કંડલા-તુણા માર્ગે ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક ભટકાતા ચાલકનું મોત

ડીઝલ ટાંકીમાં એર લઈ જતા પમ્પીંગ કરતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા : કલીનર ઘવાયો : પોલીસે શરૂ કરી છાનબીન

 

ગાંધીધામ : તાલુકાના કંડલા માર્ગે તુણા ગામ નજીક ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક ભટકાતા યુવાન ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને ઈજાઓ થવા પામી હતી.
કંડલા મરીન પોલીસ મથકના તપાસનીશ પીએસઆઈ કે.એફ. દેવમોરારીએ ઘટના સ્થળેથી વિગતો આપતા જણાવેલ કે ગોજારા અકસ્માતનો બનાવ રાત્રીના ૧ઃ૪પ કલાકે કંડલા-તુણા માર્ગે બનવા પામ્યો હતો. વાવ તાલુકાના સુઈ ગામના દિનેશદાન પુજાદાન ગઢવી (ઉ.વ.૩ર) તથા કલીનર વિક્રમ શંકરભાઈ રાજપુત (ઉ.વ.ર૭) બન્ને જણા પોતાના કબજાની ટ્રક નંબર જીજે. ૮. યુ. ૩૪૩૪ લઈને જતા હતા ત્યારે ડીઝલ ખૂટી જતા એર લઈ ગયેલ જેથી બન્ને જણા ટ્રકને સાઈડમાં ઉભી રાખી કલીનર વિક્રમ મોબાઈલથી લાઈટ બતાવતો હતો અને દિનેશદાન પમ્પીંગ કરતો હતો તેવા સમયે પાછળથી યમદુત બની આવતી ટ્રક નંબર આરજે. ૦૭. જીસી. ૩૦રરના ચાલકે ઉભેલી ટ્રકના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા દિનેશદાનની પીઠ ઉપરથી ફરી વળતા ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે વિક્રમને ઈજાઓ થતા આદિપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ઈજા પામનાર વિક્રમ રાજપુતની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.