કંડલા પોર્ટ પર એરેસ્ટ કરાયેલું વિદેશી જહાજ છોડવા હાઇકોર્ટનો આદેશ

જહાજ ટકરાવાના વિવાદનો મામલો પહોંચ્યો હતો એડમિરાલિટી કોર્ટમાં : માલ્ટાનું જહાજ સામાન ઉતારી રહ્યું હતું ત્યારે પનામાથી આવેલા જહાજને સૂચનાઓ ગણકાર્યા વિના હંકારાતા સર્જાયો હતો અકસ્માત

ગાંધીધામ ઃ કંડલા એરપોર્ટ પર બે વિદેશી જહાજાે ટકરાવાના કેસમાં જે જહાજના નાવિકોની બેદરકારી હતી તે જહાદને એરેસ્ટ કરવાનો આદેશ હાઇકોર્ટની એડમિરાલિટી કોર્ટે આપ્યો હતો. આ વિવાદમાં બન્ને જહાજાેના માલિકો વચ્ચે સમાધાન થયું હોવાની રજૂઆત આજે કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેથી કોર્ટે પનામા દેશના જહાજને એરેસ્ટમાંથી છોડવાનો આદેશ આપ્યો છે તેમજ જહાજને મુક્ત ગણવાનો આદેશ સંબંધિત વિભાગોને આપ્યો છે.
કંડલા પોર્ટ પર ૨૭-૪-૨૦૨૧ના રોજ યુરોપિયન દેશ માલ્ટાનું જહાજ એમ.વી.-મેડેરિયા એન્કર દ્વારા લાંગરવામાં આવ્યું હતું અને પોર્ટ પરની ક્રેન તેમાંથી સામાન ઉતારી રહી હતી. આ સમયે દક્ષિણ અમેરિકન દેશ પનામાથી આવેલું એમ.વી.યુ.-ગ્લોરી ત્યાં આવી પહોંચ્યું હતું અને ખૂબ નજીકથી પસાર થવાની શક્યતા હતી. જેથી એમ.વી. મેડેરિયા તરફથી એમ.વી.યુ. ગ્લોરીને યોગ્ય રીતે જહાજ પસાર કરવા સંદેશો મોકલાયો હતો અને પોર્ટ ટાવરને પણ સંભવિત અકસ્માત વિશે જાણકારી અપાઇ હતી. જાે કે આ સૂચનાઓ ન ગણકારાતા બન્ને જહાજ વચ્ચે ટકરાવ થયો હતો અને ક્રેન દ્વારા સામાનની થઇ રહેલી હેરફેરમં પણ વિપરિત અસરો થઇ હતી. જેથી એમ.વી.-મેડેરિયા દ્વારા હાઇકોર્ટમાં એડમિરાલિટી સ્યુટ ફાઇલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની માગણી હતી કે સામેના જહાજે તેમની સૂચનાઓ ગણકારી નહોતી તેમજ ટકરાવ રોકવા કોઇપણ પ્રયત્ન કર્યો નહોતો. આ બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે સર્જાયેલી નુકસાનીની ભરપાઇ ન થાય ત્યાં સુધી જહાજને ભારતીય જળસીમામાં એરેસ્ટ રાખવું જાેઇએ. જેથી હાઇકોર્ટે એમ.વી.યુ.-ગ્લોરીને એરેસ્ટ કરવાનો આદેશ કોર્ટ રજિસ્ટ્રાર અને પોર્ટ ઓફિસરને આપ્યો હતો.આજે બન્ને પક્ષો તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે અરજદારે વળતર પેટે અઢી લાખ અમેરિક ડૉલર સ્વીકારી સમાધાન કર્યું છે અને એરેસ્ટ કરાયેલા જહાજને છોડવામાં આવે તો કોઇ વાંધો નથી. જેથી હાઇકોર્ટે એરેસ્ટ કરાયેલા જહાજના એન્જિન સહિતના મહત્વના હિસ્સાઓને મુક્ત કરવા આદેશ આપ્યો છે તેમજ આ જહાજ ભારતીય જળસીમામાંથી બહાર નીકળવા માટે મુક્ત છે તેવી સૂચના સંબંધિત અન્ય પોર્ટ અને વિભાગોને ઇ-મેઇલ દ્વારા આપી છે.