કચ્છઉદયની અપીલનો જીલાયો સાદ : કચ્છના સમાજો આવ્યા આગળ…!

  • કોરોના સંક્રમીત દર્દીઓ અને પરિવારજનોની વ્હારે આવ્યા સમાજો : હવે મહાજનો પણ દાખવે કચ્છીયત

ભુજમાં લોહાણા મહાજન દ્વારા ભોજન વ્યવસ્થા અને તબીબી સેવાની શરૂઆત કરાઈ : પટેલ સમાજ દ્વારા દર્દીઓના સ્વજનો માટે રહેવા-જમવાની વ્યવસ્થાની આગેવાની લેવાઈ : હજુ પણ અન્ય સમાજો અને સંસ્થાઓ આગળ આવે : કચ્છ ઉદય પણ કોરોના મહામારીમાં મદદ માટે આગળ આવવા સમાજોને અપીલ કરી હતી

ગાંધીધામ : હાલમાં સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસની મહામારીનો કાળો કેર છવાયેલો છે. જ્યાં જુવો ત્યાં કોરોનાના કહેરથી જનજીવન ત્રાહિમામ છે. લોકો પોતાની માનસિક સ્થિતિ પર હવે સંતુલન જાળવી શકતા નથી. કારણ કે, એક તરફ ઘરમાં કોઈ દર્દી બીમારીથી સંક્રમીત થાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવો, બધી વ્યવસ્થા કરવી આવા સમયે ઘરના સભ્યોને હુંફ અને ટેકાની જરૂર હોય છે. કચ્છ ઉદય પણ કોરોના મહામારીમાં મદદ માટે આગળ આવવા સમાજોને અપીલ કરી હતી. આજ પ્લેટફોર્મ પરથી કોરોના સંક્રમીત દર્દીઓ અને તેમના પરિવારની મદદ માટે કચ્છના સખાવતી દાતાઓ, સમાજો, સંસ્થાઓ, મહાજનો, સંગઠનો આગળ આવે તે માટેની અપીલ કરવામાં આવી હતી. જેને હવે સમર્થન મળી રહ્યું છે. કોરોના સંક્રમીત દર્દીઓ અને તેમના પરિવારજનોને મદદ કરવા માટે હવે સમાજો પણ આગળ આવ્યા છે. ભુજમાં લોહાણા મહાજન દ્વારા આ કપરી પરિસ્થિતિમાં ભોજન વ્યવસ્થા અને તબીબી સેવાની શરૂઆત કરવામાં આવી છે. માધાપરના દિનેશભાઈ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું કે, હાલે કોરોનાની પરિસ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ઘણા પરિવારો સંકટમાં મુકાયા છે ત્યારે આ પરિવારોને ભોજન વ્યવસ્થા પુરી પાડવાની નેમ ભુજ લોહાણા મહાજન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભુજ શહેરમાં રહેતા લોહાણા સમાજના કોઈપણ પરિવારમાં સભ્ય કોરોના ગ્રસ્ત હોય અથવા હોમ ક્વોરેન્ટાઈન હોય એ પરિવારોને સમયસર ટિફિન પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે. સવારે ૮ઃ૩૦થી ૧૦ વાગ્યા સુધી ટિફિન લખાવવા માટે કિશોરભાઈ ઠક્કર મો. નં. ૯૮રપર પ૬પ૯૩ અને મીતભાઈ પૂજારા ૯૮૭૯પ ૬૪૩૩૯નો સંપર્ક કરી શકાશે. જ્યારે રાત્રિના ટિફિન લખાવવા માટે સાંજે ૪થી ૬ વાગ્યા સુધી હિતેશભાઈ ઠક્કર મો.નં. ૯૮રપ૦ ર૦૮૭૮ અને કમલભાઈ કારિયા ૯૦૩૩૯ ૩પ૬૮૮નો સંપર્ક કરી શકાશે. તેમજ તબીબી સેવાની જરૂરિયાત હોય તો સમાજના તબીબો દ્વારા તબીબી સેવા અને કન્સલન્ટ પણ આપવામાં આવશે. બીજી તરફ પટેલ સમાજ દ્વારા પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં મોરબી તરફથી પટેલ સમાજના કોરોના સંક્રમીત દર્દીઓ સ્વજનો સાથે સારવાર લેવા ભુજ આવી રહ્યા છે ત્યારે દર્દીના સગાને રહેવા અને જમવાની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. સમાજના મહેશભાઈ પટેલે જણાવ્યું કે, ત્રણ-ચાર દિવસથી આ સેવા શરૂ કરી છે. ર૦થી રપથી દર્દીઓ મોરબીથી કોરોનાની સારવાર લેવા ભુજ આવ્યા છે. જેઓના સ્વજનોને નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અપાઈ છે. આ બન્ને સમાજોની જેમ અન્ય સમાજો પણ આગળ આવે તે જરૂરી છે. તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો અને મહાજનોએ પણ હજુ આગળ આવવું જરૂરી છે.