કચ્છની ગ્રા.પં.ને ૧પમા નાણાપંચની ગ્રાન્ટ અપાઈ, પણ ટીડીઓના કોડ જનરેટ ન થવાથી મોઢે આવેલો કોળિયો છીનવાયો

  • ડીજીટલ સિગ્નેચર સર્ટીફિકેટની નવી પ્રથા મૃગજળ સમાન
    જિલ્લામાં કુલ ૬૩ર જેટલી ગ્રામ પંચાયતોને વસ્તીના આધારે ગ્રાન્ટની રકમની થાય છે ફાળવણી : નવી સિસ્ટમમાં સરપંચ અને તલાટીના કોડ જનરેટ થયા, પણ ટીડીઓના કોડ ન હોવાથી ગ્રાન્ટનો વપરાશ અશક્ય બન્યો

ભુજ : સરકાર દ્વારા સમયાંતરે નવી-નવી સિસ્ટમો અમલી બનાવાય છે, પરંતુ તેના આધારે વર્કઆઉટ થતું નથી. પરિણામે આવી યોજનાઓ મૃગજળ સમાન બની રહે છે. કચ્છમાં પણ આવી જ સ્થિતિ છે. ૧પમા નાણાપંચ અન્વયે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી તો થઈ, પરંતુ મોઢે આવેલો કોળિયો સરકારી સિસ્ટમમાં ખામીના કારણે છીનવાઈ ગયો છે, જેથી રૂપિયા હોવા છતાં ગ્રામ પંચાયતો રકમ વાપરી શકતી નથી.આ અંગેની જો વાત કરીએ તો સરકાર દ્વારા ૧પમા નાણાપંચની ગ્રાન્ટના વપરાશ માટે ડીજીટલ સિગ્નેચર સર્ટીફિકેટ ટોકન સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ નીતિ તળે જો કોઈ ગ્રામ પંચાયતને નાણાપંચની ગ્રાન્ટનો વપરાશ કરવો હોય તો સરપંચ, તલાટી અને ટીડીઓના કોડ સિસ્ટમમાં અપલોડ કરવા પડે, જે બાદ બિલની રકમનું ચૂકવણું થાય છે. હાલમાં કચ્છના દસે દસ તાલુકામાં ટીડીઓને આ પ્રકારના કોડ જનરેટ થયા નથી. પરિણામે ગ્રાન્ટ વપરાતી નથી.સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાએ જણાવ્યું કે, ૧પમા નાણાપંચની ગ્રાન્ટના વપરાશ માટે નવી ડીએસસી ટોકન સિસ્ટમ અમલી થઈ છે. આ માટે તાલીમ પણ અપાઈ છે. આ સિસ્ટમ અન્વયે ગ્રામ પંચાયતને ફાળવેલી ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવા હોય કે ખરીદી કરવી હોય તો સરપંચ, તલાટી અને ટીડીઓના કોડ જનરેટ કરવા પડે છે. હાલમાં અમારી પાસે સરપંચ અને તલાટીના કોડ આવી ગયા છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારીના કોડ હજુ સુધી આવ્યા નથી. પરિણામે ૧પમા નાણાપંચની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. તેમના કુનરિયા ગામમાં ૩ હજારની વસ્તીના આધારે ર૪ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે, પરંતુ ટીડીઓનો કોડ ન હોવાથી આ ગ્રાન્ટનો વપરાશ થઈ શક્યો નથી. જિલ્લામાં આવેલી ૬૩ર ગ્રામ પંચાયતોને તેમની વસ્તીના આધારે ફાળવણી થાય છે તેવું જણાવ્યું હતું.જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જાન્યુઆરીમાં આ સંદર્ભે ડીડીઓને રજૂઆત કરાઈ હતી. સાંસદ વિનોદ ચાવડાએ પણ આ સંદર્ભે રજૂઆત કરી હતી, જે અન્વયે ત્રણ મહિના બાદ ડીડીઓ ભવ્ય વર્માએ રજૂઆતનો જવાબ આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, ૧પમા નાણાપંચની ગ્રાન્ટ સંબંધિત પંચાયતોને ફાળવાઈ છે. ડીજીટલ સિગ્નેચર સર્ટીફિકેટ ટોકનના ઉપયોગ અંગે સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી છે. ટીડીઓ કચેરી, તલાટી, સરપંચ સહિતના સંલગ્ન સ્ટાફને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. ભારત સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે ૧પમા નાણાપંચ પંચાયતી રાજ સંસ્થામાં થનાર તમામ કામોનું ચૂકવણું ડીજીટલ સિગ્નેચર સર્ટીફિકેટથી પીએફએમએસ પોર્ટલ મારફતે કરવાનું છે. ગ્રામ પંચાયતોને મળતી રોયલ્ટીની આવકના ખર્ચ માટે ટીડીઓને જાણ કરાઈ હોવાનું પણ જણાવાયું હતું. અલબત્ત મુશ્કેલી સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તાજેતરમાં પણ સરપંચ સંગઠને આ મુદ્દો ઉપાડી માસ્ક, સેનિટાઈઝર સહિતની કોવિડ પ્રોટેક્શનની વસ્તુઓ ખરીદવા અંગે તંત્રને ઘટતું કરવા ધ્યાન દોર્યું હતું.