કચ્છના નીરોણા – કુરનને કેન્દ્રની ભેટ

લુપ્ત થતી વિશ્વપ્રસિધ્ધ રોગાન આર્ટને આગળ વધારવા કાપડમંત્રીએ આપી હૈયાધારણા

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રિય કાપડમંત્રી
સ્મૃતિ ઈરાનીએ નિરોણા – કુરનના ર.૭૦ કરોડના કામોનું કર્યું ખાતમૂર્હૂત
ઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાઈ ફાઈ વિલેજની કરી જાહેરાત

 

ભુજ : સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ કચ્છના છેવાડે આવેલા કુરન અને નિરોણા ગામ દતક લીધું હતું ત્યારે આજે આ ગામોમાં કરોડોના વિકાસકામોનું ખાતમૂર્હૂત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સાંસદો ગામડાઓ દત્તક લઈને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે ત્યારે કચ્છના છેવાડે આવેલા કુરન અને નિરોણા ગામને દત્તક લેનાર કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી. કલાના પંચતીર્થ સમાન એક તાલુકાની ગરજ સારે તેવા નિરોણા ગામે કેન્દ્રિય કાપડમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ નિર્મળાબેન ભાનુશાલી સહિતની મહિલા સદસ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નિરોણા ખાતેથી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ૧.૦૮ કરોડના વિકાસ કામો નિરોણા ગામે કરાશે તેમજ કુરન ગામમાં ૧.૬ર કરોડના વિકાસકામો મળીને કુલ્લ ર.૭૦ કરોડના વિકાસકામોનું ખાતમૂર્હૂત કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં પ્રારંભે નિરોણાવાસીઓ અને કચ્છીઓને પ્રણામ કર્યા હતા. કચ્છનું નિરોણા અને કુરન ગામ દતક લેવા પાછળ અહીંના યુવા સાંસદ વિનોદ ચાવડાએ ખાસ ભલામણ કરી હતી અને આ ગામોને વિકાસની તાતી જરૂરીયાત હોવાનું જણાવતા તેમની લાગણીને માન આપીને આ ગામો દતક લેવાનો નીર્ણય લીધો છે અને પોતે ખરા અર્થમાં વિકાસ કરી શકાય તેવા ગામોને દત્તક લીધાનો આનંદ વ્યકત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઈન્ડિયા યોજના અંગે વાત કરીને આગામી દિવસોમાં નિરોણા અને કુરન ફ્રી વાઈફાઈ સુવિધા આપવાની જાહેરાત કરી હતી. તો નિરોણામાં અગાઉ ખારૂં પાણી આવતું હતું જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે તેમના દ્વારા કલેકટરને ખાસ ભલામણ કરીને નર્મદા લાઈનમાંથી નિરોણા ગામને પાણી આપવાની કામગીરી સફળ રીતે શરૂ કરાઈ છે જેમાં આજે પોતે નિરોણા આવ્યા તે પૂર્વે જ ગામમાં નર્મદાનું નીર વહેતું થયું હતું. આ પ્રસંગે મુદ્રા યોજનાના બે લાભાર્થી કારીગરોને લોન આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ યોજના અંતર્ગત કેમ્પ યોજીને કારીગરોના ઉત્થાન માટે સતત પ્રયત્નો કરાશે તેવું તેમણે કહ્યું હતું. પ્રારંભે સ્મૃતિ ઈરાનીએ કચ્છની પ્રખ્યાત રોગાન આર્ટના કારીગરોની મુલાકાત લીધી હતી. લુપ્ત થતી આ કળાના કારીગરોને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરાશે તેવી ખાત્રી કેન્દ્રિય કાપડમંત્રીએ ઉચારી હતી. કચ્છમાં માત્ર નિરોણામાં જ થતી રોગાન આર્ટની કળા વૈશ્વિક સ્તરે વિસ્તરેલી છે પરંતુ કારીગરોને સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન ન મળવાને કારણે લુપ્તતાના આરે છે. માટે તેને જીવંત રાખવા કેન્દ્રિય કાપડમંત્રીને રજૂઆત પણ કરાઈ હતી અને સ્મૃતિ ઈરાનીએ હકારાત્મક પ્રતીક્રિયા આપી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગ્રામ્ય ઉત્થાનની વાત પોતાના સંબોધનમાં કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કચ્છના કયા ગામો દત્તક લઈ શકાય તે સંદર્ભે કેન્દ્રિય કાપડમંત્રીએ તેમની સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને તેમણે નિરોણા તેમજ કુરન ગામ દતક લેવાની ભલામણ કરી હતી જેને સ્મૃતિ ઈરાનીએ સહર્ષે સ્વીકારી લઈને બન્ને ગામોના વિકાસની જવાબદારી ઉપાડી છે ત્યારે સમગ્ર કચ્છીઓ વતી વિનોદ ચાવડાએ તેમનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોષી, એસપી એમ. એસ. ભરાડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ઉપપ્રમુખ નિયતીબેન પોકાર, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ધીરજલાલ પટેલ, વસંત વાઘેલા, જયસુખભાઈ પટેલ, કેશરબેન મહેશ્વરી, સામતભાઈ મહેશ્વરી, રાજેશ પલણ, નિરોણાના મહિલા સરપંચ નિર્મળાબેન ભાનુશાલી, રાજેશભાઈ ભાનુશાલી, ચંદનસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દેવજી માવજી પટેલ, ડાયાલાલ પાંચાણી, દિલીપ નરસીંગાણી, રાજુભા જાડેજા, મોહનભાઈ ચાવડા, મીઠુભાઈ વાઘેલા, નિરોણાના તલાટી રમેશભાઈ માલી, મોહનભાઈ ભાનુશાલી, નીતિનભાઈ ભાનુશાલી, તલાટી ખુશ્બુબેન પટેલ, ગજાજી જાડેજા, કરશનજી જાડેજા, અધિક કલેકટર ડી.આર. પટેલ, પ્રાંત અધિકારી આર.ડી. જાડેજા, નખત્રાણાના પ્રાંત ડી. બી. ઝાલા, ડીવાયએસપી શ્રી પંચાલ, પી.આઈ. જે. એમ. આલ, વૈભવ ખાંટ, નખત્રાણાના મામલતદાર એ. પી. ઠક્કર, ટીડીઓ શૈલેષ રાઠોડ સહિતના અધિકારી – પદાધિકારીઓ તેમજ નિરોણા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.