કચ્છની કોવિડ હોસ્પિટલોમાં ડોકટરથી લઈ સ્વીપર સુધીના ર૦૦ સ્ટાફની હંગામી ભરતી

મહામારી સામે લડવા વોલીએન્ટર તરીકે હજુ પણ લાયકાત ધરાવતા યુવાનો આવે આગળ

(બ્યુરો દ્વારા)ભુજ : હાલમાં કચ્છ સહિત સમગ્ર રાજય કોરોનાની બિમારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આ મહામારીનો સામનો કરવા માટે મેનપાવરની તાતી જરૂરીયાત છે. સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલો યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. પરંતુ હોસ્પિટલમાં દર્દીની સારવારથી માંડી સેવા ચાકરી માટે સ્ટાફની જરૂરીયાત રહે છે. કચ્છના આરોગ્ય વિભાગમાં આમ પણ સ્ટાફની અછત છે. તેવામાં મહામારીની પરિસ્થિતિમાં બે મોરચે લડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલના હાજર સ્ટાફ પર કામનુુ સતત ભારણ રહે છે ત્યારે ગુજરાત સરકારની જાહેરાત બાદ કચ્છની કોવિડ હોસ્પિટલોમાં ડોકટરથી લઈ સ્વીપર સુધીના ર૦૦ ના સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી છે. હાલ કચ્છમાં નર્સિગ કોલેજના વિધાર્થીઓને પણ સહયોગ લઈ રહી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પખવાડિયા પૂર્વે જાહેર અપીલ કરી હતી, જેમાં તજજ્ઞ વર્ગ – ૧, તબીબી અધિકારી વર્ગ – ર, ડેન્ટલ ડોકટર, આયુષ ડોકટર, સ્ટાફ નર્સ, જુનીયર ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, એકસ-રે ટેકનીશીયન, ઈસીજી ટેકનીશીયન, વર્ગ – ૪ સહિતના સંવર્ગમાં લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને સરકાર સાથે જોડાવવા આહવાન કર્યું હતું. ભરતી પ્રક્રિયા સાવ સરળ બનાવી દેવાઈ છે. લાયકાત ધરાવતા યુવાનો પોતાના જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીનો સંપર્ક કરી નોકરી મેળવી શકે છે. કચ્છમાં પણ આ માટે જિલ્લા પંચાયત દ્વારા લાયકાત ધરાવતા યુવાનોને અનુરોધ કરાયો હતો. જે અન્વયે ભરતી પણ કરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે કહ્યું કે, વર્ગ – ૧ એમડી તબીબથી લઈ વર્ગ – ૪ સ્વીપર સુધીની પોસ્ટમાં અત્યાર સુધી ર૦૦ જેટલા સ્ટાફને જિલ્લાની અલગ અલગ કોવિડ હોસ્પિટલોમાં નિમણૂંકના ઓર્ડર આપી દેવાયા છે. હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો બાયોડેટા સાથે કચેરીનો સંપર્ક કરે તે માટે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હંગામી ધોરણે ભરતી કરાયેલા સ્ટાફને કરાર બાદ છૂટા કરવાના બદલે કાયમી કરી દેવાય તો સરકારી દવાખાનાઓમાં સ્ટાફ ઘટની સમસ્યાઓનો કાયમી નિવેડો આવી જાય તેમ છે.

  • કચ્છમાં નવા વેન્ટિલેટર આવ્યા પણ સ્ટાફની નિમણૂક માટે મથામણ

વેન્ટિલેટર ચલાવવા માટે નથી મળી રહ્યો અનુભવી સ્ટાફ

ભુજ : કચ્છમાં કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા માટે નવી કોવિડ હોસ્પિટલો શરૂ થઈ રહી છે, હવે સાધનોની અછત નથી પણ માનવ બળની અછત વર્તાઈ રહી છે. કચ્છ જિલ્લામાં નવી ટેકનોલોજી સાથે નવા વેન્ટિલેટર આવ્યા છે જેમાં કેટલાક કચ્છ યુનિ. વાળી સમરસમાં તો અમુક કોવીડ હોસ્પિટલમાં દેવામાં આવ્યા છે, પરંતુ ટેકનોલોજી વાળા વેન્ટીલેટર ચલાવવા સ્ટાફની અછત હાલ વર્તાઈ રહી છે જેના માટે તંત્ર ટેકનીકલ સ્ટાફની નિમણુંક માટે મથામણ કરી રહ્યો છે.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાત લીધી ત્યારે ૮૦ વેન્ટિલેટર અને આરટીસીપીઆરના બે મશીન કચ્છને આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તે સાંધનો કચ્છ આવી ગયા છે. સરકાર દ્વારા કચ્છને વધુ ૮૦ વેન્ટિલેટર મશીન આપવાની જાહેરાત થઈ હતી, જે અન્વયે મશીનો તો આવી ગયા પરંતુ વેન્ટિલેટરના સંચાલન માટે અનુભવી સ્ટાફ મળતો નથી, જેથી ભરતી પ્રક્રિયા માટે તંત્ર દોડતું થયું છે. કચ્છ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સામે ડિસ્ચાર્જ રેશિયો ઓછો છે, જેથી હાલ જુદી – જુદી હોસ્પિટલોમાં રપ૦૦થી વધુ દર્દી સારવાર તળે દાખલ છે. આમ પણ કચ્છના આરોગ્ય વિભાગમાં તબીબથી માંડી મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત છે. તેમાં કોવિડની પરિસ્થિતિમાં આરોગ્ય વર્કરોએ મોરચે લડી રહ્યા છે. એકતરફ દર્દીને સાજા કરવાનું ભારણ, બીજીતરફ સંશાધનોનો ઉપયોગ કરવો, સરકાર સાધનો આપે પણ સાધન ચલાવવા અનુભવી સ્ટાફ તો જોઈએને તે હમણાં મળતો નથી. જેથી નવા આવેલા વેન્ટિલેટર પણ હાલમાં પણ વપરાયેલ પડ્યા છે. નવી ટેકનોલોજીના વેન્ટિલેટર આવ્યા છે, જેથી સ્ટાફને તેના ઉપયોગ માટે પહેલા તાલીમ પણ લેવી પડશે. હાલના તબક્કે તો માનવ બળના અભાવે આ વેન્ટિલેટર વણવપરાયેલા છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આગળ આવી કોવિડ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે.

નવા સ્ટાફની ભરતી વચ્ચે જૂનાને છુટા કરી દેવાયા

ભુજ : એકતરફ કોરોનાની ઝડપી કામગીરી માટે નવા હેલ્થ સ્ટાફની ત્રણ માસ માટે હંગામી ભરતી કરવામાં આવે છે. બીજી તરફ કરાર રીન્યુ ન થવાથી જૂના સ્ટાફને છૂટા કરી દેવાની નોબત આવી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયતમાં કરાર આધારીત ૧૩૦ મેલ હેલ્થ વર્કર ફરજ બજાવે છે. જેઓનો ૧૧ માસનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ જતા નિયમ પ્રમાણે છૂટા થયા છે. જો કે તેઓના કરારને રીન્યુ કરવામાં આવ્યો નથી. કોરોના કાળમાં કોન્ટ્રાકટ રિન્યુ ન થવાથી અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા ફ્રન્ટાલાઈન કોરોના વોરિયર્સ એવા પેરા મેડિકલ સ્ટાફના ૧૩૦ થી વધુ કર્મચારીઓ છુટા થયા છે જેની મેડિકલ સેવા પર વ્યાપક અસર પડશે. એક તરફ જિલ્લા પંચાયત નર્સીંગમાં અભ્યાસ કરતા છાત્રોને નિમણૂંક આપે છે. બીજી તરફ ૧૩૦ મેલ હેલ્થ વર્કરનો કોન્ટ્રાકટર રીન્યુ ન થતા છૂટા કરાયા છે, જેથી ભારે વિરોધ જોવા મળ્યો છે. સોશ્યલ મીડિયામાં આ અંગે બળાપો ઠલવાયો હતો. જો કે, તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.