કચ્છની ગૌશાળા-પાંજરાપોળોની હાલત કફોડી : માત્ર ૧પ ટકા જ ઘાસચારો અપાયો

સરકારની ભાવના અને જાહેરાત મોટી પણ અમલવારીમાં ગરબડ

 

વાહ રે તંત્રની બલિહારી..ભચાઉની પાંજરાપોળને ઘાસ મળશે છેક ધોરડોથી !
ભુજ : જિલ્લામાં આવેલી રજિસ્ટર્ડ પાંજરાપોળ- ગૌશાળાઓને ખાસ કિસ્સામાં રૂા. ર પ્રતિ કિલોના રાહતદરે ઘાસ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે પરંતુ વિતરણ સ્થળ બાબતે તંત્રએ જે લીલા કરી છે તેનાથી સંચાલકોને મોટો આર્થિક ધુંબો પડે તેમ છે. જિલ્લાના ૧૦ તાલુકા માટે ૧૮મીએ પ,૯૩,૧૭૪ કિલો ઘાસનો જથ્થો ફાળવાયેલો છે, જેમાં ભચાઉ માટે ધોરડો, રાપરને ઓરીરા (નખત્રાણા), ગાંધીધામ, અંજાર માટે પાલનપુર-બાંડી (નખત્રાણા)નું ગોડાઉન ફાળવાતા સંચાલકોને ટ્રક, મજુરો સ્વખર્ચે રોકી ઘાસ લેવા જવાનું જેથી ઘાસ લેવા માટે વધારાનું ફંડ કયાંથી લાવવું તે પણ યક્ષ પ્રશ્ન બન્યો છે.

 

ભુજ : વરૂણદેવ કચ્છ પર હજુ સુધી મહેરબાન થયા ન હોઈ પાણી, ઘાસચારાની સ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે, સીમાડાઓ સુકા ભઠ્ઠ બનતા માલધારીઓના જીવ તળાવે ચોટ્યા છે. હજારો પશુઓના નિભાવ કરતી પાંજરાપોળ – ગૌશાળાઓની તો આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ છે. ગૌશાળા – પાંજરાપોળ માટે સરકાર દ્વારા ઘાસ વિતરણ અંગેની જાહેરાત કરાયા બાદ કચ્છમાં પણ ૧ર જુનથી વિતરણ શરૂ કરાયું છે પરંતુ તે માત્રને માત્ર મજાક સમાન બની રહ્યું હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા કચ્છ જિલ્લામાં ખેતી બાદ પશુપાલન ઉદ્યોગ સૌથી વિશાળ પાયા પર કાર્યરત છે. ગત વર્ષોમાં પડેલા અપુરતા વરસાદને પગલે ઉનાળાએ દસ્તક દીધી ત્યારથી જ ડેમો – તળાવો તળિયા ઝાટક થવાની સ્થિતિએ પહોંચી ગયા હતા અને જેમ જેમ ચોમાસુ નજીક આવતું ગયું તેમ તેમ સ્થિતિ ભયાનક બનતી ગઈ. સામાન્ય રીતે ગુજરાતમાં ૧પ જુનથી મેઘરાજા દસ્તક દેતા હોય અને આ સરહદી વિસ્તારમાં પણ અષાઢી બીજથી ધરાને તૃપ્ત કરવા વરૂણદેવ અમી દ્રષ્ટિ વરસાવતા હોય છે. જો કે આ વર્ષે કચ્છ પર અછતના ડાકલા વાગી રહ્યા હોય તેમ શ્રાવણના બે સપ્તાહ વીતી ચુકયા હોવા છતાં હજુ સુધી મન મુકીને મેઘરાજા વરસ્યા ન હોઈ, પાણી- ઘાસચારાની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાની ગૌશાળા- પાંજરાપોળોમાં હજારો પશુઓનો નિભાવ થતો હોવાથી ઘાસચારાના અભાવે સંચાલકોની રીતસર કેડ જ ભાંગી ગઈ છે. તેઓને રાહત મળે તે માટે સરકાર દ્વારા રાહતદરે ઘાસ વિતરણની જાહેરાત કરી હતી પરંતુ તેની અમલવારી આંશિક જ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.
૧ર જુનથી શરૂ થયેલી ઘાસ વિતરણ વ્યવસ્થાના બે માસ બાદ પણ માત્ર ર૮,૩૧,૭૪૯ કિલો ઘાસ વિતરીત થયું છે, જે પાંજરાપોળા- ગૌશાળાઓમાં નિભાવ થતા પશુઓની જરૂરિયાતની તુલનાએ માત્રને માત્ર ૧પ ટકા ઘાસ આપવામાં આવ્યું છે, જે પરથી કરણી અને કથનીમાં લાંબું અંતર એ જણાઈ આવે છે.
અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના ભરત સોંદરવાએ જણાવ્યું કે, જિલ્લાની ૮પ પાંજરાપોળો- ગૌશાળાઓમાં ૮પ હજારથી ૯૦ હજાર જેટલા પશુઓનો નિભાવ થાય છે, જે પૈકીના માત્ર ૭૦ હજાર પશુઓ માટે નિયમ મુજબ દૈનિક ૪ કિલો ઘાસચારાની ગણતરી કરીએ તો પણ ર લાખ ૮૦ હજાર કિલો ઘાસ થાય છે, જેની ગણતરીએ બે માસમાં ઘાસનું વિતરણ ૧ કરોડ ૬૮ લાખ કિલો થવું જોઈએ, જેની સામે માત્ર ર૮ લાખ ૩૧ હજાર કિલો ઘાસ વિતરણ થયું હોઈ તેનાથી કેટલા પશુઓનો નિભાવ થઈ શકે તે સ્પષ્ટ ચિત્ર દેખાઈ આવે છે. જિલ્લામાં ઘાસચારાની સ્થિતિ ચિંતાજનક હોઈ જો જરૂરિયાત મુજબ વિતરણ નહીં થાય તો પશુઓનો નિભાવ કરવો અત્યંત મુશ્કેલ બનશે.