કચ્છના સાસંદના નામે અંજાર નજીકની કંપની પાસેથી ઠગાઈનો પ્રયાસ

મંદિરમાં દાનપેટે સીએસઆર એક્ટિવીટીના ફંડમાંથી અઢી લાખ રૂપિયા જમા કરવા જણાવાયું : અમદાવાદી શખ્સ સામે નોંધાયો ગુનો

અંજાર : તાલુકાના ખેડોઈ નજીકની એક કંપની પાસેથી મંદિરમાં દાન પેટે અઢી લાખ રૂપિયાની માંગણી કરી છેતરપિંડી આચરવાનો પ્રયાસ થયો હતો. તેમાં પણ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે દાનની રકમની માંગણી કરાઈ હતી. જેને પગલે અમદાવાદના એક શખ્સ વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ખેડોઈ નજીક આવેલી માન ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સિક્યોરીટી ઑફિસર બલ્કાસિંઘ નાગરાએ અમદાવાદના રીતેશ ચંદ્રકાંત જોશી નામના મોબાઈલ ફોનધારક વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ કંપનીના ડાયરેક્ટર મનસુખાનીના મોબાઈલ પર ફોન કરીને પોતે કચ્છના સાંસદ વિનોદ ચાવડા હોવાનું કહ્યું હતું. અને ગાંધીધામના મંદિરના ભંડારા માટે નાણાંની જરૂરિયાત હોવાથી કંપનીની સીએસઆર એક્ટિવીટીના ફંડમાંથી દાનપેટે અઢી લાખ રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. કંપનીના ડાયરેક્ટરે અંગે મેનેજરને સૂચના આપી હતી. મેનેજરે સિક્યોરીટી ઑફિસર બલ્કાસિંઘ નાગરાને તપાસ કરવા કહ્યું હતું. જેમાં તપાસ કરતાં મોબાઈલ નંબર મોહિત શાહ નામના શખ્સનો હોવાનું જાણવા મળ્યું હતું. તો તપાસમાં પણ સામે આવ્યું હતું કે, સાસંદ વિનોદ ચાવડા દ્વારા આવો કોઈ ફોન કરાયો હતો. જેથી ફોન કરનાર શખ્સ રીતેશ ચંદ્રકાન્ત જોશી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.