કચ્છની નર્મદા કેનાલમાં આવતું પાણી સદંતર બંધ

કેનાલને વરસાદથી નુકસાની થયા બાદ પાણીની કટોકટી

રાપર : બનાસકાંઠામાં જુલાઈ માસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. ભાર વરસાદને કારણે નર્મદાના કેનાલોને પણ અસર પહોચી છે. તો ભાભર પાસે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં અંદાજે દસથી બાર કિલોમીટર ધોવાણ થયું છે. જેના કારણે રાપર અને કચ્છને મળતુ નર્મદાનું પાણી સંદતર બંધ થયુ છે. જેના કારણે કચ્છ કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી છેલ્લા દોઢથી બેમાસથી બંધ છે. તો હજુ પણ ઘાણા લાંબા સમય સુધી બંધ રહેશે.
નર્મદા કેનાલનું સમારકામ મંદગતિએ થઈ રહ્યું હોવાના કારણે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. તો મોમાયમોરાથી પાટણ વચ્ચેના રણ માં પાણી ભરાયા છે જેથી સમારકામ કામ થાય તેમ નથી. એક તરફ કચ્છમાં આવતુ નર્મદાનું પાણી છેલ્લા બે માસથી બંધ છે જયારે બીજીતરફ વાગડમાં નર્મદા રથ મોહત્સવ યોજાઈ રહ્યો છે. નર્મદા કેનાલમાંથી પાણી  પુરવઠા દ્વારા રાપરના ૭૬ ગામો અને ૯૨ વાંઢોને પાણી આપવામાં આવતું હતું, પરંતુ કેનાલ બંધ થઈ જતાં રાપર શહેરમાં દર દસ દિવસ પછી બાદરગઢ સમ્પ પરથી પાણી આપવામાં આવી રહ્યો છે. આ વર્ષ વાગડમાં સારો વરસાદ થવાના કારણે
પાણીની સમસ્યા થોડી હળવી બની છે. પરંતુ નર્મદા આધારીત વિસ્તારોમાં પાણી મુશ્કેલી સર્જાઈ છે. નર્મદા કેનાલનું સમારકામ લાંબું ચાલશે. ત્યારે રાપર માટે પાણીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.