કચ્છના કલેકટર પદે ગોંડલના સુજલ મયાત્રાએ સંભાળ્યો ચાર્જ

કચ્છના નવા કલેક્ટર તરીકે છોટા ઉદેપુરથી બદલીને આવેલા સુજલ મ્યાત્રાએ આજે સવારે સૌપ્રથમ ધિંગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા ખાખ હનુમાન મંદિરે દર્શન કરી કલેક્ટર કચેરી પહોંચતા તેમને આરડીસી કુલદીપસિંહ ઝાલાએ આવકાર આપ્યો હતો. ત્યારબાદ શુભ મુહૂર્તે શ્રી મ્યાત્રાએ કલેક્ટરનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર સામે ખાખ હનુમાનના દર્શન કરીને મેળવ્યા આશીર્વાદ : વિશાળ સરહદી જિલ્લાના પ્રશ્નો હલ કરવા અને કોરોના કાળમાં સંક્રમણ ફેલાતું અટકાવવાને પ્રાથમિકતા આપવાની વ્યકત કરી કટિબદ્ધતા

ભુજ : રાજય સરકારે તાજેતરમાં કરેલી આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરમાં કચ્છ કલેક્ટર બદલાયા છે. જેમાં 2011માં સીધી ભરતીથી આઈએએસ થયેલા ગુજરાતી અધિકારી સુજલકુમાર મયાત્રાને કચ્છના કલેકટર તરીકે મુકવામાં આવ્યા બાદ આજે યુવા સનદી અધિકારીએ કચ્છના કલેકટર તરીકેનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. મુળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામના સુજલકુમાર મયાત્રા છોટા ઉદેયપુરથી બદલી પામીને કચ્છમાં નિયુક્તિ પામ્યા છે. તે પહેલા અમરેલીમાં રાજુલાના સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તે બાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહેદ ખાતે ફરજ બજાવેલ બાદ છોટા ઉદેપુરના કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છના કલેકટર તરીકેની જવાબદારી સંભાળનાર સુજલકુમાર મયાત્રા એક યુવા સનદી અધિકારી છે, ત્યારે તેમની કારકીર્દી અંગે વાત કરીએ તો માત્ર એક ટકો ઓછો હોવાને કારણે બારમાં ધોરણમાં ટોપ ટેનમાં આવતા ચૂકી ગયા હતા. માત્ર એટલું નહીં પરંતુ એક માર્ક ઓછો હોવાને કારણે સુજલકુમાર મેડિકલની લાઈન પણ ચુકી ગયા હતા. ડોકટર બનવાનું સપનુ જોનાર સુજલકુમાર મયાત્રાએ ફાર્મા સેકટરમાં કરિયર બનાવીને માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની સિવિલ સર્વિસની પરિક્ષા પાસ કરી હતી.

નિરમા યુનિ. માંથી બી ફાર્મ અને પંજાબમાંથી માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ ફાર્મા સેકટરમાં કામ દરમ્યાન સુજલકુમાર મયાત્રાને પોતાના અભ્યાસ અને જ્ઞાનનો ઉપયોગ થતો હોવાનું જાેવા મળતા તેમની કારકીર્દીનો અહીંથી ટર્નિંગ પોઇન્ટ શરૂ થયો હતો અને તેઓએ આઈએએસ બનવાનું નક્કી કર્યું અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ફાર્માની માસ્ટર ડીગ્રી હોવા છતાં તેમણે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય સાથે પ્રથમ પ્રયત્નમાં યુપીએસસી ક્લિયર કરીને સાબિત કરી દીધું હતું કે, ધ્યેય નક્કી હોય અને મહેનત હોય તો ઇચ્છીત સફળતા મેળવી શકાય છે.

આઈએએસની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને તેઓએ પોતાની સીવીલ સર્વિસની કારકીર્દી શરૂ કરી જેમાં રાજુલામાં ડીડીઓ તરીકે ફરજ બજાવ્યા બાદ છેલ્લે છોટા ઉદેયપુરમાં કલેકટર તરીકે યુવા અધિકારીએ અનેક મહત્વની કામગીરી કરી હતી. કોરોનાકાળમાં કોવિડ૧૯નો ફેલાવો અટકાવવા માટે અસરકારક પગલા લીધા હતા, જેની રાજય સરકારે પણ નોંધ લીધી હતી. તો છોટાઉદેપુરમાં લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમના પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કચ્છમાંથી ભલે મનીષ ગુરવાની જેવા યુવા અને બાહોશ અધિકારી બદલી પામીને વલસાડ ગયા હોય પરંતુ તેમના જેવા યુવા સનદી અધિકારી સુજલકુમાર મયાત્રા જયારે કચ્છના કલેકટર પદે આરૂઢ થયા છે ત્યારે તેમની કોઠાસુજ અને યુવા અધિકારી તરીકે કામ કરવાની તત્પરતાનો લાભ કચ્છ જિલ્લાને મળશે તેમાં કોઈ બેમત નથી. આજે તેમણે ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદીરની સામે આવેલા ખાખ હનુમાન મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવીને શુભ મૂર્હૂતે જિલ્લા સમાહર્તા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.