કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ધાડનો પ્રયાસ કરનાર આરોપીઓના જામીન ફગાવાયા

ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરનાર પાંચેય આરોપીઓ હાલ જેલ હવાલે : કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને અપાયેલી સુચના બાદ કરાઈ હતી કાર્યવાહી

ગાંધીધામ : સંકેુલના ફ્રી ટ્રેડ ઝોનમાં ધાડ પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલહવાલે ધકેલ્યા હતા, જે પૈકી બે આરોપીઓ દ્વારા કરાયેલી જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કેન્દ્રની સુચના બાદ સ્થાનીકે તંત્ર અને પોલીસ હરકતમાં આવીને કાર્યવાહી કરી હોવાનું અંતરંગ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ધાડ પાડવાનો પ્રયાસ કરાયો હતો. હથિયારો સાથે આવેલા આરોપીઓએ સુરક્ષા કર્મીઓ પર હુમલો કરીને ધાડ પાડવાની કોશિષ કરાઈ હતી. જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અસગર ઈસ્માઈલ ચાવડા, ઈબ્રાહીમ હાજી ચાવડા, ઉમર કાસમ ચાવડા, લીયાજય કાસમ ચાવડા, મુસ્તાક કાસમ સોઢાની હથિયારો સાથે ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલા આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. દરમ્યાન બે શખ્સોએ જામીન અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં કોર્ટે આરોપીઓની જામીન અરજી રદ્‌ કરી હતી.જો કે આ બાબતે ગાંધીધામ બી ડીવીઝનના પીઆઈશ્રી દેસાઈને પુછતા તેવોએ અન્યકોઈ અગત્યની મીટીંગમાં રોકાયલા હોવાથી આ બાબતે વાત કરવા અમસર્થતા વ્યકત કરતા તેમની પ્રતિક્રીયા મેળવી શકાય નહોતી.આ સમગ્ર મામલે અંતરંગ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફ્રી ટ્રેડ ઝોનમાં ધાડ પાડવાના થયેલા પ્રયાસ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા પત્ર વ્યવહાર કરીને રાજય સરકારને આ બનાવ અંગે ત્વરીત અને કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અપાઈ હતી. રાજય સરકારે કલેકટરને પોલીસને આ બનાવ સંદર્ભે કડક કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરાઈ હતી, ત્યારે હવે ઝોન સહિત પોર્ટમાં આવા બનાવો બનતા અટકે તે માટે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.