કચ્છના ૩૦૦થી વધુ બેંક ખાતા ટાંચમાં લેવાતા કરદાતાઓમાં વ્યાપક રોષ

  • વેટ એસેસમેન્ટમાં કરોડોની રિકવરીની લ્હાયમાં

નોટિસ પછી અપીલ અને સ્ટે મળ્યો હોવા છતાં બેંક ખાતાને અટેચમેન્ટ કરી દેતા વેપારીઓના વહેવારો અને વેપાર-ધંધાને પહોંચ્યું નુકસાન : આડેધડ અપાયેલી નોટિસો સામે જોવા મળી નારાજગી

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : વેટ એસેસમેન્ટ વિભાગે પોતાની આવક વધારવા આડેધડ નોટીસો આપી વેપારીઓ અને કરદાતાઓ પાસેથી રૂપિયા વસુલવા બેંક ખાતા પોતાના કબજામાં લઈ લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આડેધડ કરાયેલી કાર્યવાહીમાં કચ્છના કરદાતાઓ પણ જપ્ટે ચડયા છે. એક તરફ ધંધા નથી. આર્થિક મંદીના માહોલમાં વેટ વિભાગ સરકારી તિજોરી ભરવા નિર્દોષ વેપારીઓ પર આકરૂં વલણ અપનાવી રહ્યું છે જેની સામે નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ અમુક જણ અપીલમાં ગયા તો અમુક જણ સ્ટે લઈ આવ્યા છતાં વીસ ટકા તો ભરવા પડશે તેવી વેટ વિભાગની સુચના વેપારીઓમાં નારાજગી પસરી છે.આ અંગેની વિગતો મુજબ વેટ એસેસમેન્ટ વિભાગે કરોડો રૂપિયાની રિકવરીની લ્હાયમાં અધિકારીઓ આંખ બંધ કરીને આડેધડ રીતે બેંક ખાતાને ટાંચમાં લેતા કરદાતાઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. નિયમ મુજબ જે કરદાતાઓ નોટિસ મળ્યા બાદ અપીલમા ગયા હોય કે સ્ટે લીધો હોય એવા કેસમાં તંત્ર બેંક ખાતાને એટેચ ન કરી શકે તેમ છતાં કરોડો રૂપિયાની રિકવરી કરવા માટે નીતિ નિયમોને નેવે મુકીને આ પગલું ભરતા કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. હાલ વેટ વિભાગમાં વેટ એસેસમેન્ટની ડિમાન્ડ સામે રીકવરી માટે બેંક એટેચમેન્ટની કામગીરી ગુજરાતભરમાં ચાલી રહી છે જેમાં અધિકારીઓ પર વસુલાત માટે વધારે પ્રેસર હોવાથી કોઈ કાયદા નિયમોનું પાલન કર્યા વગર રિકવરી માટે સીધી બેંક પર એકાઉન્ટ પર તરાપ નાખવામાં આવી છે, જેનાથી કરદાતાઓના બધા આર્થિક વહેવાર ઠપ્પ થઈ ગયા છે. પક્ષકાર સુધી નોટીસ પહોંચ્યા બાદ ૩૦ દિવસમાં રીકવરી માટેની કાર્યવાહી કરી શકાય એ જોગવાઈ છે છતાં પણ ઉપરથી રીકવરીના આદેશ હોય એવી વાર્તા સાથે ઘરની ધોરાજી ચલાવી આડેધડ બેંક ખાતા ટાંચમાં લેવાતા ભારે કચવાટ પ્રવર્તી રહ્યો છે. નોટીશ મળયા બાદ અપીલ કે સ્ટે મળે ત્યારે વીસ ટકા ભરવા તંત્રની કોરોના સમયનો આદેશ યોગ્ય ન કહેવાય તે મુદ્દ પણ વેપારીઓમાં કચવાટ જોવા મળી છે. સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં પણ અંદાજે ૩૦૦થી વધુ વેપારીઓ – કરદાતાઓના બેંક ખાતા ટાંચમાં લેવાયા છે. જેનાથી ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાના કારણે આર્થિક કમર ભાંગી પડી છે, તેવામાં સહાનુભૂતિની વાત તો દૂર રહી પરંતુ વેટ વિભાગની તિજોરી ભરવા લોકોના ખીસ્સા ખાલી કરવા દંડો ઉગામાતા ભારે કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે.