કચ્છની છ બેઠકોની કાઉન્ટિંગની અલપ-ઝલપ

ભુજ : આગામી વિધાનસભાની રચના માટે કચ્છ ગુજરાતની જનતાએ આપેલા જનાદેશની ગણના આજે સવારે શરૂ થઈ હતી. કચ્છની છ વિધાનસભા બેઠકોની મતગણતરી અભેદ સુરક્ષા વચ્ચે ભુજની ઈજનેરી કોલેજ ખાતે ચાલી રહી છે. આજે વહેલી સવારે ૫ કલાકેથી ઈજનેરી કોલેજમાં મતગણની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો હતો.
કચ્છની છ બેઠકો માટે ગત ૯મી ડિસેમ્બરના મતદાન થયું હતું. કચ્છવાસીઓએ  પોતાના જનપ્રતિનિધિને ચુંટવા ઈવીએમના માધ્યમથી પોતાની પસંદગી પર મહોર લગાવી હતી. તમામ છ બેઠકોની મતગણતરી માટે બેઠક દીઠ ૧૪ ટેબલ ગોઠવાઈ છે. આજે સવારે પ્રારંભે પોસ્ટલ અને  પોલિંગ સ્ટાફના મતોની ગણતરી શરૂ થઈ હતી. ત્યાર બાદ ઈવીએમમાં કેદ કચ્છના ૮૦ ઉમેદવારોના ભાગ્યના સીલ ખોલવામાં આવ્યા હતા.
હાડ થીજવતી ઠંડી વચ્ચે ભુજની ભાગોળે આવેલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે હાથ ધરાયેલ મતગણતરીના પ્રારંભથી કોલેજ બહાર રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારો તેમજ ઉમેદવારોના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેના લીધે વાતાવરણમાં પણ ગરમાટો જાવા મળ્યો હતો. પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે જ મતગણતરીના શ્રી ગણેશ કરાયા હતા.