાં રોકડના અભાવે કરોડોના વ્યવહારો અટવાઈ ગયા છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ રાજ્યવ્યાપી નોટોની અછત વર્તાઈ રહી છે. બેકીંગ ક્ષેત્રના સુત્રોએ આપેલી વિગત પ્રમાણે આરબીઆઈ પાસેથી માંગવામાં આવતી કેસ કરન્સી માત્ર ૧૦ ટકા જ મળી છે. ૧૦ કરોડની રકમ માંગવામાં આવી હોય તો તેની સામે માત્ર ૧ કરોડ રૂપિયાની નોટો જ આપવામાં આવે છે. પરિણામે આર્થિક વ્યવહારોને વ્યાપક અસર પહોંચી રહી છે. જાણકાર સુત્રો એક પણ માની રહ્યા છે કે, મોટી નોટોની વ્યાપક પ્રમાણમાં સંગ્રહખોરી કરાઈ હોવી જોઈએ. તેના પરિણામે જ આ રીતની અસર વર્તાવા પામી છે. કચ્છની બેંકોમાં અમદાવાદથી નાણા આવે છે ત્યારે ઉપરથી જ રકમ પુરતા પ્રમાણમાં નહિં આવવાને કારણે સ્થાનિકે અસર વર્તાવા પામી છે. જો કે, કચ્છના વેપારીઓ સાથે નોટોની અછતને મુદ્દે વાતચીત કરતા તેમણે ધંધા રોજગાર પર કોઈ વિપરીત અસર ન હોવાનું ઉમેર્યું હતું.