કંડલા સિગારેટ સ્મગલીંગ કેસની તપાસનું ફીંડલું : દુબઈથી દોરીસંચાર કરનાર દાણચોરને છુટોદોર

  • કસ્ટમવિભાગના કાળા-ધોળા ફરી શંકાના દાયરામાં

કંડલા-ભચાઉ હાઈવે પરના એવી જોષી સીએફએસમાં સિગારેટના મામલે ચાલતી તપાસમાં અન્ડરવેલ્યુએશન દર્શાવી, ડયુટી ભરાવી કેસ પૂર્ણ કરી દેવાતા ઉઠી રહ્યા છે અનેક સવાલો : સિગારેટમાં જો આ રીતે તરકટો થઈ જાય, કસ્ટમના અધિકારીઓ ખુદના ભ્રષ્ટબાબુઓના કારનામાઓને છાવરવા ઢાંકપીછોડા કરી જાય તો આવનારા દીવસોમાં અહી ડ્રગ્સ અને હથિયારોની ખેપ નહી ઉતરી જાય તેની શું ખાત્રી ? : જાણકારોનો સવાલ

તપાસમાં કુલળીમાં ગોળ તો ભંગાયો જ છે, બદદાનત ખુલીને બહાર આવતી દેખાય છે કારણ કે, અંડર વેલ્યુએશન હોવાનું કસ્ટમે તપાસ કર્યું ત્યારે બહાર આવ્યું જો તપાસ ન થઈ હોત તો ટીસ્યુ પેપરની આડમાં સીગારેટનો મોટો જથ્થો પણ હેમખેમ સરકી ગયો હોત

ગાંધીધામ : કંડલામાં પાછલા બે રોજથી સિગારેટના પ્રકરણની ચર્ચા હોટટોપીક બની જવા પામી હતી. ટીશ્યુ પેપરની આડમાં સિગારેટ ઘુસાડવામા આવી હોવાની વિગતોના આધારે કસ્ટમવિભાગે અહીંના એવી જોષીના સીએફએસમાં કન્સાઈન્મેન્ટમાં તપાસ હાથ ધરી હોવાની હવા મોટા ઉપાડે બહાર આવી હતી પરંતુ આ આખુય પ્રકરણ હાઈપ્રોફાઈલ હોવાથી અને દુબઈથી જ સીગારેટ સ્મગલીંગના નેટવર્કને વાયા જામનગર થઈ અને એકાદ કસ્ટમના જ ભ્રષ્ટ બાબુની સંડોવણી સાથે ધમધમાવવામં આવતુ હોવાનુ ખ્યાલ તપાસનીશ કસ્ટમ અધિકારીને આવી જતા તેમના પગ નીચેથી પણ જાણે કે જમીન સરકી ગઈ હોય તેમ આખાય પ્રકરણનો ખુદના વિભાગના અધિકારીને બચાવવા માટે કરી અને સંકેલો જ કરી લેવામા આવ્યો હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે. ટિશ્યુ પેપરની આડમાં સિગારેટ મંગાવવાની બાતમીઓના આધારે તપાસ ગત રોજ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કેસમાં તપાસનો રેલો ખુદ કસ્ટમના જ એક અધિકારી સુધી લંબાતો હોવાના પગલે બધુ જ સમુસુથરૂ પાર પાડી દીધુ હોવાનુ મનાય છે.૧પ કલાક જેટલી તપાસ ચલાવાઈ અને અંતે કુલડીમાં જાણે કે ગોળ જ ભાંગી નખાયો હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. અન્ડરવેલ્યુએશન એટલે કે ડીકલેર કરેલા માલથી વધુ પ્રમાણમાં જથ્થો મંગાવાયો હોવાનુ દેખાડી અને ડયુટી ભરાવી કેસ અને તપાસનુ ફીંડલું જ વાળી દીધુ હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. આવા સમયે જાણકારો દ્વારા સવાલ થઈ રહ્યા છે કે, આવી જ રીતે સિગારેટમાં જો તપાસના નામે તરકટ રચી વધુ ડયુટી ભરાવી લેવાઈ તો આવનારા દીવસોમાં આ જ તત્વો અહી ડ્રગ્સ અને હથીયારો ઉતારી દેશે તો પણ નવી નવાઈ નહી કહેવાય.

  • સીબીઆઈ કેમ ન ત્રાટકે ?

કસ્ટમના અમુક ભ્રષ્ટ અધિકારીઓ ધરાવે છે સંડોવણી

ગાંધીધામ : ટીશ્યુ પેપરની આડમાં સિગારેટની સ્મગલીંગ કરવામાં આવતી હોવાની લાલબત્તીરૂપ ઘટના ચર્ચામાં આવી છે. પણ કમનશીબી છે કે આખાય મામલા પર સંકેલો કરી દેવાયો છે. આવી જ રીતે પુનરાવર્તિત સિગારેટ દાણચોરીને અહી ડામવી હોય તો હકીકતમાં આવા પ્રકરણોને લઈને હવે સીબીઆઈએ ત્રાટકવાની જરૂરીયાત રહેલી છે. કારણ કે, સિગારેટ સ્મગલીંગ કેસમાં એક કસ્ટમ અધિકારીએ ખુદના સબંધીના નામે જ આખુય કારસ્તાન ગોઠવી લીધુ હતુ. અને તેથી જ જો સીબીઆઈ આ કેસમા તપાસ કરશે તો જ સાચી વિગતો બહાર આવી શકે તેમ છે.

  • જામનગરનો નરેન્દ્ર દુબઈમાં ગાંધીધામના કયા કુખ્યાત ભાગેડુ શખ્સનો છે પ્યાદો..?

જો કડક અને ઘનિષ્ઠ તપાસ થઈ હો’ત તો કાસેઝમાં લક્ષ્મી નામે ફેકટરી ધરાવતો અને જેની સામે કુખ્યાતીભર્યા ધંધાઓ માટે રેડકોર્નર નોટીસ જાહેર કરાઈ છે તેવા શખ્સ સુધી સીગારેટ દાણચોરી પ્રકરણમાં લંબાયો હો’ત રેલો..!

ગાંધીધામ : ટિશ્યુ પેપરની આડમા સિગારેટ દાણચોરીવાળા પ્રકરણ પર પડદો જ પાડી દેવામા આવ્યો છે પરંતુ જો તેની સાચી-તટસ્થ તપાસ કરવામા આવી હોત તો જામગનરનો નરેન્દ્ર હકીકતમાં દુબઈમાં બેઠેલ ગાંધીધામના કયા કુખ્યાત અને ભાગેડુ શખ્સનો પ્યાદો છે તે સહિતની તમામ માહીતીઓ બહાર આવી શકી હોત? કારણ કે, સિગારેટની ટોળકી દુબઈથી જ બેઠા બેઠા બધી ગોઠવણીઓ કરી રહી છે. દુબઈમાં જે નામની કંપની ધરાવે છે તે જ કંપની અહી જોનમાં પણ આ શખ્સની હોવાનુ મનાય છે.