કચ્છથી ઉપડતી સાપ્તાહિક ટ્રેનોમાં ‘રાજા ગેંગ’નો આતંક

ગાંધીધામ-ભાગલપુર, ભુજ-જબલપુર, ભુજ-શાલીમાર, ગાંધીધામ-કામખ્યાના પ્રવાસીઓમાં ભય : ટ્રેનોમાં ખાવાનું વેચતા ફેરીયાઓ સાથે ભાવ-ગુણવતા મુદ્દે ફરિયાદ કરવાથી છરીથી કરાય છે હુમલો : ‘રાજા’ નામના વ્યકિતના ફેરીયાઓની ગુંડાગીરી

 

ભુજ : દર વર્ષે કેન્દ્રીય રેલ્વે બજેટમાં હજારો કરોડની ફાળવણી કરાતી હોવા છતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવાઈ રહી નથી. ટ્રેનોમાં છેડતી, ચોરી જેવા બનાવો સામાન્ય બની ગયા છે. પરંતુ હવે કચ્છથી ઉપડતી સાપ્તાહિક ટ્રેનોમાં ‘રાજાગેંગ’ના આતંકથી પ્રવાસીઓમાં ભય ફેલાયો છે.
આ અંગેની વિગતો મુજબ ટ્રેનોમાં ખાણી-પીણીની વસ્તુઓ વેચનારા ફેરીયાઓની હાજરી સામાન્ય ગણવામાં આવે છે અને દરેક ટ્રેનોમાં તે જોવામાં આવે છે. લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓ પણ આ ફેરીયાઓ વસ્તુઓની નિર્મય પણે ખરીદી કરતા હોય છે. પરંતુ કચ્છથી ઉપડતી સાપ્તાહિક ટ્રેનોમાં ખાણી-પીણીની વસ્તુઓ ખરીદતા પણ પ્રવાસીઓ ફફડી રહ્યા છે. ગાંધીધામ-ભાગલપુર, ભુજ-જલબપુર, ભુજ-શાલીમાર, ગાંધીધામ-કામખ્યા ટ્રેનમાં ખાણી-પીણીના ફેરીયાઓ પર એક વ્યકિતનું વર્ચસ્વ છે જેનું નામ રાજા છે. રાજાગેંગના ફેરીયાઓ પાસેથી ખાણી-પીણીની વસ્તુઓ ખરીયા બાદ ભાવ કે ગુણવતા બાબતે ફરિયાદ કરવામાં આવે તો પ્રવાસીને ચાકુથી ધમકાવી હુમલો પણ કરી દેવામાં આવે છે. હાલમાં જ ગાંધીધામ-ભાગલપુર ટ્રેનના ૧ર જેટલા પ્રવાસીઓ રાજાગેંગના સભ્ય પાસેથી ખરીદેલી બિરીયાની ખાઈને બીમાર પડ્યા હતા અને તેઓને કોટા રેલ્વે સ્ટેશને સારવાર આપવામાં આવી હતી. રતલામ આરપીએફની મીઠી નજરના પગલે રામગેંગનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે.