કચ્છની અમુક શાળાઓનો તઘલખી નિર્ણયઃ ફી જમા કરાવ્યા બાદ જ મળશે એલસી

  • કોરોનામાં વાલીઓને પડ્યા પર પાટુ !

આર્થિક મારથી બેહાલ વાલીઓ બાળકોને ખાનગીમાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા બન્યા મજબૂર

ભુજ : કોરોના કાળમાં નાનાથી મોટા દરેક વર્ગને મોટી નુકશાની વેઠવી પડી છે, જેના કારણે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો આર્થિક ભીંસમાં સપડાયા છે. કોરોના મહામારીના કારણે નાના વ્યવસાયીઓ, રોજેરોજ પેટીયું રળતા કામદારો સહિત સ્વરોજગારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવનાર અનેકો પરિવારો આર્થિક તંગીનો કારમો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે નવા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઈન હોઈ અનેક પરિવારોએ ખાનગી શાળામાં ભણતા પોતાના બાળકોને ઉઠાડીને સરકારી શાળામાં ભણવા મુકવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ગત વર્ષે શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. આથી ગત વર્ષની બાકી ફી જમા કરાવનાર બાળકને જ એલસી (લીવીંગ સર્ટીફિકેટ) આપવામાં આવશે તેમ અમુક શાળાઓ દ્વારા વાલીઓને જણાવવામાં આવી રહ્યું છે. આર્થિક તંગીના કારણે બાળકને સરકારી શાળામાં મુકવા મજબુર બનેલા વાલીઓ શાળાઓના નિર્ણયથી મુશ્કેલભરી સ્થિતિમાં મુકાયા છે. તો અમુક શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ દરમ્યાન કોઈ પણ ફી ન લેવાનું નિર્ણય લીધો છે. અમુક શાળા સંચાલકોએ વાલીઓ માટે રાહતરૂપ અનુકુળતાએ ફી જમા કરાવવા જણાવાયું છે. આ અંગેની વિગતો મુજબ કેટલાક મધ્યમવર્ગીય પરિવારોએ બાંધી આવક હોવા છતાંયે પોતાનું બાળક સારૂ શિક્ષણ મેળવે તે માટે પેટે પાટા બાંધીને બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મુકયા હતા, પરંતુ કોરોનામાં સ્વરોજગાર, નાના વ્યવસાયો અને નાની કંપની, ફેકટરીઓ બંધ થઈ હતી. જેથી આવક બંધ થવાના કારણે બાળકોની ફી ભરવામાં અનેક મધ્યમવર્ગીય પરિવારો અસમર્થ બન્યા છે. અમુક શાળાઓ દ્વારા વાલીઓને અનુકુળતાએ ફી આપવાનું આવકારદાયક નિર્ણય પણ કરાયો છે. તો અમુક શાળા સંચાલકો વેપાર સમજીને આકરૂં વલણ અપનાવી રહ્યા છે. આથી કેટલાક વાલીઓ દ્વારા કમને પણ ખાનગી શાળામાંથી બાળકને ઉઠાડીને નજીકની સરકારી શાળામાં મુકવા માટે આયોજન કરી રહ્યા છે. પરંતુ નામ ન આપવાની શરતે વાલીઓના જણાવ્યાનુસાર ખાનગી શાળામાંથી બાળકનું નામ કઢાવવા જવા દરમ્યાન શાળા સંચાલકો દ્વારા બાકી ફી ભરો પછી જ તમારા બાળકનું એલસી આપવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાની સગવડ ન હોવાથી વાલીઓ અસમંજરાની સ્થિતિમાં મુકાયા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ભરાઈ જશે તો પોતાના બાળકને એડમિશન નહી મળે અને નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ તેની પણ ખાનગી શાળા ફી વસુલશેની બેવડી ચિંતા પણ વાલીઓને મુંઝવી રહી છે. આ સંજોગોમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાના મારથી આર્થિક પરેશાની ભોગવી રહેલા વાલીઓને રાહતરૂપ નિર્ણય લેવામાં આવે તે ઈચ્છનીય હોવાનો મત વ્યકત થઈ રહ્યો છે.