કચ્છની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાતા હાલાકી

સાંસદ પાસે સમગ્ર મામલો પહોંચતા સીએમઓ સુધી કરાઈ રજૂઆત : એકાદ બે દિવસમાં પ્રાણવાયુની અછત નિવારવાની અપાઈ ધરપત

ભુજ : કોરોના મહામારી વચ્ચે દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ત્યારે પ્રાણવાયુની પણ કટોકટી સર્જાઈ છે, તેવામાં ગત રાત્રીથી કચ્છમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત થઈ હોવાની બુમરાડ પડી હતી, ત્યારે આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ મધ્યસ્થી કરીને સીએમ સુધી આ અંગે રજુઆત કરી છે અને એકાદ બે દિવસમાં ઓક્સિજનની શોર્ટેજનું નિવારણ આવી જશે તેવી ધરપત અપાઈ છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં ગત રાત્રીથી કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડતા દર્દીઓને અને સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. કેટલાક ક્રિટીકલ દર્દીઓને તો હોસ્પિટલની ફેરબદલી કરવાની ફરજ પડી હતી. કેટલાક તબીબોએ એક બીજા સાથે સંકલન કરીને જેઓને ઓક્સિજનની હાલ તુરંત જરૂર ન હોય તેવા ડોકટરો પાસેથી પ્રાણવાયુની વ્યવસ્થા કરાઈ હતી. હોસ્પિટલોને ઓક્સિજન સમયસર ન મળતા શોર્ટેજ ઉભી થઈ હતી. આ સમગ્ર મામલે કચ્છઉદય દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું ધ્યાન દોરવામાં આવતા તેમણે પણ કહ્યું હતું કે, છ – સાત હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ વર્તાઈ હોવાની બાબત મારા ધ્યાન પર પણ આવી છે. આ અંગે મેં કચ્છના પ્રભારી સચિવ જે. પી. ગુપ્તાને પણ રજુઆત કરી છે તેમણે થોડા સમયમાં આ સમસ્યાના નિવારણની વાત કરી છે.આ સાથે જ સીએમને પણ આ અંગે રજુઆત કરવામાં આવી છે, ત્યારે સીએમઓ દ્વારા એકાદ – બે દિવસમાં ઓક્સિજની કટોકટીનું નિવારણ આવી જશે તેવી હૈયાધારણા અપાઈ છે.

  • ભુજની ખાનગી હોસ્પિટલને ઓક્સિજન આપવા મુદ્દે તંત્ર નિષ્ફળ

એક તરફ ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવારમાં જોડાવવા ઈજન બીજીતરફ ઓક્સિજન – રેમડેસિવીર આપવામાં તંત્ર વામણું પુરવાર

ભુજ : કોવિડ-૧૯ મહામારીમાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની ખાસ જરૂર હોય ત્યારે જિલ્લા પ્રશાસને જે કચ્છની ૩પ ખાનગી હોસ્પિટલને મંજૂરી આપી છે, તેને જ ઓક્સિજન આપવા મુદ્દે હાથ ઉંચા કરી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા કોવિડ દર્દીઓની હાલત દયનીય બની છે. કોવિડ-૧૯ મહામારી ગંભીર રૂપ ધારણ કરી રહી છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રોજ રાત પડેને એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે તથા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓને ફાંફા મારવા પડે છે ત્યારે છુટકે સ્વજનો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરે છે ત્યારે જિલ્લા પ્રશાસને ૩પ ખાનગી હોસ્પિટલને માન્યતા આપી હતી તે પૈકી નાના બાળકો માટેની ભુજની ન્યુ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલને ૧ર બેડ સાથે માન્યતા મળી હતી, પરંતુ આ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે ઓક્સિજન માગવામાં આવતા તંત્રએ જણાવ્યું હતું કે, ભુલાઈ ગયું છે તેવું કીધું. બીજી વખત પુછતા હવે તમેજ જાતે વ્યવસ્થા કરો એમ કહી હાથ ઉંચા કરી લેતા ઓક્સિજન વગર દર્દીઓની સારવાર કેમ કરવી આપવી તેવા પ્રશ્ન પુછવામાં આવતા તો તે દર્દીને રજા આપી દો તેમ તંત્રના જવાબદારોએ જણાવ્યું હતું. કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરીયાત રહે છે ત્યારે આવી રીતે માનવતા મુકીને તંત્રએ હાથ ઉંચા કરી નાખતા દર્દીઓના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.