કચ્છની પાંચ નગરપાલિકાઓને અર્પણ : પ્રથમ પડતર પ્રશ્નો કરો હલ

ઉત્સાહીત નવનિયુકત નગરસેવકો અને બોડીએ ધ્યાને ન લેવું..!

• ગાંધીધામ : વરસાદી નાલાઓ પર દબાણ,હરવા-ફરવાના સ્થળોનો અભાવ, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ કયારે ?

• ભુજ : બંધ થયેલી સિટી બસ સેવા વેળાસર ચાલુ કરાવો, શહેરના સાંકળા આંતરીક રસ્તાઓ શીરદર્દ સમાન, પાર્કિંગની કયાંય સુવિધા નહીં

• અંજાર : વીરબાળ ભૂમિ સ્મારકનું મંથર ગતિએ કામ, જેસલ-તોરલ સમાધિના વિકાસ મુદ્દે ઉદાસીનતા

• માંડવી : બીચ પર જવાનો રસ્તો કયારે પહોળો થશે ? વરસાદ કે વાવાઝોડાના સમય નીચાણવાળા વિસ્તારો પાણીમાં થતા ગરકાવ, ગટરના પાણીથી શહેરીજનોનો કેડો કયારે મુકશે ?

• મુંદરા-બારોઈ : કેવડી નદી પર બ્રીજ જરૂરી, શહેરમાં બાગ-બગીચાનો અભાવ, ખખડધજ રોડ રસ્તા વાહન ચાલકો માટે પરેશાની રૂપ

ગાંધીધામમાં સીટી બસ ચાલુ કરવાનું ઉદઘાટન થયું..પરંતુ પછી શું થયું ? – જે તે વખતના પ્રમુખોએ મોટો ઉત્સવ મનાવ્યો..પરંતુ પછી શું..?

(બ્યુરો દ્વારા)ભુજ : સમગ્ર કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ નવનિયુકત અધ્યક્ષો, નગર સેવકો, જિલ્લા-તાલુકા પંચાયતનાં સદસ્યોમાં વિકાસ કાર્યો કરવાનો ઉમંગ દેખાય છે અને કાર્યો પણ થાય છે. જે અભિનંદનને પાત્ર છે. તે છતાંયે ભુકંપ બાદ લોકોને કનડતા પ્રશ્નોને મહત્વ આપી અનેક કાર્યો જે બે દાયકાથી લટકે છે તેના નિકાસ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી લોક લાગણી પ્રસરી રહી છે. કચ્છના શહેરી વિસ્તારોમાં થોકબંધ સમસ્યાઓ છે. જેની રૂપરેખા રજુ થાય તો શાસકોનો સમયગાળો પણ પુર્ણ થઈ જાય પરંતુ મુખ્ય સમસ્યાઓનું નિવેડો જરૂરી છે.
આ અંગેની વાત કરીએ તો કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરમાં વરસાદી નાલાઓ પર દબાણનો મુદ્દો મુખ્ય છે. વરસાદના સમયે ઠેરઠેર પાણી ભરાઈ જાય છે. ગાંધીધામ મોટું શહેર હોવા છતાં એસટીનો ડેપો નથી, જેથી ગાંધીધામથી અન્ય શહેરોને સાંકળતી એસટી બસો ઉપડતી નથી. સિટી બસનો પણ અભાવ છે. શહેરમાં હરવા-ફરવાના સ્થળોમાં એકાદ – બે બગીચા સિવાય બીજું કાંઈ નથી. કંડલા પોર્ટ હોવાના કારણે તમામ કંપનીઓની વડી કચેરી શહેરમાં હોય છે. જેના કારણે ફોર વ્હીલર વાહનોના થપ્પા લાગે છે પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે કોઈ આયોજન નથી. ખુદ ગાંધીધામનો કચરો અંજારમાં ફેંકવા જવું પડે તેવી સ્થિતિમાં નગરપાલિકા કામ કરી રહી છે.અંજાર શહેરની વાત કરીએ તો ભુકંપ વખતે ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સ્મૃતિમાં વીરબાળ ભૂમિ સ્મારક બનાવવાની વાતો થઈ પરંતુ બે દાયકાથી આ સ્મારક બનીને ઉભું થયું નથી. ઐતિહાસિક શહેરમાં જેસલ-તોરલની સમાધી જોવા દેશ દેશાવરથી લોકો આવે છે. પરંતુ આ સ્થળના વિકાસમાં ઉદાસીનતા લોકોની આંખે ઉડીને વળગી રહી છે. આ ઉપરાંત સિટીબસ, રોડ રસ્તા, પાણી, ગટર સહિતના મુદ્દા અવારનવાર ઉછળતા રહે છે.ભુજ શહેરની વાત કરીએ તો અહીં સિટી બસ સેવાની તાતી જરૂરીયાત છે. પરંતુ બંધ થયેલી સિટી બસ શાસકોએ ફરી શરૂ કરાવવા કોઈ તસ્દી લીધી નથી. શહેરના તમામ ૧૧ વોર્ડમાં આંતરીક રસ્તાઓ લોકો માટે માથાના દુઃખાવા સમાન છે. આડેધડ બનાવાતા જમ્પર લોકોની કમર ભાંગી નાખે છે. ટ્રાફિક સિગ્નલ બંધ પડયા છે. શહેરમાં દરેક વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ મંજૂર થયા છે પરંતુ તેના પર દબાણ છે. બગીચાઓ છે પણ તેમાં રમત – ગમતના સાધનો નથી જેથી ના છૂટકે રૂપિયા ખર્ચી ખાનગી બગીચાઓ સુધી લંબાવું પડે છે.બંદરીય શહેર માંડવીની ઓળખ બીચના કારણે છે. પરંતુ બીચ પર જવાનો રસ્તો સાવ સાંકળો છે. પ્રવાસનની સીઝનમાં લોકોનો એટલો ધસારો હોય છે કે, બીચના મુખ્ય દ્વાર સુધી ટ્રાફિક જામ થાય છે. જેટલો સમય લોકો બીચ પર નથી વીતાવતા તેટલો સમય ટ્રાફિકમાંથી ગાડી કાઢવામાં વિતાવે છે. ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારો વરસાદના સમય પાણીમાં ગરકાવ થઈ જાય છે. રૂકમાવતી નદી પર પુલની વાતો થઈ પણ ધીમી ગતિએ કામ ચાલે છે. શહેરમાં ગટરની સમસ્યા કેડો મુકતી નથી.નવ નિયુક્ત મુંદરા – બારોઈ શહેર તો સમસ્યાનો ગઢ છે. કારણ કે, ગ્રામ પંચાયતમાંથી શહેર બનેલા મુંદરામાં ઠેર ઠેર પાકા રસ્તાનો અભાવ છે. કેવડી નદી પર પુલ બનાવવાની માંગ હજુ સંતોષાઈ નથી. વરસાદના સમયે નદીના વહેણના કારણે શહેરના લોકો જ એક બીજાથી વિખુટા પડી જાય છે. પાણી, ગટર, લાઈટ સહિતની પાયાની સવલતો હજુ પણ લોકોને સંતોષજનક રીતે મળી નથી. મનોરંજનના નામે માંડ એક બગીચો છે જેમાં બાળકોના રમત ગમત માટે સાધનો જ નથી.આ ઉપરાંત પણ ભુકંપમાં ભાંગી ગયેલા ઘરો પૈકી ઘણાને મકાનો નશીબ થયા નથી અને તેવા લોકો આજે પણ પતરાના કે પ્લાસ્ટિકના ના વિંટેલા ભુંગામાં રહે છે. આવા લોકો માટે આવાસો બાંધવાની સરકાશ્રીની અનેક યોજનાઓ અમલમાં છે. પણ તેનો લાભ શા માટે લેવાતો નથી ? એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. વરસાદના સમયે મોટા ભાગના શહેરોમાં નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવાની નોબત આવે છે. તો જાહેર રસ્તા ઉપર રખડતાં ઢોરો અને કરડતા કુતરાઓનો ત્રાસ અનહદ છે. મોડી રાતે નાગરિક પોતાના ઘરમાં પણ જઈ ન શકે એટલો કુતરાઓનો ત્રાસ છે પાલિકા હસ્તકના બાગબગીચાઓની હાલત પણ અતિ ખરાબ છે, પગારો ચુકવાય છે પણ બગીચામાં ફુલો કેમ ઉગતા નથી ? એ બાબતે બાગ બગીચા સમિતિના અધ્યક્ષો શું કાર્યો કરે છે ? તે પ્રજાને સમજાતું નથી. આ પ્રશ્ને સમિતિના અધ્યક્ષ પાસે જયારે રજુઆતો કરાય છે ત્યારે ગોળ ગોળ જવાબો મળે છે જે અક્ષમ્ય બેદરકારી દર્શાવે છે. નિયમીત રીતે પ્રજાને પાણી મળે તે બાબતે કોઈ નિર્ણયો લેવાતા નથી.બેદરકાર વાલ્વમેનો અને પાણીની કિમત ન સમજતા નાગરીકો દ્વારા થતા પાણીનો વેડફાટ બાબતે પણ પાણી સમિતિના ચેરમેનો ગંભીર બને અ સમયની માંગ છે. દરેક પાલિકાના રોડ લાઈટના બીલોની મસમોટી રકમો વીજ કચેરીને ચુકવવાની રહે છે તો આ બાબતે વીજબીલો નિયમીત શા માટે ચુકવાતા નથી ? એ બાબતે ગંભીર થવું જરૂરી છે. શહેરની પાલિકાઓ દ્વારા વાર્ષિક સફાઈ વેરો લેવામાં આવે છે એ રકમ કયાં વપરાય છે ? કારણ કે દરેક વોર્ડમાંથી ગંદકી દુર થતી નથી. તેવી કાગાડોળ આખા કચ્છમાં સંભળાય છે.ઉત્સાહી નવનિયુકત પ્રમુખો, કારોબારી ચેરમેનો તેમજ નગરસેવકો આવા પ્રશ્નો બાબતે ગંભીર બને તે અતિ જરૂરી છે. અધ્યક્ષો ભેદભાવ, પક્ષપાત વિના કોઈની પણ શરમ રાખ્યા વિના નિર્ણયો લેશે તો વિકાસ પ્રક્રિયા ઝડપી બનશે