કચ્છમાં અષાઢથી શરૂ થયેલી મેઘમહેર સતત પાંચમાં દિવસે પણ યથાવત : નખત્રાણા, ભુજ, અબડાસા, રાપર, લખપતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂવારે બપોર બાદ વરસાદ

ભુજ : અષાઢી બીજના કચ્છમાં અચૂક પણે મેઘરાજા કચ્છમાં હાજરી આપે છે. ધોધમાર નહી તો અમીં છાંટણા સ્વરૂપે પણ મેઘરાજા કચ્છની ધીંગી ધરાને ભીંજવે છે. જેઠ માસ કોરો રહ્યા બાદ લોકોની અષાઢમાં આશ બંધાઈ હતી. અને અષાઢના પ્રારંભે જ શુકનવંતો વરસાદ શરૂ થયો હતો. જે સતત પાંચ દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યો છે. તો આજે પણ અસહ્ય ઉકળાટ વચ્ચે કાળા ડિબાંગ વાદળોએ ગગન ઘેરાયેલું છે.અષાઢી બીજે પણ કચ્છમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં ગુરૂવારે બપોર બાદ કચ્છના હવામાનમાં પલટો આવ્યો હતો. એકાએક વાદળો ઘેરાયા હતા. અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ખાસ કરીને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ વરસીને પાણી વહાવ્યા હતા. તાલુકાના કુકમા, રેહા, હાજાપર, કોટડા, ચકાર, હરૂડી, રેહા, માધાપર, મિરજાપર, સહિતના ગામોમાં મેઘરાજાએ વરસીને સતત પાંચમાં દિવસે હાજરી પૂરાવી હતી. ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો, ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ ભુજ તાલુકાના દેશલપર વાંઢાય, કેરા, બળદિયા, દહીંસર સહિતના પંથકમાં વરસાદ થયો હતો. જયારે પટેલ ચોવીસીના માનકૂવા, ભારાસર, કોડકી, સુખપર, મિરજાપર, સામત્રામાં પણ ગઈકાલે સાંજે અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું અમારા માનકૂવાના પ્રતિનિધિએ જણાવ્યું હતું.તો બપોર બાદ ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારમાં તોફાની પવન અને ગાજવીજના ભયંકર કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. બન્ની પચ્છમના સાંધારા, ખારીવાવ, અંધૌ, મોટી દધ્ધર, વાગુરા, મીછીડીયારો, ભોજરડો, ઉડઈ, જમરીવાંઢ, લખાબા સહિતના ગામોમાં ગઈકાલે સાંજે ૪ઃ૩૦ કલાકે અંદાજીત દોઢ ઈંચ જેટલુું પાણી વરસી ગયું હોવાનું મોટી દધ્ધરના મુસાભાઈએ જણાવ્યું હતું. વરસાદથી અહીંના માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથી ઘાસચારો ઉગી નિકળશે જેના કારણે અહીંના પશુધનને રાહત થશે તેવું તેમણે જણાવ્યું હતું. જયારે બન્નીના છેવાડાના ગોરવલી, પન્નવારી, ડુમાડો, હોડકો તથા ધોરડોમાં પણ કાલે સાંજે અડધોથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ધોરડોના અમીરઅલી મુતવાએ જણાવ્યું હતું. જયારે, ધોરાવાર, તુગા, જામકુનરિયા, જુણા, દેઢિયા, કાઢવાંઢ, લુડિયા, ગોળપર, ખારી વિગેરે ગામોમાં દોઢ ઈંચ જેટલો પાલર પાણી વરસ્યું હતું. જેથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશી જોવા મળી હતી. બન્ની પચ્છમ વિસ્તારના ખવાડામાં વરસાદના ચાર છાંટા પડતાં જ લાઈટ ગુલ થઈ જતાં ગ્રામજનો ગરમી અને બફારામાં સેકાયા હતા. ગુજરાત વીજ કંપની લિમિટેડના કથળેલા આ વહિવટથી ખાવડા વિસ્તારના ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જયારે નાડાપા, હબાય, ચપરેડીમાં પણ ગઈકાલે સાંજે ૬ વાગ્યે અડધા ઈચ જેટલો વરસાદ થયો હોવાનું નાડાપાના સરપંચ દેવજીભાઈ કાગીએ જણાવ્યું હતું. તો જિલ્લા મથક ભુજમાં પણ સમી સાંજે ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા હતા. અષાઢી બીજથી ભુજમાં શરૂ થયેલી વરસાદી હેલી ઝાપટા સ્વરૂપે વરસી રહી છે. તેવામાં સમી સાંજે ઝાપટા વરસતા માંડ કોરા થયેલા માર્ગો ફરી પાછા ભીંજાયા હતા. નીચણા વિસ્તારોમાં તેમજ રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બારડોલી નખત્રાણામાં પણ બપોર બાદ ભારે ઝાપટારૂપી વરસાદ થયો હતો. નખત્રાણાના પ્રતિનિધિ વિનયકાંત ગોરે જણાવ્યું હતું કે, નખત્રાણામાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. તો નખત્રાણામાં ચાલુ વરસાદમાં પોલીસ જવાનોની કાબીલે દાદ કામગીરી કરી હતી. નગરના વથાણ બજાર જેવા વિસ્તારોમાં પાણીનો ધોધ વહેતો હતો. જેના લીધે લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. બસ સ્ટેશનમાં પાણી આવી જતાં વાહનો અટવાયા હતા. નખત્રાણા પીઆઈના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલ કરાયો હતો. તો નખત્રાણા તાલુકાના નેત્રા, ઉગેડી, વિગોડી, દેશલપર ગુંતલી, મોરાય, રવાપર, મોટી વિરાણી, સુખપર, ભારાપર, નાની વિરાણી, રામેશ્વર, દેવસર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. માધાપર (મંજલ), જિયાપર, લાખાડી, મંગવાણા, યક્ષ, દેવપર, મંજલ, કુરબઈ, બાડિયારો, કોટડા જડોદર સહિતના વિસ્તારમાં એકાદ ઈંચ વરસાદથી વાડીઓમાં ઉભેલા પાાકને ફાયદો થયો હતો. તો ધીણોધર, નાની – મોટી અરલ, દેવીસર, હીરાપર, થાનજાગીર, ગોધિયાર સહિતના વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો આ તરફ રાપરમાં સખત ગરમી વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. સાંજે રાપર શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. જેના કારણે શહેરમાં પાણી વહી નીકળ્યા હતા.ઉપરાંત તાલુકાના કલ્યાણપર, પ્રાગપર, ભુટકીયા, ભીમાસર, આડેસર, નિલપર સહિતના આજુબાજુના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખેતરોમા ચોમાસુ પાકનું વાવેતર કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ મેઘરાજાએ હજુ સુધી જોઈએ એવી મહેર ન કરતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. તેવામાં આજે વરસાદના ઝાપટાથી શહેરની મુખ્ય બજારોમાંથી પાણી વહી નિકળ્યા હતા. તો ગ્રામ્ય પંથકોમાં પણ જોરદાર ઝાપટાના કારણે ધરતીપુત્રોના મુખ મલકાયા હતા. જયારે લખપતના તાલુકા મથક દયાપર, દોલતપર, ઘડુલી, ગુનેરી, વર્માનગર, પાન્ધ્રો સહિતના પંથકમાં વરસાદ થયો હતો.તો અબડાસાના મુખ્ય મથક નલિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાનું કચ્છ ઉદયના પ્રતિનિધિ નીતિન ખત્રીએ જણાવ્યું હતું કે, સમી સાંજે નલિયામાં અડધા કલાક સુધી મેઘરાજા એકધારે વરસ્યા હતા. વરસાદને કારણે નલિયામાં પાણી વહી નિકળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ખાડાઓમાં પાણી ભરાયા હતા. તાલુકાના તેરા, બિટ્ટા, છાડુરા, કુકડાઉ, સુડધ્રો, ભાનાડા, ગોયલા, મોખરા, જંગડિયા, રામપર, બુટા, ઐડા, વલસરા, વાયોરમાં કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. અને રાબેતા મુજબ વીજળી ગુલ થઈ હતી. અબડાસા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. વાયોર વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો તથા વીજપોલ ધરાશાઈ થયા હતા. ગઈકાલે જિલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અબડાસામાં ૯ મી.મી., નખત્રાણામાં ર૪ મી.મી., ભચાઉમાં ૬ મી.મી., ભુજમાં ૧૬ મી.મી., રાપરમાં ૧૩ મી.મી. અને લખપતમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.

બિબ્બરમાં ગાય અને પીપરમાં ૪ ઘેટા-બકરીનું મોત : સુખપર અને ભોઆ ગામના મકાન પર આકાશી વિજળી ત્રાટકી

ભુજ : જિલ્લામાં વીજપાતના બનાવો વધી રહ્યા છે, ગઈકાલે નખત્રાણા તાલુકાના નિરોણા પાવરપટ્ટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં નિરોણા નજીક આવેલા બિબ્બર ગામે વીજપાત થવાથી ગાયનું મોત નિપજયું હતું. મળતી વિગતો મુજબ નખત્રાણાના બિબ્બર ગામે ઘરના આંગણામાં ઉભેલી ગાય પર આકાશી વિજળી પડી હતી. જેના કારણે ગૌમાતાનું સ્થળ પર જ મોત નિપજયું હતું. સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ સાથે થયેલા વરસાદ દરમિયાન કૃષ્ણ ભગીની ગૌમાતા પર ત્રાટકી હતી. જેના કારણે ગૌવંશનું મોત નિપજયું હતું. જયારે લખપત તાલુકાના પીપર ગામે સાંજેના ૬ વાગ્યાના અરસામાં વરસાદી વિજળી પડતા જત સુમાર ઈશાકના ૪ ઘેટા તેમજ એક બકરીનું મોત નિપજયું હતું. જયારે અબડાસાના ભોઆ ગામે મકાન પર વીજળી ત્રાટકતા મકાનના નળિયાને નુકસાન પહોચ્યું હતું. સદ્દભાગ્યે મકાન બંધ હોતા જાનહાની ટળી હતી. જયારે ભુજના ગણેશનગરમાં મકાનમાં વીજળી ત્રાટકતા ઉપકરણો બળી ગયા હતા. તો તાલુકાના સુખપરના નવાવાસ વિસ્તારમાં મકાનની છત પર વીજળી પડતાં છત અને ઘર વખરીની વસ્તુઓને નુકસાન પહોચ્યું હતું. જયારે તાલુકાના સુમરાસર ખાતે ઝાડ પર વીજળી ત્રાટકતા ઝાડને નુકસાન થયું હતું. સદભાગ્યે અન્ય કોઈને જાનહાની થઈ નથી. અબડાસાના રિલાયન્સ ક્વાટર્સ ખાતે આવેલા ગરબી ચોકમાં કૃષ્ણ ભગીની ત્રાટકી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તો નરાનગર ખાતે મકાનમાં વીજળી પડતાં તે ખાખ થઈ ગયું હતું. મકાનમાં રહેલો ગાયો માટેનો ઘાસચારો બળ્યો હતો. બાકી કોઈ નુકસાની થવા પામી ન હતી.