કચ્છના પેરીસ મુન્દ્રાની ગટર યોજના અડધા દાયકા બાદ પણ અપૂર્ણ

ર૦૧૩થી શરૂ થયેલ કામ કયારે પૂર્ણ થશે તે અંગે સૌ કોઈ અજાણ : એક વર્ષમાં કામ પૂર્ણ કરવાની હતી શરત : ખુદ ગટર યોજના જ ખાડામાં ગયાનો નગરજનોમાંથી ઉઠતો રોષ

 

મુન્દ્રા : કચ્છના પેરીસની ઉપમા સાથે દેશ-વિદેશમાં જેની પ્રસિદ્ધિ કરાય છે તેવા મુન્દ્રામાં ચોતરફા સમસ્યાઓએ ભરડો લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનનો અહી છેદજ ઉડી રહ્યો હોય તેમ ર૦૧૩થી શરૂ થયેલ ગટર યોજનાને પ વર્ષ થવા આવ્યા હોવા છતા પણ પૂર્ણ થવાનું નામ લેવાઈ રહ્યું ન હોઈ સમગ્ર યોજના સામે જ પ્રશ્નાર્થ સર્જાયા છે. આ અંગે મુન્દ્રાના ભરતભાઈ કાનજીભાઈ પાતાળિયાએ જિલ્લા પંચાયત બાંધકામ શાખા પાસેથી આરટીઆઈ હેઠળ મેળવેલ માહિતી પરથી સ્પષ્ટ જણાય છે કે મુન્દ્રાની ગટર યોજનાનું કામ મહેસાણાની સુપર કન્સ્ટ્રકશન કું.ને તા.ર૩-૮-ર૦૧૩ના ૧ર માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની શરતે આપવામાં આવેલ અને તેની રકમ રૂા.૧પ,૪૯,૩૯,૭૬પથી મંજુર કરવામાં આવેલ. પરંતુ આજે તેને ચાર વર્ષ કરતા પણ વધુનો સમય વિતી ચૂકયો હોવા છતા હજુ ગટર યોજનાનું કામ પૂર્ણ થવાનું નામ લઈ રહ્યું નથી. તેમજ આ કામ કયાં અને કેવી રીતે ચાલી રહ્યું છે તે અંગે પણ નગરજનોમાં સવાલો ખડા થઈ રહ્યા છે.