કંડલા પોર્ટના લેબોરેટરી અટેન્ડન્ટના ઘરમાંથી ૪.૪૮ લાખની તસ્કરી

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : અહીંની ગોપાલપુરી કોલોનીમાં રહેતા અને કંડલા પોર્ટમાં લેબોરેટરી અટેન્ડન્ટ તરીકે સરકારી નોકરી કરતા યુવાનના ઘરમાંથી તસ્કરી કરાઈ હતી. બંધ મકાનના તાળા તોડી ૧,૪૧,૦૦૦/-ની રોકડ રકમ તેમજ ૩,૦૭,પ૦૦/-ના સોનાના દાગીના મળીને ૪,૪૮,પ૦૦/-ની તસ્કરી કરાઈ હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી કિરણભાઈ હિંમતલાલ ગઢવીએ ચોરી અંગે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના બંધ મકાનનું તાળું તોડીને અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગત તા. ૧૯-૭-ર૧ના સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી પોતાના ઘરને બંધ કરીને ગયા બાદ પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. તસ્કરોએ ઘરનું તાળું ખોલીને અંદર ઘૂસી રોકડ રૂપિયા ૧.૪૧ લાખ તેમજ સોનાના દાગીના મળીને ૪.૪૮ લાખની ચોરી કરી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા પીઆઈ એમ. એમ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.