કચ્છના ૮ મામલતદાર ચૂંટણીની તાલીમ માટે પહોંચ્યા રાજકોટ

ભુજ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે, ત્યારે હવે ચુંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ આરભી દેવામાં આવી છે. તો આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ વખત  વીવીપેટ મશીનનો ઉપયોગ થવાનો છે. ત્યારે આજથી ૮ સપ્ટેમ્બર સુધી મામલતદારોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી પંચના હાઇલેવલ અધિકારીઓની ટીમ રાજકોટ પહોચ્યા હતા. અધિકારીઓ દ્વારા કચ્છના ૮ મામલતદાર તેમજ એક ચીટનીસને ચૂંટણીલક્ષી તાલીમ આપશે. જયારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ૧૩૫થી વધુ મામલતદારોને તાલીમ આપશે. જેમાં ચૂંટણીમાં થયેલા સુધારા, તેના નિયમો અને વીવીપેટ સહિતના એક ડઝન મુદ્દે તાલીમ યોજાશે. રાજકોટમાં આજથી શરૂ થયેલ તાલીમમાં કચ્છના ૮ મામલતદાર અને એક ચીટનીશ જાડાયા છે. આ તાલીમમાં ભુજ અને અબડાસાના મામલતદાર સિવાય તમામ મામલતદાર ચાર દિવસની તાલીમ માટે રાજકોટ પહોચી ગયા છે. આ તાલીમ સવારે ૧૦થી સાંજે ૫ દરમિયાન કણકોટની એન્જીનિયરીંગ કોલેજ ખાતે બે સેશનમાં યોજાશે. જેમાં પહેલી બેંચમાં રાજકોટ, દ્વારકા, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, ખંભાળીયા આવરી લેવાયા છે. જયારે બીજા ભાગમા પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આવરી લેવાયા છે. કુલ ૧૩૫થી વધુ મામલતદારોને સ્પેશીયલ તાલીમ આપવામાં આવશે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા આ અંગે વ્યવસ્થા કરાઈ રહી છે.