કચ્છની બેંકોમાં ખાતેદારોની લાંબી લાઈનો : કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ઉલાળિયો

  • બેંકોના કામકાજનો સમય ઘટાડાતા ધસારો વધ્યો

ભીડભાડ ઓછી થાય અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા નિર્ણયનો ઉલ્ટો સીનારિયો સર્જાયો : સમય ઓછો કરાતા બેંકોમાં સવારથી બપોર સુધી સર્જાયેલી ભીડ કયાંક કોરોનાનો વિસ્ફોટ ન સર્જે તો સારૂં : જરૂરી કામ વીના હાલે લોકો બેંકોમાં આવવાનું ટાળે તેવી પણ કરાઈ રહી છે અપીલ

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છ માટે ઘાતક સાબિત થઈ રહી હોઈ આ ચેઈનને તોડવા માટે નિયમો કડક બનાવવાની સાથોસાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો પણ લેવાયા છે. જો કે, ભીડભાડ ઓછી થાય અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કચ્છમાં બેંકોના કામકાજનો સમય ઘટાડાતા ખાતેદારોનો ધસારો વધવા લાગતા આ નિર્ણયનો ઉલ્ટો સીનારિયો સર્જાયો છે. કચ્છની બેંકોમાં ખાતેદારોની લાંબી લાઈનો લાગતા કોરોનાની ગાઈડલાઈનનો પણ સરેઆમ ઉલાળિયો થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.આ અંગેની વિગતે વાત કરીએ તો કોવિડ-૧૯ ના કેસો રાજયમાં દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. તો સંક્રમણને નાથવા માટે રાજય સરકાર દ્વારા ર૦ શહેરોમાં નાઈટ કર્ફયુ લગાવવાની સાથોસાથ અન્ય વિસ્તારોમાં પણ નીતિ નિયમો કડક બનાવાયા છે. સરકારી કચેરીઓમાં અરજદારોની ભીડ ઘટે તે માટે જરૂરી કામ સિવાય લોકોને આવવા મનાઈ કરાઈ છે. ઉપરાંત તમામ કચેરીઓમાં શનિ – રવિ રજા પણ જાહેર કરાઈ છે.
સરકારી કચેરીઓની સાથોસાથ બેંકોમાં પણ લોકોની ભારે ભીડ રહેતી હોઈ કચ્છ સહિત રાજયમાં અનેક બેંક અધિકારી – કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. બેંકોમાં પગપેસારાથી સ્થિતિ વધુ કથળે નહીં તે માટે બેંકોના કામકાજના સમયમાં ઘટાડો કરવા રજુઆત કરાઈ હતી. રાજય સરકાર દ્વારા બેંકોનો સમય ઘટાડી ૧૦ થી ર નો કરવામાં આવ્યો છે. જેની આજથી અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. કોરોનાની ચેઈન તોડવા માટે બેંકોના સમયમાં ઘટાડો કરાયો છે પરંતુ આ નિર્ણયથી ભીડ ઘટવાના બદલે ઉલટી વધી છે. કચ્છમાં આજે બેંકોની અનેક બ્રાન્ચોમાં સવારથી ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. કચ્છના બેન્કીંગ ક્ષેત્રના સુત્રોએ વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લામાં અનેક બેંક અધિકારી – કર્મચારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. બેંકોમાં સામાન્ય દિવસોમાં લોકોની ભારે ભીડ રહેતી હોઈ તેના લીધે સંક્રમણ કયાંક વધુ ન ફેલાય તે હેતુથી કામકાજના સમયમાં ઘટાડો કરાયો છે. લોકો હાલે રૂપિયા જમા કરાવવા – ઉપાડવા તેમજ ફંડ ટ્રાન્સફરની સહિતની જરૂરી કામગીરી માટે જ આવે તેવી અપીલ કરાઈ રહી હોવા છતાં ધસારો જોવા મળી રહ્યો છે.

શેખચલ્લી જેવા નિર્ણયોથી પ્રજાનો વિશ્વાસ ડગમગ્યો..!
ભુજ : ડર એ ખતરનાક છે. સરકાર દ્વારા લેવાયેલા નોટબંધી સહિતના નિર્ણયો વેળાએ પ્રજાએ ભોગવેલી હાલાકી વર્ષો સુધી ભુલી શકાય તેમ ન હોવાથી બેંકોમાં લાઈનો લાગવાના દ્રશ્યો સર્જાયા છે. બેંકોમાં પોતાના રૂપિયા જમા પડયા હોવા છતાં જરૂરત ટાંકણે કામ ન આવે તો શું કામના..! તેમાંય કોરોના કાળમાં સરકારે ના ના કરીને અમુક એવા નિર્ણયો ઓંચિતા લઈ લીધા હતા કે, લોકો બરાબરના ભેરવાઈ ગયા હતા. સરકારના આવા શેખચલ્લી જેવા નિર્ણયોથી પ્રજાનો વિશ્વાસ ડગમગ્યો છે. વર્તમાને પણ રાજય તેમજ કેન્દ્ર સરકાર લોકડાઉનને અંતિમ વિકલ્પ બતાવી રહી છે તેમ છતાં સ્થાનિક પ્રજાકીય પ્રતિનિધિઓને આગળ કરી સ્વૈચ્છિક લોકડાઉનના નામે લોકડાઉનની કવાયત તેજ કરી દેવાઈ છે, ત્યારે લોકોને આવી મહામારીની સ્થિતિમાં આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે બેંકોમાં રહેલી થાપણો લેવા માટે દોડી રહ્યા હોઈ બેેેકોમાં લાઈનો સર્જાઈ છે.