કચ્છના ડેમોમાં માત્ર ૯.૬૩ ટકા પાણી ૩ ડેમોમાં ટીપુંય પાણી નહીં, અન્યમાંથી સિંચાઈ માટે અપાય તો પીવાનું શું ?

કચ્છ સહિત ગુજરાત- સૌરાષ્ટ્રના ડેમોમાં દયનીય સ્થિતિ : વરસાદ ખેંચાતા કૃષિ વિભાગે તૈયાર કર્યો કન્ટીજન્સી પ્લાન

 

ભુજ : કચ્છમાં વરસાદ ખેંચાયો છે. ગુજરાતમાં સરેરાશ ૩૩ ઈંચ વરસાદની સામે અત્યાર સુધી માંડ ૧૮ ઈંચ વરસાદ થયો છે. તેમાંય કચ્છમાં માત્ર નામના જ છાંટા પડ્યા છે. તેવામાં કચ્છમાં ડેમો તળિયા જાટક થઈ ગયા છે. હાલ જિલ્લાના ર૦ મધ્યમ સિંચાઈના ડેમોમાં માત્ર ૯. ૬૩ ટકાક પાણી જ બચ્યું છે.
કચ્છમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે જળાશયોની સ્થિતિ તળિયા જાટક છે. ત્યારેઆવનારા દિવસોમાં પરિસ્થિતી અતિ ગંભીર સર્જાઈ શકે છે. સરકાર સરોવર ડેમમાં ૩૭૪૬ મીલિયન કબ્યુબીક મીટર (એમ.સી.એમ.) પાણી તો છે પરંતુ માત્ર ૪૬ એસીએમ જેટલો જ છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા જો નર્મદા ડેમમાંથી ગુજરાતભરમાં સિંચાઈ માટે પાણી અપાય તો પછી પીવા માટેનું પાણી નહિ રહે. ત્યારે સરકાર માટે અત્યંત કપરી પરિસ્થિતી સર્જાઈ રહી છે. હાલ મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે અને સિંચાઈ માટે પાણી નહિ અપાય તો ઉભા પાકને નુકશાનની ભીતિ સર્જાઈ છે. ત્યારે જો ટૂંક સમયમાં વરસાદ નહિ થાય તો સિંચાઈ માટે પાણી નહિ આપવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો કૃષિ વિભાગ દ્વારા કન્ટીજન્સી પ્લાન તૈયાર કરી દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. કચ્છની વાત કરીએ તો કચ્છના ર૦ મધ્યમ સિંચાઈના ડેમોમાંથી ૩ ડેમ તળિયા જાટક છે. આ ૩ ડેમોમાં ભુજના કાયલા, અબડાસાના બેરાચીયા અને મુંદરાનાં ગજોડ ડેમમાં ટીપુંય પાણી નથી. નખત્રાણાના નિરોણા અને ભુજના કાસવતીમાં અનુક્રમે ૦.૯ર અને ૦.૩૭ ટકા જેટલું સમ ખાવા પૂરતું પાણી બચ્યું છે. કચ્છના તમામ ડેમોમા સરેરાશ ૯.૬૩ ટકા પાણીનો જથ્થો બચ્યો છે.
સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ૧૦ ટકાથી ઓછુ પાણી ગયા બાદ તે જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે. ત્યારે જિલ્લામાં પાંચ ડેમ સાવ ખાલી છે તે ઉપરાંત અન્ય ૬ ડેમોમાં ૧થી ૭ ટકા જેટલું જ પાણી બચ્યું છે. ત્યારે કચ્છમાં આગામી દિવસોમાં અત્યંત વિકટ પરિસ્થિતી ર્જાય તેવા એંધાણ સર્જાયા છે.