કચ્છના દેશી વહાણોને કોરોના કાળમાં ઓકિસજન મળ્યો

  • કન્ટેનર જહાજોની અછત સર્જાતા

માંડવી સહિતના બંદરોએ બનતા નાના વહાણો એક સમયે પૂર્વ આફ્રિકા, જંગબાર, મોમ્બાસા, દારેસલામ, મસ્કત અને શ્રીલંકા સહિતના દેશોમાં વેપાર કરતા : મોટા કન્ટેનરોની જાહોજલાલીમાં દેશી વહાણવટું ખોવાઈ ગયું : કોરોના કાળમાં કન્ટેનર અને જહાજો મળવામાં મુશ્કેલરૂપ બની રહ્યા છે ત્યારે દેશી વહાણો માલસામાન લાવવા-લઈ જવામાં બની રહ્યા છે મદદરૂપ

માંડવી : દેશ વિદેશમાં મોટા ભાગની આયાત-નિકાસ દરિયાઈ રસ્તે થતી હોય છે. ભારત સહિત વિશ્વમાં માલસામાનના પરિવહન માટે જળમાર્ગ જ વધુ વપરાય છે. હવાઈ માર્ગ, રસ્તાઓ કરતાં જળમાર્ગ વધુ સસ્તો, વધુ ઝડપી અને ઓછી મુશ્કેલીઓવાળો હોવાથી તે જ નાની મોટી વસ્તુઓના પરિવહન માટે વાપરવો સૌને પોસાય છે. અત્યારે તમામ દેશો જરૂરી ચીજવસ્તુઓ માટે એકબીજા પર આધાર રાખે છે. ભારતમાં બનાવેલી કોઈ ઇલેક્ટ્રોનિક્સ કે અન્ય કોઈ પણ વસ્તુઓના નાના નાના ભાગ વિદેશોમાંથી આયાત કરીને તેમાં વપરાતા હોય છે. જ્યારે ભારતમાં ઊગેલું અનાજ કે તેલ જેવા ખાઘપદાર્થો, ખનિજો બીજા દેશોમાં અન્ય કોઈ વસ્તુ બનાવવામાં વપરાતા હોવાથી તેની નિકાસ પણ મોટા પાયે થાય છે. જેના કારણે આયાત નિકાસકારોને કન્ટેનર અને તે લઈ જનારા જહાજોની હરહંમેશા તાતી જરૂરિયાત રહેતી હોય છે, કોરોના કાળમાં જ્યારે કન્ટેનર અને જહાજો મળવામાં મુશ્કેલી પડવા લાગી છે ત્યારે દેશી વહાણો માલસામાન લાવવા-લઈ જવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. કન્ટેનરર જહાજોની અછત સર્જાતા દેશી વહાણોની માંગ વધી છે જેના થકી કોરોના કાળમાં ઓકિસજન મળ્યો છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં બનતાં નાનાં વહાણો એક જમાનામાં પૂર્વ આફ્રિકા, જંગબાર, મોમ્બાસા, દારેસલામ, મસ્કત, શ્રીલંકા વગેરે દેશમાં વેપાર કરતાં હતાં. આજે મોટાં કન્ટેનર જહાજોના સમયમાં આ દેશી વહાણવટું ખોવાઈ ગયું છે. કોરોના કાળમાં જ્યારે કન્ટેનર અને જહાજો મળવામાં મુશ્કેલી પડવા લાગી છે ત્યારે દેશી વહાણો માલસામાન લાવવા-લઈ જવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. આ વહાણોને ખૂબ માલસામાન મળવા લાગ્યો છે. તેના દ્વારા દુબઈ, સોમાલિયા, ઈરાન, ઈરાક, યમન વગેરે દેશોમાં માલસામાનનું પરિવહન થઈ રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે કન્ટેનરની છત થાય ત્યારે પણ આ નાનાં વહાણોને મળતો કાર્ગો પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં બે મહાબંદરો કંડલા (પં. દીનદયાળ પોર્ટ) અને અદાણી-મુન્દ્રા પોર્ટ કચ્છમાં આવેલાં છે. જે બંને મળીને દેશનો ૩૫ ટકા જેટલો કાર્ગો હેન્ડલ કરે છે. આ બંદરો સાથે સંકળાયેલા અમુક વ્યવસાયકારોના મતે વૈશ્વિક સ્તરે પ્રવર્તતી કન્ટેનર અને જહાજની કમી પાછળ ચીન જવાબદાર છે. ચીન વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.અહીં બનનારી વિવિધ વસ્તુઓ માટે ચીનમાં વિશ્વના અનેક દેશમાંથી કાચા માલની આયાત કરવી પડતી હોય છે. જયારે ત્યાં તૈયાર થયેલો સામાન પણ સંપૂર્ણ વિશ્માં પહોંચાડવાનો હોય છે. જયારે વિશ્વભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો ત્યારે ચીનમાં તેના કેસ ઘટી રહ્યા હતા. આથી ત્યાં આયાત નિકાસ માટે ખૂબ મોટા પ્રમાણમાં માલસામાન તૈયાર છે. તેના પરિવહન માટે ચીન વધુ ભાડા ચૂકવીને કન્ટેનર રાખે છે. કન્ટેનર ખાનગી માલિકીના હોવાથી જ્યાં વધુ ભાડું મળે ત્યાંજ જાય તે હકીકત હોવાથી વિશ્વના મોટા ભાગના દેશોના આયાત નિકાસકારોને અત્યારે મજબૂરીથી વધુ ભાડું આપીને કન્ટેનર ભાડે લેવા પડે છે, જેનો ચીન ફાયદો ઉઠાવી રહ્યો છે.
આ બાબતે માંડવી વહાણવટા એસો.ના પ્રમુખ હાજી આધમ થૈમનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, કન્ટેનરની અછત સર્જાતા દેશી વહાણો તરફ ટ્રાફિક વળ્યો છે. કોરોના કાળમાં દેશી વહાણવટાને લાભ થયો હતો. જો કે, હાલે ચોમાસાની સીઝન હોઈ ઉપરાંત મુંદરામાં ચેનલની સફાઈ ન થવાથી વહાણ ગ્રાઉન્ડ થવાના બનાવો વધવાના લીધે લોડીંગ થઈ રહ્યા નથી.