‘કચ્છઉદય’ના અહેવાલની તત્કાળ અસર ફુડ વિભાગે કેરીના રસ સહિતના સેમ્પલોની તપાસના કર્યા આદેશ

ટુંક સમયમાં જ ફુડ ઈન્સ્પેકટરો દ્વારા દરોડા પાડીને હાથ ધરાશે તપાસ

ભુજ : ગરમીનો પારો દિન પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે ત્યારે કેરીની સીઝન શરૂ થવા પર છે તે પહેલા જ બજારમાં કેરીના રસ ધૂમ વેંચાઈ રહ્યા છે. જેમાં ભેળસેળની આશંકાએ તેમજ ‘કચ્છઉદય’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલની અસર તળે ફુડ વિભાગ દ્વારા તપાસના આદેશ કરાયા છે.
કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો કેરીનો રસ, શેરડીનો રસ, લીંબુ સરબત, વિવિધ પ્રકારના જ્યુસ આરોગે છે. દરેક પ્રકારના ઠંડા પીણામાં બરફનો ઉપયોગ થાય છે ત્યારે બરફની ગુણવતા સહિત વિવિધ પ્રકારના જ્યુસમાં થતી મિલાવટના સમાચારો અવારનવાર માધ્યમોમાં પ્રસિદ્ધ થાય છે. જેમાં ગત તા. ૧૬-૪-ર૦૧૮ના “કેરીનો રસ બની શકે છે ઘાતક, નોતરી શકે છે કેન્સર”ના મથાળા હેઠળ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેની અસર તળે ફુડ વિભાગ દ્વારા તપાસના આદેશો કરાયા છે. કેરીના રસમાં થતી ભેળસેળ ઉપરાંત શેરડીના રસ, બફરના ગોલા, સરબતમાં એસન્સની થતી હાનિકારક મિલાવટની તપાસ કરવામાં આવશે. તો આઈસ્ક્રીમ અને જ્યુસના સેમ્પલો મેળવીને તેની તપાસ કરવાના આદેશો પણ કરાયા છે. ફુડ વિભાગના નિયામક એમ. જી. શેખના જણાવ્યા પ્રમાણે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ઠંડાપીણા સહિત આઈસ્ક્રીમ, બરફના ગોલા, કેરીનો રસ, શેરડી રસ સહિતમાં થતી ભેળસેળ પર પરદો ઉંચકવા માટે ફુડ ઈન્સ્પેકટરોને તપાસની સુચના આપી દેવાઈ છે. આગામી ટુંક સમયમાં જ તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે તેવું ફુડ વિભાગના એમ. જી. શેખે ઉમેર્યું હતું.