કચ્છની કેસર કેરીની સુવાસ વિશ્વના અનેક દેશોમાં પ્રસરી

સરકારશ્રીની સહાયથી વર્ષે કેરીના પાકમાં ૩૫-૪૦ લાખની ઉપજ લેતા વિક્રમસિંહ જાડેજા

આધુનિક ટેકનલોજીની અને દેશી ખાતરના સમન્વયથી થઈ શકે ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન

કચ્છનું ભૌગોલિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. વાતાવરણીય કે જૈવ વિવિધતાની બાબતે કચ્છ અપાર વૈવિધ્ય ધરાવે છે અને તેથી જ કચ્છમાં પાણીનું કે વરસાદનું પ્રમાણ પણ ઓછું હોવા છતાં અનેક પાક અહીં લેવા શક્ય બન્યા છે. તો બીજી તરફ બાગાયતી પાકોમાં પણ કચ્છની કેસર કેરી, ખારેક તેમજ દાડમ ની વિશ્વના બજારોમાં ખુબ જ સારી માંગ છે. કચ્છની કેસર કેરી ખુબ પ્રખ્યાત છે. ત્યારે કચ્છના વિવિધ ખેડૂતો વર્ષોથી કેરીની ખેતી કરી સારી ઉપજ લઈ રહ્યા છે. આવા જ એક ખેડૂત અંજાર તાલુકાના ખેડોઈ ગામના પ્રગતિશીલ ખેડૂત વિક્રમસિંહ જાડેજા જે જેઓ વર્ષોથી કેરીનો પાક લઈને સારી કમાણી કરી રહ્યા છે. ૪૭ એકર જમીનમાં તેઓ કેસર, જમ્બો કેસર તેમજ આમ્રપાલી મળીને કુલ ૩૦૦૦ જેટલાં કેરીના ઝાડ ધરાવે છે. જે થકી તેઓ વાર્ષિક ૩૫-૪૦ લાખની ઉપજ મેળવે છે. સરકારની યોજનાઓની સહાયથી મોટા પાયે કેરીનો પાક લઈ બહાર પણ એક્સપોર્ટ કરે છે. તેમની સાથે કરેલી વાત પરથી જાણવા મળે છે કેવી રીતે કચ્છમાં કેસર કેરીનો પાક લેવાનો શરૂ થયો. વર્ષો પહેલા ખેડોઇમાં સુરતથી એક ગ્રામ સેવકની બદલી થઈ અને તેમણે જ અહીંની જમીન મુજબ કેરીનું સારું ઉત્પાદન થઈ શકે તેમ જણાવ્યું અને સુરતથી જ કેસર કેરીની કલમ લાવ્યા અને અહી ઉછેરી. ધીરે ધીરે અહીંના ખેડૂતોને કેરીની કલમ કેમ કરવી એ પણ શિખવાડ્યું. આમ ધીરે ધીરે કચ્છમાં પણ ખેડૂતો કેરીનો પાક લેવા લાગ્યા. કચ્છની જમીનમાં અને ખાસ કરીને ભુજ, અંજાર, માંડવી અને નખત્રાણા વિસ્તારની રેતાળ જમીન કેરીને માફક આવે તેવા વિશેષ તત્વો ધરાવે છે. આથી કરછમાં વિશેષ કદ, રંગ અને સ્વાદ ધરાવતી કેરી થાય છે. વિક્રમસિંહ જાડેજા કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના સંપુર્ણ ગાયના છાણ અને ગૌમુત્ર માંથી બનેલા દેશી ખાતરનો ઉપયોગ કરીને ૧૦૦% ઓર્ગેનિક કેરીથી લોકોનું આરોગ્ય પણ સારું રહે તેનું ધ્યાન રાખે છે. આ બાબતે ઉપજ કરતા લોકોનું આરોગ્ય વધું મહત્વનું છે તેવી વિચારધારા તેઓ ધરાવે છે. સિંચાઇ માટે પણ તેઓ સરકારશ્રીની ડ્રિપ લાઇન યોજના નો સહારો લઇ ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી આપે છે. તેમણે પેકિંગ અને ગ્રેડિંગ માટે પણ સ્ટોર હાઉસ બનાવ્યું છે. જેના માટે સરકારશ્રીની ૨ લાખ રૂપિયાની સહાય તેમણે મેળવી છે. તથા કોલ્ડ સ્ટોરેજ પણ વિકસાવ્યું છે જે સંપુર્ણ રીતે ફાર્મ વેસ્ટમાંથી જ ચાલે છે. આ કોલ્ડ સ્ટોરેજ માટે પણ ૧૦ લાખની લોન ઉલબ્ધ છે તો સરકારશ્રીની ૬ લાખની સબસિડીનો લાભ પણ તેમણે મેળવ્યો છે. તેમની વાડીમાં કેસર કેરી,જમ્બો કેસર કે જે એક કેરી ૬૦૦-૭૦૦ ગ્રામ વજન ધરાવે છે ઉપરાંત આમ્રપાલી કે જે રોગપ્રતિકારક શકિત માટે શ્રેષ્ઠ છે વગેરે કેરીની જાતિઓ ઉપરાંત દાડમ અને ખારેકની પણ ખેતી કરવામાં આવે છે. આ અંગે વધુ વિગતો જણાવતાં ખેડૂત વિક્રમસિંહ જાડેજા જણાવે છે કે, કચ્છમાં કેસર કેરીની ખેતીતો અનેક લોકો કરે છે પણ જરૂરી ટેકનોલોજીના અભાવે એક્સપોર્ટ ક્વોલિટીની કેરી નથી મળી શકતી જેથી તેને બજાર મળી શકતી નથી. બાગાયતી ખેતી માટે સરકારશ્રીની અનેક યોજનાઓ છે જેનો લાભ લઈ ખેડું સધ્ધર થઈ શકે. અમે પણ કોલ્ડ સ્ટોરેજ સરકારશ્રીની સહાયથી ઉભું કર્યું છે જેથી એક્સપોર્ટ કવોલિટીની અને તેમની માંગ મુજબ કેરીનું ઉત્પાદન કરી શકીએ છીએ. ઉપરાંત કેરીની બજાર નીચી જતાં કેરીનો સ્ટોરેજ કરી શકાય છે ને સારા ભાવ મળતાં તેને બજારમાં લાવી શકાય છે. આમ અદ્યતન ટેકનોલોજી સાથે ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન તેઓ કરે છે. આ ઉપરાંત વિક્રમસિંહ જાડેજા અન્ય ખેડૂતોને સરકારશ્રીની યોજનાઓની માહિતી પણ આપે છે.