કચ્છની પંચાયત-પાલિકાઓમાં મલાઈદાર કમિટીઓમાં ગોઠવાવવા લોબીંગ શરૂ

જિલ્લા – તાલુકા પંચાયત – નગરપાલિકાઓમાં બાકી રહેલા ચેરમેનોની વરણી એકાદ સપ્તાહમાં થાય તેવી સંભાવનાથી દોડધામ શરૂ : અગાઉ હોદાઓની લ્હાણીમાં કપાયેલાઓ હવે લગાવી રહ્યા છે એડીચોટીનું જોર

ભુજ : કચ્છની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ પક્ષની નીતિ-રીતિ, રોટેશન તેમજ જાતિગત સમીકરણોને ધ્યાને રાખી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંકો ગત માસે જ સંપન્ન થઈ ગઈ હતી. હોળાષ્ટક તેમજ બજેટ પ્રક્રિયાને લીધે અન્ય સમિતિઓના ચેરમેનોની વરણી પ્રક્રિયા બાકી રખાઈ હતી. જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં બાકી રહેલા ચેરમેનોની વરણી એકાદ સપ્તાહમાં થાય તેવી સંભાવના હોઈ મલાઈદાર કમિટીઓમાં ગોઠવાવવા લોબીંગ શરૂ થઈ ગયું છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને પ નગરપાલિકાઓ ર ભગવા બ્રિગેડનું શાસન આવ્યું છે. તમામ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સાશક પક્ષ નેતા અને દંડકની વરણી સંપન્ન થઈ ગઈ છે. આ પદો માટે પણ સભ્યો દ્વારા ભારે દોડધામ કરાઈ હતી જેમાંની રેસ જીતવામાં જેઓ સફળ થયા તે સિવાયનાઓએ હવે અન્ય મોભાદાર અને મલાઈદાર કમિટીઓના ચેરમેન પદ માટે જેક લગાવવાનું શરૂ કર્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં જે બાકી રહેલી સમિતિઓના ચેરમેનોની વરણી થવાની છે તે માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. કેટલાક દાવેદારોએ તો પોતાના ગોડફાધરો મારફતે ભલામણોનો મારો પણ શરૂ કરી દીધો છે. નગરપાલિકાઓમાં વોટર સપ્લાય, સેનીટેશન ડ્રેનેજ, બાંધકામ સમિતિ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. તો જિલ્લા પંચાયતમાં સિંચાઈ, બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, સામાજીક ન્યાય સમિતિ જેવી સમિતિઓના ચેરમેનો માટે દોડધામ આરંભાઈ છે.