કચ્છના માલ વાહક વાહનોમાં તાલપત્રી ઢાંકવાના નિયમોની ઐસીતૈસી

માર્ગો પર મીઠું, લિગ્નાઈટ, કાંકરી, રેતી ભરેલા વાહનોની બેફામ અવરજવરથી નાના વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ

(બ્યુરો દ્વારા)ભુજ : રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ધરબાયેલી છે તેમજ જિલ્લામાં બે મહાબંદરો અને સેંકડો કંપનીઓ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માલવાહક વાહનો અવરજવર કરતા હોય છે. પરંતુ મોટા ભાગના માલ વાહક વાહનોમાં તાલપત્રી ઢાંકવાના નિયમની ઐસીતૈસી થતી જોવા મળે છે. માર્ગો પર મીઠું, લિગ્નાઈટ, કાંકરી, રેતી ભરેલા વાહનોની બેફામ અવરજવરથી અન્ય વાહનો અને સ્થાનીકના રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે.આ અંગેની વિગતો મુજબ લિગ્નાઈટ ભરેલા વાહનોમાં તાલપત્રી ઢાંકવામાં આવતી નથી. પરિણામે રોડ પર લિગ્નાઈટના કણો પવનના પ્રેશરથી ઉડતા હોવાથી અન્ય વાહન ચાલકોને કનડગત થાય છે. તો મોટા ભાગની નમક પરિવહનની ટ્રકોમાં તાલપત્રી બંધાતી નથી પરિણામે નમક ઉડીને માર્ગો પર ઢોળાતું હોવાથી રસ્તા ચીકાસવાળા થઈ જાય છે તેમજ રોડ સાઈડમાં આવેલા ખેતરોમાં પણ નમક ઉડીને પડતું હોવાથી જમીન ખારાશવાળી થઈ જાય છે. તો અન્ય રેતી, કપચી, કાંકરી ખનિજના વાહનોમાં પણ આવા જ દ્રશ્યો હોય છે. પોલીસને સામેથી આવા વાહનો પસાર થાય તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી. તાલપત્રી ન બાંધે તેમાં કોઈ વાંધો નહીં પરંતુ કાળજી લેવી જરૂરી છે. પોતાની બેદરકારીથી અન્ય નાના વાહન ચાલકો અને રાહદારીઓનો મરો થાય તે કેટલી હદે યોગ્ય ગણાય ? આ બેદરકારીથી ફાયદો કોઈને નથી, પરંતુ નુકશાન છે ત્યારે નિયમોનું લોકોએ પાલન કરવું જોઈએ.