કચ્છના એરપોર્ટ અને રેલવે સ્ટેશનોે પર પ્રવાસીઓનું સ્ક્રીનીંગ – ટેસ્ટીંગ શરૂ

  • કેરળ-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગતા

રસીના બે ડોઝ ન લેનારા પ્રવાસીઓનો કરાઈ રહ્યો છે રેપીડ ટેસ્ટ : શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાય છે

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં પોઝિટીવ કેસના આંકમાં ફરી વધારો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોની તુલનાએ કેરળ અને મહારાષ્ટ્રમાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા હોઈ વિવિધ રાજયોની સરકાર પણ સતર્ક બની છે, ત્યારે ગુજરાત સરકારે એલર્ટ મોડમાં આવી ગઈ હોઈ કેરળ – મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ – ટેસ્ટીંગ કરવા આદેશો આપ્યા છે. કચ્છના એરપોર્ટ તેમજ રેલવે મથકો પર પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ હોઈ જનજીવન પુનઃ થાળે પડી ગયું છે. સરકારના નિયમો હળવા બનતા લોકોએ પુનઃ પરિવહન પણ શરૂ કર્યું છે ત્યારે કેરળ – મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ફરી વધ્યા લાગ્યા હોઈ આ બન્ને રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ કયાંક અન્ય વિસ્તારોમાં સંક્રમણ ન ફેલાવે તે હેતુસર ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. કચ્છનો મુંબઈ તેમજ મહારાષ્ટ્ર સાથે પારીવારીક તેમજ વ્યાપારીક સબંધ હોઈ દૈનિક હજારો લોકો કચ્છ – મુંબઈ વચ્ચે આવન જાવન કરતા હોય છે. તો ધંધા – રોજગાર અર્થે કેરળ સહિતના રાજયોના લોકો પણ અહીં સ્થાયી થયા છે ત્યારે મુંબઈ તેમજ કેરળથી આવતા મુસાફરોના લીધે કચ્છમાં કયાંક પુનઃ કોરોનાના કેસોમાં ઉછાળો ન આવે તે માટે તંત્ર અત્યારથી જ એલર્ટ બન્યું હોઈ આ બન્ને રાજયોના લોકોનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. ભુજ એરપોર્ટ, ભુજ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે સ્ટેશન તેમજ કંડલા એરપોર્ટ પર પાછલા ત્રણેક દિવસથી કામગીરી શરૂ કરવામાં આવી છે. રસીના બન્ને ડોઝ લેનાર પ્રવાસીઓને જવા દેવામાં આવે છે પરંતુ જે પ્રવાસીઓ પાસે રસીના સર્ટિફીકેટ ન હોય તેમનું રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા પ્રવાસીઓનું આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં એક તબક્કે કોરોનાના કેસો શુન્ય થઈ ગયા હતા. પરંતુ પાછલા થોડાક સમયથી એકલ – દોકલ કેસ સામે આવતા હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૮ થઈ ગઈ છે. તહેવારની ભીડ બાદ અને ત્રીજી લહેરની આગાહી વચ્ચે સપ્ટેમ્બરમાં કેસ વધી શકે તેવી ભીતિથી સરકારી તંત્રોએ તમામ તૈયારી કરી છે. ઓગષ્ટ મહિનો કોરોના સંક્રમણની દ્રષ્ટિએ શાંતિભર્યો રહ્યો છે. પરંતુ ૨૦૨૦ની ગત સાલમાં પ્રથમ વખત ઓગષ્ટથી જ કોરોનાએ માથુ ઉંચકયુ હતું તે સરકારી તંત્ર ભુલ્યું નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના વધુ વકર્યો હતો. આ સ્થિતિમાં જો તહેવાર અને ભીડના કારણે કોરોના સંક્રમણ ફેલાયુ હોય તો ૧૫ સપ્ટેમ્બર સુધીના દિવસો ખુબ મહત્વના બનશે તેવું આરોગ્ય વિભાગ માની રહ્યો છે.