કચ્છની ધરાને મેઘરાજા તૃપ્ત કરશે ? આભ ભણી મંડાઈ મીટ

  • આવતીકાલથી આશ્લેષા નક્ષત્ર : શ્રીકાર વરસાદના યોગ

ર ઓગસ્ટના આશ્લેષાના નક્ષત્રના આરંભ અને નક્ષત્રમાં વાહન દેડકો હોવાથી વરસાદના નક્ષત્ર પ્રમાણે સચરાચર વરસાદ થવાની આશ : જુલાઈ માસમાં વરસાદની ઘટ્ટ ઓગસ્ટમાં સરભર થાય તેવી કચ્છીમાડુઓની ઈચ્છા : પાછલા એક પખવાડિયાથી ધાબડીયા માહોલને પગલે પાકોમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો

(બ્યુરો દ્વારા)ભુજ : ચાલુ સાલે મેઘરાજાએ ભારતમાં કેરળથી સમયસર દસ્તક દીધા બાદ કચ્છ- ગુજરાતમાં પણ પ્રારંભથી જ ધમાકેદાર બેટીંગ કરતા ખેડૂતો સહિત સૌ કોઈ રાજીના રેડ થઈ ગયા હતા અને ચોમાસાએ સમયસર દસ્તક દેતા જગતનો તાત વાવણીમાં પરોવાઈ ગયો હતો. જો કે, જૂન મહિનાના આરંભમાં સાર્વત્રીક મેઘમહેર વરસ્યા બાદ જુલાઈમાં રાજયના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે પરંતુ કચ્છમાં ઝરમરીયાથી હળવા ઝાપટાઓ અને અમુક વિસ્તારમાં ભાદરવાના ભૂસાકા જ વરસતા વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે, ત્યારે આવતીકાલથી આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો હોઈ શ્રીકાર વરસાદના યોગ સર્જાતા કચ્છની ધરાને મેઘરાજા તૃપ્ત કરશે કે કેમ તે અંગે કચ્છી લોકોની આભ ભણી મીટ મંડાઈ છે. કચ્છમાં સરકારી આંકડા અછત નાબુદ થાય તે તરફ વધી રહ્યા છે, પણ ડેમ – તળાવો ખાલીખમ જ ભાસી રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ ગત સાલે ચોમાસા દરમ્યાન કચ્છમાં રેકોર્ડ બ્રેક રપ૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સાલે પણ કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસશે તેવી આશ હતી. જો કે, તે અત્યાર સુધી તો ઠગારી જ નીવડી છે. જૂન માસમાં સીસ્ટમ સર્જાતા કચ્છમાં સર્વત્ર એક થી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ સમગ્ર જુલાઈ માસ દરમ્યાન તો હળવા ઝાપટાથી જ સંતોષ માનવો પડયો હતો. અષાઢી બીજના વરૂણદેવે સુકન સાચવતા હવે તો ભયો ભયો થશે તેવી આશ બંધાઈ હતી. પરંતુ તે બાદ આકાશમાં માત્ર વાદળોની આવન જાવન સિવાય વરસાદનું કયાંય પણ નામ જોવા મળ્યું ન હતું. છેલ્લા એકાદ પખવાડિયાથી જિલ્લામાં વાદળોનો જમાવડો છે પરંતુ પવનની ઝડપના લીધે વરસાદ વરસી રહ્યો નથી. ધાબડીયા માહોલના લીધે ઉભા પાકમાં પણ હવે જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. હવે તડકો નિકળે તેવી લોકો આશા સેવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ર ઓગસ્ટના આશ્લેષાના નક્ષત્રના આરંભ અને નક્ષત્રમાં વાહન દેડકો હોવાથી વરસાદના નક્ષત્ર પ્રમાણે સચરાચર વરસાદ થવાની આશ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે કચ્છ પર પણ હવે મેઘરાજા પોતાનું રડાર કેન્દ્રીત કરે અને જુલાઈ માસમાં વરસાદની ઘટ્ટ ઓગસ્ટમાં સરભર થાય તેવી કચ્છીમાડુઓ આશા સેવી રહ્યા છે.