કચ્છની પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ : અધધધ ૯ર કરોડનું ગાબડું

  • કોરોના કાળમાં રેલવે સેવા પ્રભાવિત થતા…

કચ્છથી મુંબઈ સહિત અલગ અલગ રાજયની મોટા ભાગનો રેલ વ્યવહાર બંધ હતો તો હવે પ૦ ટકાની માત્રામાં ટ્રેનો શરૂ તો કરાઈ પણ હજુયે ટ્રાફિકનો અભાવ : રેલવે વિભાગે લાંબા અંતરની અમુક ટ્રેનો શરૂ કરી : રેલવે વિભાગ ટ્રેન ચલાવવા માટે તૈયાર પણ સરકારના આદેશની જોવાતી રાહ

કચ્છ રેલવે ડિવિઝનને વર્ષ ર૦૧૯-ર૦માં ૧૩૯.૬૩ કરોડની તો વર્ષ ર૦ર૦-ર૧માં માત્ર ૪૭.૪પ કરોડની આવક નોંધાઈ

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોના કાળમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને પગલે અનેક ધંધા – રોજગાર પર તો માઠી અસર પડી છે, તેની સાથોસાથ પરિવહન માટે અગત્યની ગણાતા રેલવે વિભાગને પણ કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. કોરોનાના કહેરથી રેલવે સેવા પ્રભાવિત થતા કચ્છની પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, કચ્છ રેલવે ડિવિઝનને વર્ષ ર૦૧૯-ર૦માં ૧૩૯.૬૩ કરોડની આવક થઈ હતી તો વર્ષ ર૦ર૦-ર૧માં માત્ર ૪૭.૪પ કરોડની આવક નોંધાતા ૯ર.૧૮ કરોડનું મોટું ગાબડું પડયું છે.આ અંગેની વિગતો મુજબ કોરોનાના કપરાકાળમાં તમામ ઉદ્યોગ-ધંધા તથા વેપારને માઠી અસર પહોંચી છે, તેમાં સૌથી વધારે પ્રવાસને લગતા વ્યવસ્થામાં જોવા મળી રહી છે. તેમાં પણ એસટી, લકઝરી સહિતના પ્રાઈવેટ વાહનોની સાથે હવે રેલવે વિભાગ પણ બાકાત રહ્યો નથી. કચ્છ રેલવે વિભાગને છેલ્લા એક વર્ષમાં રૂા.૯ર.૧૮ કરોડની ખોટ ખમવાનો વારો આવ્યો છે.રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ વિગતો આપતા જણાવેલ કે, સમગ્ર દેશમાં એક વર્ષથી વધારે સમયથી કોરોના ચાલી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પેસેન્જર રેલવે રૂટોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અનલોકની પ્રક્રિયામાં થોડા-ઘણા રૂટો શરૂ કરાયા હતા.હાલ દેશમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે અનેક રાજ્યોમાં વેપાર ધંધાને છૂટ મળી છે ત્યારે રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનો ધીરે ધીરે પ૦ ટકાના ટ્રાફિક સાથે શરૂ કરવામાં આવી છે. જો કે, આ સમયગાળા દરમ્યાન રેલવેને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ગુડઝ ટ્રેનો ચાલુ હોઈ તેમાં પણ રેલવે વિભાગે મહત્વનું યોગદાન આપ્યું છે. દેશમાં જયારે ઓક્સિઝનની ખપત હતી ત્યારે એક રાજયમાંથી બીજા રાજયમાં પ્રાણવાયુના વહન માટે રેલવે વિભાગે ખાસ વ્યવસ્થા ઉભી કરીને ઓક્સિઝન પહોચતું કર્યું હતું. તો કચ્છથી મુંબઈ સહિત અલગ અલગ રાજયની મોટા ભાગનો રેલ વ્યવહાર બંધ હતો તો હવે પ૦ ટકાની માત્રામાં ટ્રેનો શરૂ તો કરાઈ પણ હજુયે ટ્રાફિકનો અભાવ જોવા મળી રહ્યો છે.આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પેસેન્જર ટ્રેનોમાં માત્ર પ૦ ટકા મુસાફરો જ મુસાફરી કરી રહ્યા છે તો અનેક શરૂ કરાયેલી ટ્રેનોમાં મુસાફરો નથી મળતા. જેના કારણે કચ્છ રેલવે ડિવિઝનને છેલ્લા એક વર્ષમાં ૯ર.૧૮ કરોડ રૂપિયાની ખોટ થઈ છે.