કચ્છના તંત્રની બે મોઢાની વાત, ૮૩ર બેડ ભરેલા હોવા છતાં એક્ટિવ કેસ માત્ર ૪૯૧

સરકારી તંત્રના મતે કચ્છમાં ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ પથારી કાર્યરત : જિલ્લા પંચાયતની યાદીમાં કોવિડ હોસ્પિટલમાં ૧૦ર૯ બેડ ખાલી દર્શાવાયા, જેથી અન્ય ૮૩ર બેડ ભરેલા હોવા જોઈએ, જો કે સરકારી યાદીમાં આરોગ્ય વિભાગે એક્ટિવ કેસ માત્ર ૪૯૧ બતાવ્યા : અન્ય ૩૪૧ દર્દી ફરી મિસ્ટર ઈન્ડિયા

(બ્યુરો દ્વારા)ભુજ : એકતરફ કચ્છની કોવિડ હોસ્પિટલોમાં જગ્યા નથી. બીજીતરફ તંત્ર બેડ ખાલી હોવાના દાવા કરે છે, તે વચ્ચે કચ્છના ૩૪૧ દર્દી મિસ્ટર ઈન્ડિયા બન્યા તેવું સરકારી આંકડાઓ પરથી જ જણાઈ આવે છે. સજજતાના દાવા વચ્ચે કેટલીક ભૂલોએ સક્રિય તંત્રની પોલ ખોલી છે. આ અંગેની જો વાત કરીએ કચ્છના વહિવટીતંત્ર દ્વારા મંગળવારે માહિતી ખાતા મારફતે એવું બ્રિફીગ આપવામાં આવ્યું કે, કચ્છમાં ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ પથારીઓની ક્ષમતા સાથે કોવિડ હોસ્પિટલો કાર્યરત છે. છેલ્લા ૧૦ દિવસમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં ૩૩૭, કોવિડ હેલ્થ કેર અને કેર સેન્ટરમાં ૬૩૮ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧પ૧ મળી ૧૧ર૬ પથારીની ક્ષમતા વધારાઈ છે, જે સાથે હાલમાં ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ પથારીની ક્ષમતા સાથેની હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલ કાર્યરત હોવાનો દાવો કરાયો છે. જો કે આ દાવાનો ખુદ જિલ્લા પચાયતની સરકારી યાદીએ છેદ ઉડાવ્યો છે. બુધવારની જિલ્લા પંચાયતની સરકારી યાદી પ્રમાણે કચ્છમાં સરકારી હોસ્પિટલમાં ૮૭૪ અને ખાનગી હોસ્પિટલમાં ૧પપ મળી કુલ ૧૦ર૯ બેડની જગ્યા ખાલી છે. જેથી માની શકાય કે કુલ ૧૮૬૧ પથારીમાંથી ૧૦ર૯ બેડ ખાલી હોય તો બાકીના ૮૩ર બેડ ભરેલા હોવા જોઈએ. અલબત સરકારી યાદીમાં એક્ટિવ કેસ માત્ર ૪૯૧ બતાવાયા છે. જેથી બાકીના ૩૪૧ બેડની વિગતો કયાં ગઈ તે સવાલ ઉઠાવા પામ્યો છે. તંત્રના સરકારી આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. અગાઉ મોતના આંકડા છૂપાવ્યા અને દર્દીઓની વિગતો છુપાવી હવે બેડની સંખ્યામાં પણ જનતાને ભ્રામક માહિતી અપાય છે. અમારો ઉદ્દેશ તંત્ર પર માછલા ધોવાનો નથી, પરંતુ જવાબદાર થઈને તમે આવી ભૂલ કરો તો તમારી ભૂલને ઢંઢોળવાની અમારી ફરજ છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારી ડો. માઢકનો ટેલિફોનિક ખુલાસો જાણવા સંપર્ક કરાયો, જો કે મિટિંગોમાં વ્યસ્ત અધિકારીઓએ ફોન રિસીવ કર્યો ન હતો.