કચ્છની ચૂંટણી પર કાશ્મીરની સુરક્ષા ટુકડી તૈનાત

આજે સવારે બીએસએફના ૧૯૦૦ જવાનોના કાફલાનો ગાંધીધામ રેલવે મથકે આગમન : ત્રણ બટાલીયનને જિલ્લાના દસે-દસ તાલુકામાં ચૂંટણી વ્યવસ્થા દરમ્યાન રખાશે ખડેપગ

ગાંધીધામ : કચ્છમાં ગુજરાતની સાથે જ આગામી નવમી ડીસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે. દરમ્યાન જ રાજકીયપક્ષોએ પોતાના ઉમદવારોના ચહેરા અહી રજુ કરી દીધા છે અને હવે ચૂંટણી જીતવા એડીચોટીનું જાર અજમાવવાનું શરૂ કરી દીધુ છે. દરમ્યાન જ વહીવટીતંત્ર અને સુરક્ષાવિભાગ દ્વારા પણ આ મામલે સતર્કતાભરી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામા આવી રહ્યો છે.
દરમ્યાન જ કચ્છમાં ચૂંટણી પારદર્શક અને નિર્ભીક માહોલમાં યોજાય તે માટે સુરક્ષાવિભાગની વિવિધ છાવણીઓને તૈનાત કરવામા આવી રહી છે. ચૂંટણીલક્ષી સલામતી વ્યવસ્થાઓની વાત કરીએ તો આજ રોજ તેમાં ઓર ઉમેરો થવા પામી ગયો હોવાનો વર્તારો ખડો થયો છે. કચ્છની ચૂંટણીમાં કાશ્મીરની સલામતી વ્યવસ્થાઓ ખડેપગે રહેશે તેમ જાણવા મળ્યુ છે.
આજ રોજ જમ્મુ-કાશ્મીરથી એક ખાસ ટ્રેન મારફતે કચ્છમાં ચૂંટણી વ્યવસ્થાને પગલે સુરક્ષાદળોનો મોટો-વિશાળ કાફલો અહી આવી પહોંચ્યો છે. આજે બીએસએફની ત્રણ બટાલીયનના ૧૯૦૦ જેટલા સુરક્ષા જવાનો કચ્છમાં આવી પહોંચ્યા છે અને આ તમામ આજે સવારે સાત વાગ્યે ગાંધીધામ રેલમથકે આવ્યા બાદ કચ્છના દસે દસ તાલુકાઓમાં મુકવામા આવ્યા છે.