કચ્છના ક્ષત્રિય બંધુઓએ રાયફલ શુટીંગ અને એર પીસ્ટલમાં વગાડ્યો ડંકો

સિધ્ધરાજસિંહ જાડેજાએ સ્ટેટ લેવલે સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન બનીને નેશનલમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ : સત્યરાજસિંહ જાડેજા એર પીસ્ટલ શૂટર તરીકે કાઠું કાઢવા રાજકોટમાં મેળવે છે અદ્યતન તાલીમ

ભુજ : કચ્છના બે ક્ષત્રિય બંધુઓએ ક્રિકેટ, ફૂટબોલ કે બેડમિન્ટન જેવી ચીલાચાલુ રમતોથી પર એવી રાયફલ શૂટીંગ શોર્ટઘન શૂટીંગ અને એર પીસ્ટલ શૂટર જેવી રમતોમાં કાઠું કાઢ્યું છે. જેમાંથી એક યુવાન તો રાજય કક્ષાએ છેલ્લા ૩ વર્ષથી ચેમ્પિયન બન્યો છે તેમજ નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તો તેનો નાનો ભાઈ એર પીસ્ટલ શુટરની રાજકોટમાં અદ્યતન તાલીમ મેળવે છે.રમત-ગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર આ યુવાનોની વાત કરીએ તો સિધ્ધરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના પિત્રાઈ ભાઈ સત્યરાજસિંહ મનુભા જાડેજા આવી હટકે રમતોમાં હીર ઝળકાવ્યું છે. સિધ્ધરાજસિંહ જાડેજાએ રાયફલ શૂટીંગમાં ગુજરાતમાં ૩ વખત ચેમ્પિયન બનીને સિધ્ધિ હાંસલ કરી છે. તો શોર્ટઘન શૂટીંગમાં પણ સફળતા મેળવી છે. રાયફલ શૂટીંગમાં તેણે ૬૦૦માંથી પ૮૪નો સ્કોર કરીને કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજયકક્ષાએ બે વખત ગોલ્ડ મેડલ મેળવીને સિધ્ધરાજસિંહે કચ્છનું ગૌરવ વધાર્યું છે. તો ઓલ ઈન્ડીયા લેવલે પણ પ્રિનેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અથાગ મહેનત અને લગન તેમજ એકાગ્રતા પૂર્વકની તૈયારી સાથે રાયફલ શૂટીંગ અને શોર્ટઘન શૂટીંગમાં સિધ્ધરાજસિંહે આ સિધ્ધિ હાંસલ કરી છે. તો કચ્છના અન્ય યુવા ખેલાડીઓ માટે તે રોલ મોડલ બન્યો છે. સિધ્ધરાજસિંહ હાલ તેના કાકાઈ નાનાભાઈ સત્યરાજસિંહ જાડેજાને તૈયાર કરે છે.
સત્યરાજસિંહ જાડેજા ભુજના નગરસેવક મનુભા જાડેજાના પુત્ર છે. તેને એક પીસ્ટલ શૂટીંગમાં રસ હોવાથી તેની તાલીમ મેળવે છે અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લે છે. ૧૮ વર્ષિય આ યુવાન રાજકોટની રાજશક્તિ રાયફલ ક્લબમાં અદ્યતન તાલીમ મેળવે છે. આ તાલીમ કેન્દ્રમાં ખ્યાતનામ શૂટર અને કોચ રોનક પંડિત તેમને તાલીમ આપે છે. સત્યરાજે એર પીસ્ટલ શૂટીંગની રમતને આંતરદ્દષ્ટિથી જુએ છે અને તેણે ઉમેર્યું હતું કે, આ રમતમાં વધુ શારીરિક પરિશ્રમની જરૂર નથી પરંતુ માનસિંક હાજરી અને એકાગ્રતાની જરૂર છે. જો કોઈ લક્ષ્ય પર મક્કમ પકડ રાખીને અને એકાગ્રતા પૂર્વક તેને વેધવામાં આવે તો કોઈપણ લક્ષ્ય વેધી શકાય છે. સત્યરાજસિંહ જાડેજાને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું છે અને તે દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતવાની ખેવના ધરાવે છે અને તેના માટે જ તે અથાગ મહેનતથી પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે.