ખેડૂતને હેક્ટર દીઠ રૂપિયા ૧.રપ લાખની અપાશે સહાય

ભુજ : કચ્છ જિલ્લાના ખેડૂતો પણ વરસાદની અનિયમિતતા તેમજ વાતાવરણમાં નોંધપાત્ર બદલાવના કારણે બાગાયતી પાક ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. ગરમ અને ભેજવાળા વાતાવરણ ડ્રેગન ફ્રૂટના છોડને માફક હોવાથી જૂનથી લઈને ઓગસ્ટ સુધી વાવેતર કરવામાં આવે છે. ત્યારે કચ્છના ૧પપ ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગનનું વાવેતર કરી રહ્યા છે.
મૂળ વિદેશી ફ્રૂટ ગણાતા પરંતુ અનેક ગુણોથી ભરપુર ડ્રેગ્ન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે કમળના ફુલ જેવા દેખાતા ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે નામકરણ કરી બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ યોજના અમલમાં મુકી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી પ્રારંભિક તબક્કામાં ખર્ચાળ હોવાથી સામાન્ય ખેડૂતોને નિયત હેકટર વિસ્તારમાં કરાયેલી ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વરસાદની અનિયમિતતા તેમજ સિંચાઈના સ્ત્રોતના અભાવે કચ્છના ૧પપ ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરશે. આ માટે ખેડૂતને હેકટર દીઠ રૂા. ૧.રપ લાખની સહાય આપવામાં આવે છે.અત્રે નોધનીય છે કે, ડ્રેગન ફ્રૂટ અનેક ઔષધીય ગુણ ધરાવતી હોવાથી માંગમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ડ્રેગન ફ્રૂટની ખેતીને પાણી ખાસ જરૂરિયાત રહેતી નથી. માત્ર લાંબા આયુષ્ય માટે સમયાંતરે પીયતનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યતઃ ફુલ આવવાના સમય પહેલા જમીન કોરી રાખવામાં આવે છે. પરિણામે ડ્રેગન ફ્રૂટના છોડ પર વધુ ફુલો ઉગી નિકળે છે અને વધુ ઉત્પાદન મળે છે. આ બાગાયત ખેતીમાં ટપક પદ્ધતિ વધુ સફળ સાબિત થવા પામી છે. ખુબ જ ઓછા પીયત, સુકી અને સામાન્ય જમીન, ઓછી દેખરેખ, ઓછો સમય ઉત્પાદન તેમજ ઉંચા ભાવ અને રોકડિયા પાકના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.