કચ્છના ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજનાનો ત્વરીત લાભ આપો

  • અપ્રમાણસર વરસાદના પગલે ખરીફ પાકનું વાવેતર નિષ્ફળ જતા

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા તમામ તાલુકા મથકોએ ધરણા યોજી આવેદનપત્ર અપાયાઃ જિલ્લા ખેતીવાડી અધિકારી સામે યોગ્ય પગલાં ભરવા પણ કરાઈ માંગ

ભુજ : કચ્છ જિલ્લામાં ચાલુ સાલે શરૂઆતમાં પ્રમાણસર વરસાદ વરસ્યો હતો, જેના પગલે ખેડૂતોને ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ ત્યાર બાદ ૩પ થી ૪૦ દિવસ સુધી વરસાદ ન થતા પાક નિષ્ફળ ગયો છે. અપ્રમાણસર વરસાદના પગલે ખરીફ પાકનું વાવેતર નિષ્ફળ જતા કચ્છના ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજનાનો ત્વરીત લાભ આપવા જિલ્લાના તમામ તાલુકા મથકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ ૩૧ ઓગસ્ટ સુધી ૧૦ ઈંચ વરસાદ ન થાય તો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમ ગણી હેકટર દીઠ રૂા. રપ હજાર અને ચાર હેકટરની મર્યાદામાં રાહત આપવાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ આજદીન સુધી આ અંગે કોઈ કાર્યવાહી થયેલ ન હોઈ ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી સહાય આપવા ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી સામે યોગ્ય પગલાં ભરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ કચ્છના તમામ તાલુકા મથકોએ ધરણા યોજવામાં આવ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખોટા રીપોર્ટ કરી ખેડૂતોને ધાક ધમકી આપવામાં આવી રહી હોવા ઉપરાંત પોલીસ ફરિયાદની બીક બતાવાઈ રહી છે. સર્વે બાબતે ખોટો રીપોર્ટીંગ કરી સરકારને પણ બદનામ કરાઈ રહી હોઈ આવા અધિકારી સામે તાત્કાલિક પગલાં લેવા પણ માંગ કરાઈ છે.ભુજ ખાતે મામલતદાર કચેરી બહાર સવારે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા યોજાયા હતા, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કાનજીભાઈ ગાગલ, જિલ્લા પ્રમુખ શીવજીભાઈ બરાડીયા, જિલ્લા મંત્રી ભીમજીભાઈ કેરાસીયા, તાલુકા મંત્રી મનસુખભાઈ માકાણી, તાલુકા કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ, પૂર્વ મંત્રી માવજીભાઈ, પૂર્વ પ્રમુખ રમણભાઈ માકાણી, જિલ્લા મહિલા મંત્રી વાલુબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધરણા બાદ મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર મામલતદાર કચેરીમાં પાઠવાયું હતું. બીજી તરફ ભુજ તાલુકામાં ઈનામી નાબુદી ધારાની કલમ ૧૦ નીચે જે જમીન શ્રી સરકાર થઈ ગયેલી તે સરકારની ભૂલના કારણે થઈ છે. ખેડૂતોને જમીન રેગ્યુલાઈઝડ કરી આપવામાં આવે તથા શ્રી સરકાર થઈ ગયેલી જમીનમાં જેમ વર્ષ ર૦૦૬ પહેલા પાણી પત્રક ભરાતા હતા, તેમ અત્યારે પણ પત્રક ભરવા રજૂઆત કરાઈ છે. વડીલો પાર્જીત જમીનોમાં વારસાઈમાં હયાત વડીલ પોતે જેને ચાહે તેને મિલ્કત આપી શકે તેમજ તમામ વારસદારોના હક્ક દાખલ કરવાનો આગ્રહ ન રાખવા પણ વિનંતી કરાઈ છે. અંજાર ખાતે મામલતદાર કચેરી બહાર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવાયું હતું. આ વેળાએ તાલુકા મંત્રી રાઘુભાઈ મકવાણા, ઉપપ્રમુખ હરીભાઈ મ્યાત્રા, શંભુભાઈ બોરીચા, સહમંત્રી બધાભાઈ ડાંગર, કોષાધ્યક્ષ રતીલાલ ખોડીયાર, શામજીભાઈ મ્યાત્રા, જિલ્લા ઉપપ્રમુખ વાલજીભાઈ મરંડ, જિલ્લાના સદસ્ય પ્રેમજીભાઈ લીંબાણી, રામજીભાઈ છાંગા, અંજાર તાલુકા પૂર્વ પ્રમુખ રામજીભાઈ મરંડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા ખાતે તાલુકા કિસાન સંઘ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવાયું હતું. નખત્રાણા ખાતે પણ કિસાન સંઘે ધરણા બાદ આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી.